મંત્રી નિવાસ અને સચિવાલય નજીક આવી બીજી વિશાળ જગ્યા નથી
ગાંધીનગરમાં સેકટર-૧૭માં આવેલા હેલિપેડને અન્યત્ર ખસેડવાની વાતો અને હિલચાલ પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. કેમ કે, સુરક્ષાના કારણોસર અને કન્વેન્શન સેન્ટર આ સ્થળે બનાવવા સંદર્ભે હેલિપેડ ખસેડવાની હિલચાલ કરાઇ હતી. પરંતુ કન્વેન્શન સેન્ટર સેકટર-૧૪માં ખસેડી દેવાયું છે અને હેલિપેડ માટે આટલી વિશાળ જગ્યા નજીકમાં ઉપલબ્ધ નથી.
સેકટર-૧૭માં આવેલા હેલિપેડનો મહત્તમ ઉપયોગ મુખ્યમંત્રી-રાજ્યપાલ જેવા મહાનુભાવો માટે થતો હોય છે. આ ઉપરાંત એરફોર્સ સહિતનાં લશ્કરી ઉચ્ચ અધિકારીઓની આવન-જાવન વખતે થતો હોય છે. આ સંજોગોમાં ગાંધીનગર પોલીસ દ્વારા ભૂતકાળમાં મહાનુભાવોની સુરક્ષાના મુદ્દાને આગળ ધરીને હેલિપેડને અન્ય સ્થળે ખસેડવા દરખાસ્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના હવાઇ પ્રવાસ સંદર્ભે શહેરનો બંદોબસ્ત છાશવારે લગાડવો પડતો હોય છે.
આ સંજોગોમાં એક તબક્કે મંત્રી નિવાસ વિસ્તારમાં જ હેલિપેડ ખસેડવા વિચારણા થઇ હતી. પરંતુ અહીં નજીકના જ ગ્રામ્ય વિસ્તાર નદીકાંઠાના કોતરો સહિતના સ્થળોનાં કારણે અકસ્માત, સુરક્ષાના પ્રશ્નો ધ્યાને લેવાતા આ મુદ્દો પડતો મુકાયો છે.
દરમિયાન વાઇબ્રન્ટ સમિટના કાયમી આયોજન સ્થળ તરીકે હેલિપેડ ગ્રાઉન્ડ વિચારણામાં લેવાયું હતું. સમિટના આયોજન માટે અહીં કાયમી કન્વેન્શન સેન્ટર બનાવવા વિચારાયું હતું. પરંતુ પછીથી કન્વેન્શન સેન્ટર માટે સેકટર-૧૪માં ઊભું કરાયું છે. આમ પણ મંત્રી નિવાસ અને સચિવાલય નજીક હેલિપેડ માટે આટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં સેકટર-૧૭ ખાતે જ હેલિપેડ જેમનું તેમ રાખવા નિર્ણય લેવાયો છે.