-દિલ્હીથી અમદાવાદ આવતી તમામ ઇન્ટરનેશનલ સેવાઓ ડિસેમ્બરમાં ખોરવાઇ જવાની આશંકા
-એનઆરઆઇને ગુજરાત સુધી પહોંચવા દિલ્હીના ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે
દિલ્હીના અતિ આધુનિક ટી-૩ ટર્મિનલને એરઇન્ડિયા દ્વારા હબ જાહેર કરાયા બાદ ગુજરાતી મુસાફરોને શરૂ થયેલી હાલાકી નવેમ્બરના અંતથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. કેમ કે નવેમ્બરના અંત સાથે જ દિલ્હીના આકાશમાં ગાઢ ધુમ્મસથી સફેદ ચાદર છવાઇ જાય છે અને દિલ્હીને દેશ-વિદેશથી જોડતી હવાઇસેવાઓ આ સમયગાળામાં થંભી જતી હોય છે અથવા તો ભારે અસરગ્રસ્ત થતી હોય છે.
અત્યારે સ્વચ્છ હવામાન છતાંય એરઇન્ડિયા ફ્લાઇટ અને મુસાફરોને સમયસર પહોંચાડવામાં અસક્ષમ સાબિત થઇ રહી છે, ત્યારે ગાઢ ધુમ્મસ વચ્ચે તે વાયા દિલ્હી થઇને લાખો મુસાફરોને ગુજરાત સુધી કેવી રીતે પહોંચાડશે?
સૂત્રોથી મળતી માહિતી મુજબ દિલ્હીની હવાઇ સેવાઓ માટે શિયાળાના બેથી ત્રણ મહિના સૌથી પડકારજનક હોય છે. જ્યારે તેની તુલનામાં અમદાવાદમાં હવામાન ખૂબ સારું હોય છે અને ભાગ્યે જ ધુમ્મસની ઘેરી અસર હવાઇસેવાઓ પર વર્તાય છે. તેમ છતાંય એરઇન્ડિયા દ્વારા અમદાવાદથી શિકાગોની ફ્લાઇટ વાયા દિલ્હી કરી દેવાઇ છે. તેથી ગુજરાતના મુસાફરોને પહેલી જ વાર ધુમ્મસનો સામનો કરવો પડશે. ફ્લાઇટો કલાકો સુધી મોડી પડશે અને રદ પણ થશે. તેથી અગત્યનાં કામ માટે ગુજરાત આવનારા મુસાફરોને સમય સાચવવું ઘણું મુશ્કેલ બની રહેશે.
મુંબઇ-દિલ્હીની સીધી હવાઇસેવાઓ કેમ બંધ થતી નથી?
ગુજરાતને વિશ્વના પ્રમુખ દેશોથી જોડતી સીધી હવાઇસેવાઓ બંધ કરવામાં આવી રહી છે. પરંતુ તેની સામે મુંબઇ-દિલ્હીને વધારાની હવાઇસેવાઓ મળી રહી છે. એર ઇન્ડિયા ગુજરાતને અન્યાય કરી ફ્લાઇટ બંધની જાહેરાતો કરે છે, પરંતુ તે મુંબઇ કે દિલ્હી જેવાં શહેરોની સીધી હવાઇસેવાઓ કેમ બંધ કરી શકતી નથી? તેવા પ્રશ્નો હવાઈ મુસાફરોમાં ઊઠી રહ્યાં છે. ગુજરાત સાથેની સીધી ફ્લાઈટો રદ કરવાના લીધે મુસાફરોના સમય અને નાણાં વેડફાય છે.