-તલાટીના વર્તનથી રોષે ભરાયેલા સભ્યોએ ડીડીઓને રજૂઆત કરી
-સરપંચે જેમ કહ્યું તેમ મેં કર્યું : તલાટી
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગ્રામ પંચાયત ખાતે સમય કરતાં વહેલી ગ્રામ સભાનું આયોજન કરી સભ્યોને ધાક ધમકીઓ આપી સહિઓ કરાવી લેતા તલાટી કમ મંત્રી વિરુદ્ધ દાહોદ જિલ્લા ડી.ડી.ઓ. તથા ફતેપુરા ડી.ડી.ઓ.ને ડેપ્યુટી સરપંચ દ્વારા ફેક્સ થી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોટા નટવા ખાતે શુક્રવારે બપોરના ૩.૦૦ કલાકના અરસામાં યોજાનાર ગ્રામ સભાનું તલાટી કમ મંત્રી દ્વારા મનસ્વી રીતે આયોજન કરી બપોરના ૧૨ કલાકે તમામ સભ્યોને ગ્રામ પંચાયત ખાતે બોલાવી લઇ ગ્રામ પંચાયતની કોઇ જ કાર્યવાહી અંગેની ચર્ચા વગર ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોને જણાવેલ કે મારે દાહોદ ડી.ડી.ઓ. પાસે કામ હોઇ મને તાત્કાલિક ત્યાં બોલાવેલ છે માટે તમો તાત્કાલિક સહિઓ કરી આપોનું જણાવતાં સભ્યોએ જણાવેલ કે ગ્રામ સભા યોજાઇ નથી કે ગ્રામ પંચાયતમાં આવનાર સમયમાં કયા કયા કામો હાથ ધરવાના છે.
તેની પણ ચર્ચા થઇ નથી. પછી અમો કઇ રીતે સહિઓ કરીએનું જણાવતાં તમામ સભ્યોએ સહિઓ કરવાનો ઇન્કાર કરતાં તલાટી કમ મંત્રી દ્વારા ધમકી આપી જણાવેલ કે, તમો જો સહિઓ નહી કરો તો હુ હમણાં ડી.ડી.ઓ. પાસે જ જાઉ છું અને તમો તમામ સભ્યોને સસ્પેન્ડ કરાવી દઉ છુની ધમકીઓ આપી સહિઓ કરાવી તલાટી કમ મંત્રી બપોરના ૧૨ કલાકે ગ્રામ પંચાયત છોડી રવાના થઇ ગયા હતાં.
આમ મોટા નટવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા સભ્યોને ધાકધમકી આપી સહિઓ કરાવી લેતાં ડેપ્યુટી સરપંચ નાથુભાઇ ચુનિયા ભાઇ કટારાએ દાહોદ જિલ્લા ડી.ડી.ઓ. તથા ફતેપુરા ટી.ડી.ઓ.ને ફેક્સ દ્વારા ઉગ્ર રજુઆત કરી તલાટી કમ મંત્રીની તપાસ કરી ખાતાકિય પગલા ભરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સરપંચે જેમ કહ્યું તેમ મેં કર્યું : તલાટી રમેશ ચારેલ
આ બાબતે મોટા નટવા ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઇ ચારેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે સામાન્ય સભાનો સમય ૩ વાગ્યાનો હતો.પરંતુ સરપંચના કહેવાથી ૧૧ કલાકે કામગીરી પુર્ણ કરી હતી.સરપંચે જેમ કહ્યું તેમ મે કર્યુ છે.