-ગોધરાના પરવડી બાયપાસ પાસે પોલીસનું ઓપરેશન
-હાલોલ, કડાણા તથા વીરપુરની લૂંટના ભેદ ઉકેલાયા
-પંચમહાલ-દાહોદ જિલ્લામાં બંદૂકના ધડાકે લૂંટ કરતા પાંચ લૂંટારુઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ગોધરાના પરવડી બાયપાસ પાસેથી ઝડપાયેલા લૂટારુઓ દાહોદ તરફના હોવાનુ બહાર આવ્યુ છે જેથી કહી શકાય કે, જિલ્લામાં થતી લૂંટના બનાવોમાં દાહોદની ગેંગ સક્રિય છે. આ ઉપરાંત ઝડપાયેલા લૂંટારુ પૈકી દિનેશ કલસીંગ સંગાડા તથા સુભાષ કલસીંગ સંગાડા (રહે. થેરકા) સગા ભાઇઓ થાય છે. આમ એક જ કુટુંબના બે સભ્યો લૂંટમાં ઝડપાયા છે.
પંચમહાલ જિલ્લામાં વધતી લૂંટ,ધાડના ગુનાઓને અટકાવવા માટે એલસીબી સહિત ટીમ દ્વારા ગોધરાના પરવડી બાયપાસ પાસેથી ધાડ લૂંટ ગેંગના મુખ્ય લીડર સહિત પાંચ લૂંટારૂને બે દેશી તમંચા ઝડપી પાડયા હતા. પ્રાથમિક પુછતાછમાં હાલોલ, કડાણા તથા વિરપુર ગામે થયેલી લૂંટના બનાવમાં તેઓની સંડોવણી હોવાની કબુલાત કરતા તે દિશામાં તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પોલીસે બે દેશી તમંચા, સાત કારતુસ, છ મોબાઇલ ફોન તથા તવેરા ગાડી કબ્જે કરી છે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લૂંટારૂગેંગ દ્વારા આતંક મચાવવાની સાથે સાથે પરિવારજનોને માર મારવામાં આવી રહ્યો છે. ઉપરાછાપરી બનતી લૂંટના બનાવને અંજામ આપનાર મોટાભાગની ગેંગ દાહોદ તથા પરપ્રાંતીય હોવાનુ બહાર આવતા પોલીસ દ્વારા તે તરફ તપાસ લંબાવી હતી. આ દરમિયાન ઝાલોદ તરફથી સિલ્વર કલરની અમદાવાદ પાસીંગની એક તવેરા કારમાં લૂંટારુ ગેંગના સભ્યો ગોધરા તરફ આવી રહ્યા છે. જેથી ગત તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ એલસીબી પીએસઆઇ વી.બી.બારડ, એસઓજી પીએસઆઇ બી.વી.જાદવ, એ.વી. પરમાર, સુરેશભાઇ, અભે સિંહ, ઉસ્માનગની સહિત સ્ટાફના માણસો ગોધરાના પરવડી બાય પાસ પાસે ચેકિંગ તથા નાકાબંધી કરતા હતા. તે વખતે શંકાસ્પદ આવતી તવેરા ગાડીને રોકી તેના કોઇ આધાર પુરાવા ન હતા. જેથી ગાડી સવાર પાંચ વ્યકિતઓ શંકાસ્પદ પસાર થતા તેઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેઓએ હાલોલ પાસેના પેટ્રોલ પંપ, કડાણા ગામ તથા ખેડા તાલુકાના વિરપુર ગામે લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. તેઓની પાસેથી બે દેશી તમંચા, સાત જીવતા કારતુસ, છ મોબાઇલ ફોન તથા પાંચ લાખની કિંમતની તવેરા ગાડી કબ્જે કરી હતી. વધુ પુછતાછમાં અન્ય લૂંટનો ભેદ ઉકેલવાની શક્યતાએ જોર પકડયું છે. તેઓની ગેંગના લીડર સહિત મોટા ભાગના સભ્યો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને અન્ય ઇસમો હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલા પાંચે લૂંટારૂઓની વધુ પુછતાછમાં અન્ય લૂંટના બનાવ તથા તેઓની ગેંગના સભ્યોની ધરપકડ કરવાની બાકી હોવાથી તેઓને ર્કોટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે.
સેવા ડામોર અગાઉ ધાડ લૂંટમાં ઝડપાયો હતો
ઝડપાયેલા લૂંટારુ ગેંગ પૈકી સેવા સરતાન ડામોર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ સેવા ડામોર અગાઉ ઘાડ લૂંટના બનાવમાં સંડોવાયેલા હોવાથી અટકાયત કરાઇ હતી. તેમજ ચતુર ઉર્ફે કાગળો મોરવાના ગુનામાં વોન્ટેડ જ્યારે ઇમરાન ગાડી ચોરીમાં પકડાયો હોવાનુ એલસીબી પીએસઆઇ વી.બી.બારડે જણાવ્યુ છે.