શાસ્ત્રીય સંગીતના તોલે કોઈ ન આવે તેનું સ્થાન સર્વોચ્ચ જ છે: શંકર, અહેસાન, લોય
ફ્યુઝન મ્યૂઝિક પહેલાં પણ હતું અને આજે પણ છે, પરંતુ તેમાં ફર્ક એટલો જ દેખાય છે કે તે ક્રેઝ સાથે તે થોડું પોપ્યુલર થયું છે. ખાસ કરીને મ્યૂઝિક કરતા તેનો ‘ ફ્યુઝન’ શબ્દ વધુ પોપ્યુલર બન્યો છે. આ વાત કહી બોલિવૂડના હિટ સંગીતકાર શંકર, અહેસાન અને લોયે. તેઓ અમદાવાદ ખાતે કેઓસ-૨૦૧૨માં પોતાનું પરફોર્મન્સ રજૂ કરવા આવ્યા હતા.
નોન ફિલ્મી મ્યૂઝિક વધુ સંભળાય છે
શંકર, અહેસાન, લોયે જણાવ્યું હતું કે, નોન ફિલ્મી મ્યૂઝિકનો ક્રેઝ આજે પણ વધી રહ્યો છે, કારણ કે આજના ફાસ્ટ યુગમાં મોબાઇલ અને ઇન્ટરનેટ વગેરે ને લીધે આલબમ અને નોન ફિલ્મી મ્યૂઝિક વધુ સંભળાય છે. જ્યારે લાઇવ કોન્સર્ટ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મુંબઇમાં કોન્સર્ટ કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. કારણ કે, કોઇની પાસે ટાઇમ જ નથી, પરંતુ અમદાવાદ અને બેંગલોર જેવા સિટીમાં કોન્સર્ટ કરીએ છીએ ત્યારે મજા પડે છે.હું માનું છું કે શાસ્ત્રીય સંગીત એ કોઇ પણ સંગીત પ્રકારનો પાયો છે અને તમામ પ્રકારના સંગીત વચ્ચે શાસ્ત્રીય સંગીતનું સ્થાન સર્વોચ્ચ છે.
ફિલ્મોમાં પોએટ્રી અને પ્રોબ્સ
ફિલ્મી ગીતો વિશે વાત કરતા શંકર મહાદેવને જણાવ્યું હતું કે આજે પણ સારા ગીતો ધરાવતી ફિલ્મો બને છે અને તેમાં પોએટ્રી અને પ્રોબ્સ વપરાય છે. આલબમ વિશેની વાત કરતા તેમણે કહ્યું હતું કે, છેલ્લે ‘બ્રેથલેસ’ આલબમ આપ્યું હતું, આ પછી હું આલબમ આપી શક્યો નથી પણ હવે ‘ભાગ મિલ્કા ભાગ’ અને ‘રોક ઓન ટુ’ નવા આલબમ આવશે.
અનોખા વાજિંત્રોએ મંત્રમુગ્ધ કર્યા
કાર્યક્રમમાં રિધમિક પલ્સ ગ્રૂપે બનાવેલા અનોખાં વાજિંત્રો વગાડીને યંગસ્ટરોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોન્સ્ટર નામના વાજિંત્રને પીવીસી પાઇપમાંથી, માટલીમાંથી તબલાં,મણકામાંથી ઘૂઘરા અને લાકડાના બોક્સમાંથી ડ્રમ જેવા વાધ્યોને વગાડીને લોકોને ખૂશ કરી દીધા હતા. આ પ્રસંગે એનજીઓ પ્રયાસના બાળકોએ બોલિવૂડ ગીતો પર ડાન્સ રજુ કર્યા હતા.
શ્રોતાઓને મળ્યો દિલથી જીવવાનો વધુ એક મોકો
‘કેઓસ-૨૦૧૨’માં માય એફ.એમના એક શ્રોતાઓને દિલથી જીવવાનો વધુ એક મોકો મળ્યો અને તેમણે આ તકનો દિલથી આનંદ માણ્યો. ગયા અઠવાડિયે માય એફ.એમના આર.જે. અંકિત દ્વારા ગાયકીની એક કોન્ટેસ્ટ ચાલુ કરાઈ હતી, જેમાં વિજેતા બનનારને આઈઆઈએમના વાર્ષિક કલ્ચરલ ફેસ્ટિવલ-‘કેઓસ-૨૦૧૨’માં સંગીતકાર -ગાયક શંકર મહાદેવન સાથે એક જ સ્ટેજ પર ગાવાનો મોકો પ્રાપ્ત થયો.
આ કોન્ટેસ્ટની વિજેતા શૈલી શાહ બની. માય એફ.એમ એ. શૈલીએ શંકર-અહેસાન-લોય સાથે ‘વેરઝ ધ પાર્ટી ટુ નાઈટ’ના તાલે અમદાવાદીઓને ઝુમાવ્યા હતા. ખુશી વ્યક્ત કરતા શૈલી જણાવે છે કે, ૯૪.૩ માય એફ.એમએ જે એને મોકો આપ્યો એ એના કરિયર માટે ઘણો મહત્વનો છે. એમના જ દ્વારા કમ્પોઝ કરાયેલું ગીત ગાઈને ખૂબ મજા માણી.