- પરિવારને બાનમાં લઇ દાગીના, રોકડા મળી અડધા લાખથી વધુનો મુદ્દામાલ લઇ ગયા
- માથામાં તલવાર મારતાં એક વ્યક્તિ ઘાયલ : પોલીસે ધાડપાડુઓની શોધ શરૂ કરી
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં રાત્રે ત્રાટકેલાં ધાડપાડુઓએ એક સાથે ચાર ઘરને નિશાન બનાવતાં ચકચાર મચી હતી. તે પૈકીના માત્ર એક ઘરમાં પરિવારને બાનમાં લઇને ધાડપાડુઓ દાગીના અને રોકડા રૂપિયા મળીને અડધો લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતાં. જ્યારે અન્ય ત્રણ ઘરોમાંથી કેટલા રૂપિયાનો મુદ્દામાલ ગયો છે તે વિગત સામે આવી નથી.આ ઘટનામાં પ્રતિકારનો પ્રયાસ કરનારા એક યુવકના માથામાં તલવાર મારતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે ગુનો દાખલ કરીને ધાડપાડુઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગરાડુ ગામના ખુમસિંગભાઇ ગજાભાઇ મુનિયા તેમજ પરિવારના સભ્યો નવા ઘરમાં નિંદ્રાધિન હતાં. ત્યારે રાતના સાડા નવ વાગ્યાના અરસામાં લાકડી, તલવાર અને તીર-કામઠાં લઇને આવેલા સાતથી આઠ પેન્ટ-શર્ટ પહેરેલા ધાડપાડુઓએ ધાક-ધમકી આપીને ખુમસિંગભાઇ સહિતના પરિવારને બાનમાં લીધો હતો. પ્રતિકારનો પ્રયાસ કરતાં એક ધાડપાડુએ માથામાં તલવાર મારીને ખુમસિંગભાઇને ગંભીર ઇજા કરી હતી. ખુમસિંગભાઇ અને પરિવારના લોકોએ શરીરે પહેરેલા સોના-ચાંદીના દાગીના ઉતરાવ્યા હતાં.
આ સાથે ઘરનો સામાન વેરવિખેર કરીને ડબ્બામાં મૂકી રાખેલા રોકડા રૂપિયા ૩૧,૫૦૦ મળીને કુલ ૫૦,૫૦૦ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી હતી. ધાડપાડુ ટોળકીએ ખુમસિંગભાઇના પાડોશના ત્રણ ઘરોમાં પણ લૂંટફાટ કરી હતી. આ ત્રણ ઘરોમાંથી કેટલા રૂપિયાનો મુદ્દામાલ ગયો છે તે જાણવા મળ્યું નથી. લૂંટારુઓ ફરાર થઇ ગયા બાદ બૂમાબૂમ થતાં એકઠા થયેલા ગામના લોકોની શોધખોળ છતાં એક પણ લૂંટારુનો પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાથી ગામના લોકોમાં રોષ સાથે ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. દવાખાને દાખલ ખુમસિંગભાઇની ફરિયાદના આધારે ઝાલોદ પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
છ દિવસમાં બીજી ધાડથી લોકોમાં ફફડાટ
ગરાડુ ગામમાં બીજી તારીખે પણ વિનોદભાઇ વાદીને ત્યાં પણ ધાડ પડી હતી. જેમાં વિનોદભાઇને કમરમાં તીર મારીને ધાડપાડુઓ ૧૯,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ આંચકી ગયા હતાં. છ દિવસના ગાળામાં ગામમાં બીજી ધાડ પડતાં પ્રજામાં ભયની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.