ક્યારે ચિલેકસને બદલે ‘ચિલ્ડ’ અને ‘ફ્રોઝન’નો અનુભવ કરીને કડકડતી ઠંડીમાં સંકોચાઇ જવાને બદલે મોકળા થઇને કોલ્ડ વેવની મોજ લેવી જોઇએ. સિટીના યંગસ્ટર્સ કઈ રીતે આ મોજ માણે છે?
છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં ચાલતી ‘ઠંડી હવાએ’ ભલભલા ચિલેકસ કરનારાઓને ચિલ્ડ કરી દે એવી રીતે ફૂંકાઇ રહી છે. શહેરમાં ઠંડીનો આ મિજાજ હવે કદાચ બે-ત્રણ દિવસ માંડ હશે અને હવામાન નિષ્ણાતના મતે રાતનું અને વહેલી સવારનું તાપમાન સારી પેઠે ઘટી જાય છે. આ ઠંડીનું તો આપણે કંઇ કરી શકીએ એમ નથી તો પછી ઠંડીમાં કંઇ કરાય એવું શોધી કાઢવું જોઇએ.
કડકડતી ઠંડીને પણ ચેલેન્જ કરનારા વિરલાઓની શહેરમાં કોઇ ખોટ નથી. એન્જિનિયરિંગના વિદ્યાર્થી વિવેક મહેરાને ફોટોગ્રાફીનો શોખ છે. એ કહે છે, ‘ઠંડીમાં નેચરલ લાઇટ સારી મળે અને મને તો આ મોસમ પણ ગમે છે. કડકડતી ઠંડીમાં થોળ જઇને ફોટા પાડવાનું થ્રિલ વર્ણવવા માટે શબ્દો ઓછા પડે.
બ્લેન્કેટમાં પડ્યા રહેવાં કરતાં મને મારી ફોટો એડવેન્ચર ટ્રિપમાં વધારે મજા આવતી હોય છે.’ કોઇક ઠંડીનો અનુભવ પોતાની સર્જનાત્મકતાને ગરમાટો આપવા કરે છે તો ખાવાનો ચટાકો રાખનારાઓને તો ઠંડીમાં જલસો પડી જાય છે. આર્કિટેકચરના વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ આ ‘કોલ્ડ વેવ’ને ફૂડ જોઇન્ટના કેમ્પફાયરથી બિટ કરવાનો પ્લાન કરી રહ્યું છે. નૈતિકા ગુપ્તાએ પોતાના ગ્રૂપનો પ્લાન જણાવતા કહ્યું કે,‘અમે લોકો કોઇ એવા ફૂડ જોઇન્ટ પર જઇશું, જ્યાં મસ્ત કાઠિયાવાડી ખાવાનું મળે.
બાજરીના રોટલા, ગરમાગરમ ખીચડી, ઘી-ગોળ-માખણ, સેવ-ટમેટાંનું શાક અને સાથે કાચી ડુંગળી. ઠંડીમાં આવા અખતરા કરવાની મજા પડે.’ શહેરમાં અને આસપાસના હાઇવેઝ એવા ઘણાં ફૂડ જોઇન્ટ્સ છે જ્યાં ઠંડીમાં માણી શકાય તેવું ફૂડ પીરસાય છે અને સાથે તાપણું કરીને ટોળે વળીને કલાકો સુધી ગપ્પાં મારવાની લકઝરી પણ મળે છે.
ઠંડીના ચાહકો આ મોસમના મિજાજને જો પૂરેપૂરો માણવા માંગતા હોય તો એમની પાસે દિવસો ઓછા છે અને શહેરમાં ફરી આવું વાતાવરણ આવે તેવી હવે આ વર્ષે તો શક્યતા નથી. તમારી પાસે લોંગ ડ્રાઇવ, કેમ્પફાયર ડિનર્સ અને કીટલી પર મોડી રાત્રે ચાની ચૂસકી લેવાના વિકલ્પો છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર ફોરકાસ્ટ કમલજીત કૌરે જણાવ્યું કે, ‘શનિવાર સુધી આ પ્રમાણે ઠંડક રહેશે. અહીંના લોકોને આવી ઠંડીની ટેવ ન હોવાથી તકલીફ પડે છે, જો કે પવનની અસર શનિવાર સુધીમાં ઓછી થશે તેવી શક્યતા છે.’