અસલી ‘સિંઘમ’ના હાથે ઝડપાયયો નકલી ‘દબંગ’

- વિદ્યાનગર ખાતે પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપી છાત્રો સાથે લાખો રૂપિયાની ઠગલીલા - વડોદરાનો મહાઠગ અને નકલી પોસઈનો રોફ જમાવનાર હેમંત ઝાલા અગાઉ બોગસ માર્કશીટ અને એલસી કૌભાંડમાં લોકઅપ ભેગો થયો હતો
વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગની પરિક્ષામાં પાસ કરાવી આપવાની ખાત્રી આપી નકલી રસીદો બનાવી હજારો રૂપિયા પડાવી લેનાર વડોદરાનો નકલી પોલીસ સબ ઇન્સપેક્ટર અસલી વર્દી, નેઈમ પ્લેટ અને સ્ટાર સાથે રવિવારે વિદ્યાનગરમાંથી ઝડપાઇ જતાં વિદ્યાર્થીઓ સાથે જિલ્લા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
‘લોભિયાં હોય ત્યાં ધુતારા ભુખે ન મરે’ તે કહેવતને યથૉથ કરતાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવાની લ્હાયમાં બાપની કમાણી લોભિયાને પધરાવી દેતાં હોય છે. નાણાં આપવા છતાં કામ ન થતાં આખરે છેતરાયો હોવાનો અહેસાસ થતાં ‘ચોરની મા કોઠીમાં મોં ઘાલી રડે’ તેવી સ્થિતિ સર્જાÛ છે. જોકે, કહેવતોથી વિપરિત એક વિદ્યાર્થીએ મોટાભાગની રકમ આપી દીધાં પછી છેતરાયાનો અહેસાસ થતાં ચૂપચાપ બેસી રહેવાને બદલે ઠગને પોલીસના હાથે ઝડપાવી દીધો હતો.
વિદ્યાનગર નાના બજારમાં ડૉ.બાલચંદાણીના દવાખાના સામે ગિરશિ ભૂવનમાં રહેતા અને મોગરની કોલેજમાં અભ્યાસ કરતાં વિપુલભાઇ કુબેરભાઇ પ્રજાપતિને ચારેક માસ અગાઉ એક અજીબ વાકછટા ધરાવતાં યુવકના પરિચયમાં આવ્યો હતો. આ યુવકે પોતે બરોડામાં પીએસઆઇ હોવાનું અને ઘણી બધી કોલેજમાં પોતાની સારી વગ હોવાની વાતોમાં ભરમાવી વિપુલને પરીક્ષામાં ચોરી સહિતની તમામ સુવિધાઓ પુરી પાડી પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. લાલચમાં ભરાયેલા વિપુલ અને તેના અન્ય મિત્રો પણ આ યુવકની લપેટમાં આવી ગયાં હતાં. થોડા થોડા કરી ૬૭ હજાર રૂપિયા આ વડોદરાના નકલી પીએસઆઇ હેમંત ઝાલાને આપી દીધાં હતાં.
જોકે, છેલ્લા કેટલાક દિવસથી વિપુલને આ યુવક ઉપર શંકા જતાં તેણે અંદરખાને તપાસ કરી, તેમાં તેની શંકા મજબુત બની હતી. દરમિયાન રવિવારે સવારે નકલી પીએસઆઇ વિદ્યાનગરમાં વિપુલ પાસે બાકીના ચાર હજાર રૂપિયા લેવા આવનાર હોઇ વિપુલે અગાઉથી જ વિદ્યાનગર પોલીસને જાણ કરી દીધી હતી. જે આધારે રવિવારે સવારે જ પીએસઆઇએ સ્ટાફના માણસો સાથે ઘસી જઇ પોલીસની વર્દીમાં જ આવેલ નકલી પીએસઆઇ હેમંત ઝાલાને ઝડપી લીધો હતો. આકરી પુછપરછ કરતાં વડોદરાનો હેમંત ઝાલા ભાગી પડ્યો હતો અને તમામ કબુલાત કરી લીધી હતી. પોલીસે વિપુલ પ્રજાપતિની ફરિયાદ આધારે વડોદરાના હેમંત ઝાલા તેમ જ બંટી નામના યુવકની સામે આઇપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાર માસથી વિદ્યાધામ રોફ જમાવ્યો
છેલ્લા ચાર માસથી નકલી પીએસઆઇ હેમંત ઝાલા વિદ્યાનગરમાં આવતો હતો. કોલેજની આજુબાજુમાં ચક્કર કાપી વિદ્યાર્થીઓ ઉપર પીએસઆઇ તરીકેનો રોફ જમાવતો હતો. પોતાના બે સાગરિત બંટી અને હાર્દિક સાથે છેલ્લાં ચાર માસથી તે વિદ્યાનગરમાં આવતો હોઇ અનેક વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લીધાં હોવાની શક્યતા આધારે પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.
નકલી એસલી કૌભાંડમાં પણ ઝડપાયો હતો
વડોદરાનો ત્રીસ વર્ષનો હેમંત ઝાલા થોડા સમય અગાઉ વડોદરામાં જ નકલી લિવિંગ સર્ટીફીકેટ તેમ જ માર્કશીટ પ્રકરણમાં ઝડપાયો હતો. ફતેગંજ, છાણી, સયાજીગંજ સહિતના ચાર પોલીસ મથકોએ તેની નકલી માર્કશીટ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી હતી.
૧૪ જેટલી બોગસ રીસીપ્ટ કબજે લેવાઇ
નકલી પીએસઆઇ ઝાલાએ વિદ્યાનગરમાં રહેતા અસંખ્ય વિદ્યાર્થીઓને લાલચ આપી ઠગી લીધાં છે. પોલીસે હેમંત ઝાલા પાસેથી અલગ અલગ ૧૪ નકલી રીસીપ્ટ પણ કબજે લીધી છે. જે આધારે તેણે ૧૪ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવ્યાં હોવાની શક્યતાં છે. જેની સામે પોલીસે માત્ર ચાર વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવ્યાં હોવાની હેમંતે કબુલાત કરી હોવાની કેફિયત જણાવી છે.
ગાંધીનગરનો બંટી કોણ ?
વિદ્યાનગરમાં નકલી પીએસઆઇ હેમંત ઝાલા સાથે ગાંધીનગરનો બંટી અને બરોડાનો હાર્દિક નામના બે સાગરીતો પણ આવતાં હતાં. આ ત્રણેય ઇસમો ભેગા મળી વિદ્યાર્થીઓને લાલચ આપી નાણાં પડાવતાં હતાં. હેમંત ઝડપાઇ ગયો હતો. જ્યારે તેનો સાગરિત બંટી અને હાર્દિક હજુ ફરાર છે. હેમંતની પુછપરછમાં તેણે બંટી ગાંધીનગર રહેતો હોવાની તેમ જ હાર્દિક બરોડા રહેતો હોવાની જ કબુલાત કરી છે. એ સિવાય તેણે એકપણ શબ્દ પોલીસ સમક્ષ ઉચ્ચાર્યો નથી.
ખિસ્સામાંથી ત્રીસ હજારની રોકડ મળી
નકલી પીએસઆઇ બની આવેલ હેમંત ઝાલાની પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતાં તેની પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા મળી આવ્યાં હતાં. જોકે, આ નાણાં કોઇ વિદ્યાર્થી પાસેથી લીધાં છે કે અન્ય કોઇ છળકપટ કરી મેળવ્યાં છે. તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






