‘તનુ વેડ્સ મનુ’માં હિટ ગીતો આપનારા મ્યૂઝિક ડિરેક્ટરનું સિટી કનેકશન
‘વૈસે તો તેરી ના મેં ભી મૈંને ઢૂંઢ લી અપની ખૂશી..તુ જો ગર હાં કહે તો બાત હોગી ઔર હી..’ તોફાની કંગના રાણાવત અને સીધાસાદા માધવનની મસ્તીભરી ફિલ્મ તનુ વેડ્ઝ મનુના આ રોમેન્ટિક ગીત સાથે અમદાવાદનું કનેક્શન હોઇ શકે? ચોક્કસ વળી..કારણકે આ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર ક્રિષ્ના શહેરની નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઈનના ફિલ્મ અને વીડિયો વિભાગના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ વર્ષના ફિલ્મફેરનો આર.ડી.બર્મન એવોર્ડ ફોર ન્યૂ ટેલન્ટ ઇન ફિલ્ડ ઓફ મ્યુઝિક ‘તનુ વેડ્ઝ મનુ’ના મ્યુઝિક ડિરેક્ટર ક્રિષ્નાને મળ્યો છે.
સિટી ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં ક્રિષ્નાએ જણાવ્યું કે,‘હું સાવ ૧૪ વર્ષનો હતો ત્યારે કોઇ એક વરસાદી સાંજે મારે કંઇ કામ નહોતું અને હું હાર્મોનિયમ પર આંગળીઓ ફેરવતો હતો. અચાનક જ કેટલાક જાણીતા ગીતોના સ્વર મેં વગાડ્યા. હું તો ક્યાંય શીખ્યો નહોતો પણ સારા એવા ગીતો હું વગાડી શક્યો. મને ત્યારે જ સમજાઇ ગયું કે સંગીતમાં જ આગળ વધવું છે.
મારા ઘરમાં શિક્ષણને પ્રાથમિકતા અપાતી, પણ હું ગીતો સાંભળતો અને એની રચના કેવી રીતે થઇ એ શોધવા પ્રયાસ કરતો.’ ક્રિષ્ના પોતાના ગીતો જાતે લખતો કમ્પોઝ કરતો અને શાળાના કાર્યક્રમમાં રજુ પણ કરતો. એ જમાનામાં તેણે મિત્રો સાથે મળીને બેન્ડ પણ બનાવ્યું. એનઆઇડીમાં અભ્યાસની વાત કરતાં ક્રિષ્નાએ કહ્યું કે,‘બારમા પછી મેં જાતભાતની એન્ટ્રન્સ એકઝામ આપી. એનઆઇડીનું રિઝલ્ટ પહેલા આવ્યું. કોલકાતા કરતાં અમદાવાદથી મુંબઇ નજીક પડે એવા કોઇ તર્કને ધ્યાનમાં રાખી મેં એનઆઇડીમાં પ્રવેશ લીધો. મારે તો બે મહિના ભણીને મુંબઇ જતા રહેવું હતું પણ પછી ડિઝાઈનમાં રસ પડ્યો અને ડિગ્રી પણ લેવી હતી.
ભણીને અમદાવાદમાં થોડો સમય કામ કર્યું. મુંબઇ આવ્યો અને એડ્ કોમર્શિયલ્સમાં સંગીત અને વીડિયો બંનેની રચના કરવા માંડ્યો.’ બે ત્રણ વર્ષ આ કર્યા પછી તેણે માત્ર જિંગલ્સ પર ધ્યાન આપ્યું. આખરે શાસ્ત્રીય સંગીત શીખવાની જરૂર લાગી અને બે વર્ષ આકરી તાલીમ લીધી. તે કહે છે,‘મારે એક ચોક્કસ સ્તરે પહોંચવું જરૂરી હતું.
બે વર્ષ ઘરમાં પૂરાઇ ઘણું શીખતો રહ્યો, વગાડતો રહ્યો. પછી એક મિત્રને મળવાનું થયું જે તનુ વેડ્ઝ મનુના યુનિટમાં હતો. મેં તેને મ્યુઝિક ડિરેક્શનમાં કામ અંગે પૂછ્યું. ગીતકારને વિનંતી કરી તો એણે ભારે મથામણ પછી ‘મન્નુભૈયા કા કરેંગે’ ગીતના શબ્દો આપ્યા. આખી રાત જાગીને મેં સીડી તૈયાર કરી. ડિરેક્ટર સુધી પહોંચ્યો અને પછી એમનો વિશ્વાસ અને મારી મહેનત બધા ગીતોમાં ઝળકી.’
આર ડી બર્મનના લેબલવાળો એવોર્ડ ક્રિષ્નાને વધુ જવાબદાર બનાવે છે. તે કહે છે, ‘આર ડીની મેલોડઝિને મારે જીવંત કરવી છે. મારા નવા પ્રોજેક્ટ્સમાં જોલી એલએલબી, ઇશ્ક અને અન્ય બે ફિલ્મો છે જેમાં હું આ સંગીતને વધુ ઉપરના સ્તરે લઇ જવા માંગુ છું.’