-કડાણાના કેળામુખ ગામમાં બનેલી ઘટના -યુવાનને ચાર જેટલા શખ્સોએ મદદગારી કરી -યુવતીનું મેડિકલ ચેકઅપ કરી તપાસ લંબાવી
કડાણા તાલુકાના કેળામુખ ગામની ૧૯ વર્ષીય યુવતીને ઇન્ડિકા કારમાં અપહરણ કરી યુવાન દ્વારા કોઇ ઘેનવાળો પદાર્થ સુંઘાડી ગાડીમાં બળાત્કાર ગુજારવામાં આવતાં ચકચાર મચી ગઇ હતી. આ પ્રકરણમાં યુવાનને ચાર જેટલાએ મદદગારી કરી હતી. બનાવ સંદર્ભે કડાણા પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવાન તથા મદદ કરનાર ચાર વિરુદ્ઘ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવતીનું મેડિકલ ચેકઅપ કરી તપાસ લંબાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેળામુખ ગામની ૧૯ વર્ષીય યુવતી પોતાના ખેતરમાં આવેલા તબેલામાં ઢોરોને ઘાસ નાંખવાનું હોવાથી જતી હતી. દરમિયાન કડાણા તાલુકાના તરતાજીના મુવાડા ગામે રહેતા સુરેશ જેન્તી પટેલ તથા તેના બે મિત્રો ઇન્ડિકા કાર લઇને આવ્યા હતા. તેઓએ યુવતીને કોઇ ઘેનવાળો પદાર્થ સુંઘાડી તેને ગાડીમાં બેસાડી દીધી હતી. જેના કારણે તે બેભાન થઇ ગઇ હતી. બાદ તેને અવાવરૂ જગ્યા ઉપર ગાડીમાં બેસાડી લઇ ગયો હતો. જ્યાં નિર્જન વિસ્તારમાં ગાડીની અંદર જ તેની ઉપર બળાત્કાર ગુજારી તેને ધાક ધમકી આપી ભગાડી મૂકી હતી. આ ઘટનાથી અવાક બનેલી યુવતીએ પોતાના પરિવારજનોને બનાવથી વાકેફ કર્યા હતા. બનાવ સંદર્ભે યુવતીની ફરિયાદના આધારે કડાણા પોલીસ મથકે સુરેશ જેન્તી પટેલ (રહે.તરતાજીના પાલ્લા), શૈલેષ પટેલ, હસમુખ વણઝારા તથા બીજા બે વિરુદ્ઘ ગુનો નોંધ્યો હતો. બનાવ બાદ યુવતીનું મેડિકલ ચેકઅપ કરી તપાસ લંબાવવામાં આવી હોવાનુ જણાવતાં પીએસઆઇ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. હાલ યુવાન તથા મદદ કરનાર ચાર વિરુદ્ઘ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.