- મંજૂર મહેકમની સામે ૩૦ ની ઘટ
- પોલીસ નગરજનોને સુરક્ષા આપવામાં સદતંર નિષ્ફળ
- તસ્કરોના આતંકથી ભયના ઓથાર નીચે રાત્રિઓ પસાર કરે છે
હાલોલ પંથકમા દિનપ્રતિદિન તસ્કરોના આતંકથી નગરજનો ભયના ઓથાર નીચે રાત્રિઓ પસાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી હાલોલમાં ચોરો દ્વારા ભયનું વાતાવરણ ફેલાવવામાં આવતો હોવા છતાં પોલીસ નગરજનોને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડેલી જણાય છે. નગરની ૬૪ હજાર વસતીની સુરક્ષા માટે પ૪ પોલીસ કર્મચારીઓ છે. જેથી મંજુર મહેકમની સામે ૩૦ કર્મીઓની ઘટ વર્તાય છે.
હાલોલમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. ગત રાત્રિના સમયે નગરની ગૌશાળામાં રાખવામાં આવેલ ઘાસનાં પુળામાં તસ્કરો છુપાયા હતા. જેની જાણ થતા વિટ્ઠલ, ઓડ સહિત અન્ય ફિળયામાંથી હથિયારો સાથે યુવાનો ઉમટી પડ્યા હતા. ઘાસમાં છૂપાયેલાઓમાંથી ત્રણ ભાગીને અંધારામાં અલોપ થઇ ગયા હતા. જ્યારે અન્ય એક ગૌશાળાને અડીને આવેલ માનસરોવરની પાણીની પાઇપ દ્વારા ધાબા ઉપર ચડી ગયો હતો. આગળના ભાગેથી કૂદીને ભાગવામાં સફળ થઇ ગયો હતો.
પરંતુ તસ્કરો ભાગવામાં સફળ થઇ ગયા હતા. બીજી તરફ પોલીસ મથકમાં કર્મચારીઓની ઘટ હોવાની સાથે દિનપ્રતિદિન નગરનો વિસ્તાર ચારે બાજુ વિસ્તરી રહ્યો છે. પરિણામે તસ્કરીનાં બનાવ વધી રહ્યા છે. માત્ર છેલ્લા ૧૦ દિવસમાં લાખો રૂપિયાની ચોરી અને લૂંટના બનાવો બનતા હાલોલના રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો છે.
કોન્સ્ટેબલોમાં ૩૦ની ઘટ વર્તાતા હાલ પ૦ કર્મીઓ સ્ટાફમાં ફરજ બજાવે છે. જે પૈકી ૨૦ જેટલા પોલીસમેન ઓફિસ વર્કમાં હોવાથી હાલોલની સુરક્ષા માટે માત્ર ૩૦ માણસો રહ્યા છે. હાલોલ નગર ૨૧.૮૪ કીમીમાં ફેલાયેલું છે. જેમાં જીઆઇડીસીનો ઘેરાવો અલગ છે. વિશાળ ક્ષેત્રફળ અને અંતરિયાળ ફળીયાઓ, શેરીઓ, સોસાયટીઓ અને ઔધ્યોગિક વિસ્તારને જોતા નગરની ૬૪ હજાર વસ્તી સામે પ૪ કર્મચારીઓ તેઓની સુરક્ષા કરી રહ્યા છે. જોકે મહેકમની સામે ૩૦ માણસોનો સ્ટાફ અપુરતો હોવાથી પંથકમાં તસ્કરીએ માઝા મુકી છે.