વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં કરેલા એક રસપ્રદ વિશ્લેષણમાં ગુજરાત અને અમદાવાદ શહેરને ગૌરવરૂપ સ્થાન મળ્યું છે. જેના અહેવાલ મુજબ ગુજરાતને મોસ્ટ માર્કેટ ઓરિએન્ટેડ એન્ડ બિઝનેસ ફ્રેન્ડલી (ઉત્તમ બજારલક્ષી અને વ્યાપાર માટે મૈત્રિપૂર્ણ રાજ્ય) સ્ટેટ તરીકેનું ગૌરવ અપાયું છે, એટલું જ નહીં અમદાવાદને વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલાં શહેરોમાં સ્થાન મળ્યું છે.
સૌથી મહત્વની બાબત તો એ છે કે ભારતનાં તમામ શહેરોમાં એકમાત્ર અમદાવાદ એવું શહેર છે કે જેની માથાદીઠ આવક દેશનાં અન્ય શહેરો કરતાં બમણી છે. દેશના ગ્લોબલ ઈમજિઁગ પાવર હાઉસ એટલે કે આગામી દાયકામાં વિકાસના ઉભરતા વૈશ્વિક ઊર્જા કેન્દ્રો તરીકે ભારતનાં ત્રણ શહેરોને સ્થાન મળ્યું છે. જેમાં બેંગલોર અને ચેન્નાઈ ઉપરાંત અમદાવાદને સ્થાન અપાયું છે.
ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર સાણંદમાં ટાટા કંપનીના નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળથી ગુજરાત લાવીને તેની ઔદ્યોગિક નીતિઓની સિદ્ધિઓને બિરદાવી છે. ભારતીય શિક્ષણવિદ્દ સેધા મેનનને ટાંકીને કહેવાયું છે કે, અન્ય રાજ્યોના પ્રતિસ્પર્ધી શહેરોની તુલનાએ ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓ સિંગાપોર અને મલેશિયાની કક્ષાએ ઝડપથી આકાર પામી રહી છે.
ભારતમાં અમદાવાદ એક એવું શહેર છે કે જ્યાં ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સ્ટાઈલ અને કેમિકલ્સ કંપનીઓની સાથોસાથ અન્ય વિકસતાં જતાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં પણ સંખ્યાબંધ વિદેશી કંપનીઓએ શહેર અને તેની આસપાસ ઉદ્યોગો સ્થાપવાની પહેલ કરી છે.
અહેવાલમાં એ બાબતની ખાસ નોંધ લેવાઇ છે કે, છેલ્લા એક દસકામાં અમદાવાદમાં આધુનિક કક્ષાનાં શહેરમાં હોય તેવી સવલતરૂપે જનમાર્ગ, બીઆરટીએસ શરૂ કરી છે. જેને યુએસએનો ઈન્ટરનેશનલ સસ્ટેઈનેબલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમદાવાદમાં ફ્લાય ઓવર્સ બ્રિજ દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા જનસુખાકારીનો માર્ગ કંડારાયો છે.
અમદાવાદમાંથી દેશના અન્ય શહેરો પ્રેરણા લે
ધી મેકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટ (એમજીઆઈ) ના અંદાજ મુજબ હવે નજીકના જ ભવિષ્યમાં ભારતનાં શહેરો દેશની કુલ વસતિના ૪૦ ટકા વસતિ ધરાવતાં શહેરો થઈ જશે. તેમાં ૭૦ ટકા જેટલી નવી રોજગારી-વ્યાવસાયિક તકો પણ ઉપલબ્ધ થવાની છે. આવા સંજોગોમાં ચીન,યુરોપ અને અમેરિકા જેવાં વૈશ્વિક રાષ્ટ્રોનાં શહેરોમાંથી રોકાણો-ઉદ્યોગોનો પ્રવાહ અમદાવાદ તરફ આવી રહ્યો છે. જેની દેશના અન્ય રાજ્યોનાં શહેરોએ પણ પ્રેરણા લેવા જેવી છે.
આગામી દાયકો ભારત અને ચીનના શહેરોનો રહેશે
વિશ્વપ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા તૈયાર કરાયેલી આગામી દાયકાના વિશ્વના સૌથી ઝડપી વૃદ્ધિ કરનારા ૧૯ શહેરોની યાદીમાં અમદાવાદસાથે બેંગલોર અને ચેન્નાઈને સ્થાન મળ્યું છે.યાદીમાં ભારત અને ચીનનાં શહેરોનું વર્ચસ્વ રહ્યું છે. ઈન્ફોસીસ અને વિપ્રો બેંગ્લોરની ઓળખ છે.
આ બન્ને કંપનીઓ વિશ્વમાં ૬૦,૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. ચેન્નાઈ વિશે ફોર્બ્સે કહ્યું છે કે આ શહેરે આ વર્ષે એક લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. મેગેઝિને કહ્યું છે કે આગામી દાયકાના અર્બન પાવરહાઉસ ન્યૂયોર્ક કે મુંબઈ જેવાં શહેરો નહીં હોય, પરંતુ ચીનના ચોંગકિંગ, ચિલીનું સેન્ટિયાગો, ટેક્સાસનું ઓસ્ટિન વગેરે હશે. આમ, મેગેઝિને તેનું ફોકસ હવે ન્યૂયોર્ક, લંડન, પેરિસ, હોંગકોંગ અને ટોક્યો જેવાં શહેરોમાંથી અન્ય શહેરો તરફ કર્યું છે.
મેગેઝિને ચીન વિશે લખ્યું છે કે ‘ચીનની મોટા શહેરોથી દૂરનાં શહેરોને વિકસાવવાની નીતિને કારણે તેની ટ્રાન્સપોટેંશન વ્યવસ્થામાં સુધારો થયો છે અને દૂરના પ્રમાણમાં નાના શહેરોનો પણ વિકાસ શક્ય બન્યો છે.’ તેમાં કહેવાયું છે કે ભારત અને ચીન ગુડ્ઝ અને સર્વિસીઝ તથા ઈન્વેસ્ટમેન્ટ કેપિટલ માર્કેટ ઊભા કરીને ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયામાં અન્ય દેશો માટે પણ નવી તક સર્જી રહ્યા છે.