- બે દેશી તમંચા, સાત કારતૂસ, છ મોબાઇલ ફોન તથા તવેરા ગાડી જપ્ત કરી હતી
ગોધરાના પરવડી બાયપાસ પાસેથી બે દેશી તમંચા સાથે ઝડપાયેલા ધાડલૂંટ ગેંગના મુખ્ય લીડર સહિત પાંચ લૂંટારુને હાલોલ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે ૨૧ ફેબ્રુઆરી સુધી દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અત્રે નોંધનિય છેકે, તેઓની પૂછતાછમાં હાલોલ, કડાણા તથા વિરપુર ગામે થયેલી લૂંટના બનાવમાં તેઓની સંડોવણી હોવાની કબૂલાત કરી છે.
પંચમહાલ જિલ્લામાં લૂંટારુ ગેંગ દ્વારા આતંક મચાવવાની સાથે સાથે પરિવારજનોને માર મારવામાં આવી રહ્યો હોવાના બનાવને ડામવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી હતી. જેમાં સફળતા મળતાં ગત શુક્રવારના રોજ એલસીબી સહિત સ્ટાફના માણસો ગોધરાના પરવડી બાયપાસ પાસે આવતી તવેરા ગાડીને રોકી શંકાસ્પદ પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેઓની પૂછપરછ હાથ ધરતાં તેઓએ હાલોલ પાસેના પેટ્રોલ પંપ, કડાણા ગામ તથા ખેડા તાલુકાના વિરપુર ગામે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં ગેંગનો મુખ્ય લીડર સેવા સરતાન ડામોર (રહે.કુંડલા, ફતેપુરા), દિનેશ કલસીંગ સંગાડા તથા સુભાષ કલસીંગ સંગાડા (રહે. થેરકા, ઝાલોદ), ચતુર ઉર્ફે કાગળો રસુલ ડામોર (રહે.વગેલા) તથા ઇમરાન ઇશાક શેખ (રહે.સુખસર)નો સમાવેશ થાય છે.
તેઓની પાસેથી બે દેશી તમંચા, સાત જીવતા કારતૂસ, છ મોબાઇલ ફોન તથા પાંચ લાખની કિંમતની તવેરા ગાડી કબજે કરી હતી. બીજી તરફ હાલોલ પાસે પેટ્રોલ પંપ ઉપર થયેલી લૂંટમાં તેઓની ધરપકડ કરી વધુ પૂછતાછમાં અન્ય લૂંટનો ભેદ ઉકેલવાની શક્યતા વચ્ચે હાલોલ કોર્ટમાં રજુ કરાયા હતા. જ્યાં કોર્ટે ૨૧ ફેબ્રુઆરી સુધી દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તેઓના રિમાન્ડ દરમિયાન અન્ય હકીકત બહાર આવશે.