- બે શકમંદોના હાલ ઇન્ટ્રોગેશન ચાલુ છે : એલસીબી પીએસઆઇ
- પ્રાથમિક પૂછતાછમાં બંને ધાડ, લૂંટની ગેંગના સભ્ય હોવાનું પોલીસનું અનુમાન
હાલોલ પાસેના પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટની ઘટનાથી પંચમહાલ પોલીસ દોડતી થઇ ગઇ હતી. જિલ્લાના એસપી સહિત વિવિધ શાખાના અધિકારીઓ દ્વારા બોર્ડરો ઉપર નાકાબંધી કરી ચેકિંગ હાથ ધર્યુ હતું. વહેલી સવારથી હાથ ધરેલા ચેકિંગ દરમિયાન દાહોદ જિલ્લાના બે શકમંદો ની અટકાયત કરવામાં આવી છે. જોકે હાલમાં તેઓની સઘન પૂછતાછ ચાલી રહી છે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લૂંટારૂગેંગ દ્વારા આતંક મચાવવાની સાથે સાથે પરિવારજનોને માર મારવામાં આવી રહ્યો છે. ઉપરાછાપરી બનતી લૂંટના બનાવને અંજામ આપનાર મોટાભાગની ગેંગ દાહોદ તથા પરપ્રાંતીય હોવાનુ બહાર આવતા પોલીસ દ્વારા તે તરફ તપાસ લંબાવી હતી. બીજીતરફ ગત મધ્ય રાત્રીના સમયે હાલોલ કાલોલ બાયપાસ રોડ ઉપર નિષ્ઠા વિદ્યામંદિર સામે આવેલા પેટ્રોલ પંપ ઉપર ત્રાટકેલા ૧પ જેટલા લૂટારુઓએ બે રાઉન્ડ ફાયર તથા પથ્થર મારો તથા વોચમેનને બેરહેમીપૂર્વક માર મારી ૧.૪૮ લાખની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી. જેથી જિલ્લા પોલીસ વડા સચીન બાદશાહ દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લાની બોર્ડર તથા અન્ય સ્થળો ઉપર નાકાબંધી ગોઠવી દીધી હતી. જુદી જુદી ટીમ બનાવી સતત પેટ્રોલીંગ તથા નાકાબંધી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન ગત તા. ૩ ફેબ્રુઆરીના રોજ એલસીબી તથા એસઓજી સ્ટાફના માણસો ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામ પાસે ચેકિંગ કરતા હતા. દ્વિચક્રી, ફોર વ્હીલ, એસટી બસ સહિત વાહનોનું સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે શંકાસ્પદ મોટર સાઇકલ ઉપર આવેલા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તેઓની પ્રાથમિક પુછતાછમાં લૂંટ ઘાડ ગેંગના સભ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. અત્રે નોંધનીય છેકે, વહેલી સવારથી હાથ ધરેલા ચેકિંગ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બે શકમંદો ની અટકાયત કરવામાં આવી છે. જોકે હાલમાં તેઓની સઘન પૂછતાછ ચાલી રહી હોવાનુ એલસીબીએ જણાવ્યુ છે.