બાલાસિનોરમાં પાંચ હજાર લાભાર્થીઓને ૯.૫૦ કરોડની વિવિધ સહાય સાથે મંત્રીના વિરોધીઓને ચાબખાં
બાલાસિનોર તાલુકાના ગરીબ કલ્યાણ મેળામાં પાંચ હજારથી વધુ લાભાર્થીઓને ૯૫૦ લાખની વિવિધ સહાય રાજ્યના મંત્રીઓના હસ્તે અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે શ્રમ રોજગાર રાજ્ય મંત્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ભુતકાળના શાસકોના બેજવાબદારીભર્યા વહીવટથી સમસ્યાના જંગલો ઊભાં થયા છે. રસ્તા, પીવાના પાણી અને ગ્રામ્ય વિસ્તાર વિકાસથી વંચિત હતો. કોંગ્રેસના શાસનમાં ગરીબી હટાવો નારાંમાં ગરીબો હારી ગયા, જ્યારે ગુજરાતમાંથી ગરીબો હટાવવા માટે યુદ્ધના નિર્ધારસાથે ગરીબ કલ્યાણ મેળાનો ઉદ્ભવ થયો છે.’
પ્રભારી મંત્રી રમણભાઇ વોરાએ પ્રારંભથી જ કોંગ્રેસને ચાબખા મારતા જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં ફૂટેલી કારતુસો ગરીબ મેળાનો વિરોધ કરે છે. વિકાસના યજ્ઞમાં હાડકાં નાખે છે. ચૂંટણી પૂર્વે રંગીન ટીવી આપવાના સ્વપ્ના બતાવ્યાં, પણ બ્લેક એન્ડ વાઇટ ટીવી તો મોકલો.’
કલ્યાણ મેળામાં ૫૦ બસ સેવામાં
બાલાસિનોર તાલુકાના ગરીબ કલ્યાણ મેળામાં તાલુકાના ૪૬ ગામોમાંથી ૫૦૦૦ લાભાર્થીઓને લાવવા પરત મોકલવા ૫૦ એસટી બસની સેવાઓ લેવામાં આવી હતી. બાલાસિનોર ઉપરાંત નડીઆદ-ખેડા-કપડવંજ-ડાકોર-મહુધા-ડાકોર ડેપોની બસો ગરીબોના કલ્યાણ માટે પણ તૈયાર રખાઇ હતી.