કાળાબજાર બંધ થઈ જવાના ભયે એસોસિએશન જનતા અને દુકાનદારોને ગેરમાર્ગે દોરે છે: સરકાર
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ગરીબોને અનાજ તથા કેરોસીનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે દાખલ કરવામાં આવેલી બારકોડેડ રેશનકાર્ડ અને બારકોડેડ બાયોમેટ્રિક કૂપન પદ્ધતિના વિરોધમાં હડતાળનું એલાન આપવામાં આવ્યું છે પરંતુ આશ્ચર્યજનક રીતે હડતાળના પ્રારંભ પહેલાં અને બહિષ્કારના એલાન વચ્ચે ચાલુ મહિનાના બે દિવસમાં અનાજની ૮,૦૦૦ અને કેરોસીનની ૧,૮૦૦ પરમીટો ઈશ્યુ થઈ હોવાનો દાવો રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કર્યો છે.
અન્ન અને પુરવઠા વિભાગના નિયામકે જણાવ્યું છે કે, જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવા માટે દાખલ કરવામાં આવેલી પદ્ધતિથી ગેરરીતિ અને કાળાબજાર બંધ થઈ જવાના ભયથી એસોસિએશન દ્વારા જનતા અને દુકાનદારોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સરકારની આ પદ્ધતિ સામે પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
પરંતુ હકીકત એ છે કે, સામાન્ય રીતે સસ્તા અનાજના દુકાનદારો દરેક મહિનાની ૩થી પાંચ તારીખ સુધીમાં પરમીટ મેળવવા દોડાદોડી કરતાં હોય છે પરંતુ આ વખતે પ્રથમ બે દિવસમાં-એટલે કે, પહેલી અને બીજી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના ૨૦થી વધુ જિલ્લામાં ૩,૨૦૦થી વધુ વાજબી ભાવની દુકાનોમાંથી અનાજની ૮,૦૦૦થી વધુ અને કેરોસીનના ૧,૮૦૦થી વધુ પરમીટ ઈશ્યુ થઈ છે જે દર્શાવે છે કે, એસોસિએશન દ્વારા આપવામાં આવેલાં એલાન પહેલાં જ દુકાનદારો પોતાના જથ્થો લઈ લેવા માગે છે.