ગાંધીનગર શહેરમાં તમામ સરકારી આવાસોને ગેસ પાઇપલાઇન નેટવર્ક તળે આવરી લેવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા પછી ત્રણ તબક્કાની આ યોજનાને પાટનગર યોજના વિભાગે આખરી ઓપ આપી દીધો છે. ક્યાંથી કઈ પ્રકારે કામગીરીની શરૂઆત થશે તે સહિતના રિપોર્ટ સાથેની દરખાસ્તને સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યારે બાકી રહેલી ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચોમાસુ ઉતર્યાની સાથે શરૂ કરવામાં આવશે. આ સંદર્ભે વહીવટી મંજૂરી પણ લઈ લેવામાં આવી છે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી આવાસોમાં રહેતા અધિકારી-કર્મચારીઓ માટે સરળતા થાય તે હેતુથી ગત બજેટમાં આ મહત્વાકાંક્ષી યોજના માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પ્રથમ વર્ષે તેમાંથી રૂ.૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના સોળ હજાર સરકારી આવાસોમાં પાઇપ ગેસ કનેક્શન આપવાની મહત્વાકાંક્ષી યોજના અંગે છેલ્લાં અઢી વર્ષથી ગતિવિધિ ચાલે છે. ગાંધીનગરમાં સરકારી મકાનોની માલિકી ધરાવતા પાટનગર યોજના વિભાગ-૧ દ્વારા સરકારી આવાસોમાં પાઇપલાઇન ગેસ કનેકશન નાખવાની માર્ગ-મકાન વિભાગ પાસેથી વહીવટી મંજૂરી મેળવી લેવાઈ છે. હવે પછી ક્યા સેક્ટરનાં કેટલાં મકાનોમાં પાઇપ લાઇન નાખવી તે નક્કી કરીને ટેક્નિકલ મંજૂરી મેળવાશે.
હાલમાં શહેરમાં ૮ હજાર જેટલા સરકારી આવાસો ખાલી પડ્યા છે. તેથી બીજા અને ત્રીજા તબક્કામાં જરૂર પ્રમાણે બાકીના સરકારી આવાસોને આવરી લેવામાં આવશે. સરકાર મંજુરી આપે તે પછી નિયત કરાયેલી રકમ જીએસપીસી ગેસ કંપનીને હવાલે મૂકવામાં આવશે અને ચોમાસુ પૂર્ણ થઈ ગયા પછી ગેસ પાઇપ લાઇન નેટવર્કને આગળ વધારવાનું કામ શરૂ કરાશે. તેના માટે જીએસપીસી પણ તૈયાર છે.
નોંધવું રહેશે કે આ મામલામાં ટેન્ડરો બહાર પાડવાં, ખોલવા અને મંજૂર કરવાની કાર્યવાહી તો કરવાની થતી જ નથી અને વહીવટી મંજૂરી મળી ગઈ છે. માત્ર ટેક્નિકલ મંજૂરી મળે તેની જ રાહ જોવાની રહે છે, એટલે કે ચોમાસુ ઉતરતાની સાથે આ કામ શરૂ થઈ જશે.