હસમુખ મકવાણા અને રંજનબેન ખાંટે પક્ષના નેતા વીંઝુડાને રાજીનામાં સુપરત કર્યા
આજે ગાંધીનગરમાં ઠાકોર સમાજની આરપાર માટે મહત્ત્વની બેઠક યોજાશે
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષના મુદ્દે ઠાકોર સમાજના આઠ સભ્યોએ બળવો કરવાની ઘટનાના છાંટા નવી બનેલી મહાનગરપાલિકાને પણ ઉડયા છે. મહાનગરપાલિકાના ઠાકોર સમાજના સૌ પ્રથમ ચૂંટાયેલાં બે કોર્પોરેટરો હસમુખ મકવાણા અને રંજનબેન ખાંટે મ્યુનિ. પક્ષના નેતા ચીમનભાઈ વીંઝુડાને રાજીનામાં ધરી દીધા હોવાનું કોંગ્રેસના વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. પંચાયતના સભ્યો બાદ કોર્પોરેટરોના રાજીનામાંને પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ અન્યાયના વિરોધમાં ઠાકોર સમાજના આગેવાનોએ શુક્રવારે બપોરે ખાસ બેઠક બોલાવી છે.
ગાંધીનગર જિલ્લામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને ઠાકોર સમાજના ચૂંટાયેલાં સભ્યોને ચેરમેનપદ ન આપીને ક્ષત્રિય સમાજને આ મહત્ત્વનો હોદ્દો આપવામાં આવતાં સમગ્ર સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સામૂહિક રાજીનામાંને પગલે ચોંકી ઉઠેલાં મોવડીમંડળે રાતોરાત આ મુદ્દાને ઉકેલવાનો આદેશ કર્યો છે પરંતુ ઠાકોર સમાજ ટસનો મસ થતો ન હોવાથી કોકડું વધું ગૂંચવાયું છે.
તેમાંયે આ ઘટનાના પ્રત્યાઘાત મહાનગરપાલિકા ઉપર પડતાં મામલો વધુ ગૂંચવાયો છે. સૂત્રોએ જણાવ્યું કે, નવરચિત મહાનગરપાલિકામાં કોંગ્રેસે સત્તા હસ્તગત કરી ત્યારબાદ મેયરના મામલે પણ અન્ય સમાજને બાજુ પર રાખીને ક્ષત્રિય સમાજને મેયરનું પદ આપવામાં આવ્યું હતું. અલબત્ત, પક્ષના આદેશને માન આપીને તમામ સભ્યોએ આ નિર્ણયને માથે ચઢાવ્યો હતો પરંતુ હવે દરેક મહત્ત્વના પદોની નિમણૂકમાં બહુમતી સમાજની બાદબાકી કરવાની નીતિથી ઠાકોર સમાજ અકળાયો છે.
પંચાયતમાં યોગ્ય પ્રતિનિધિત્ત્વની માગણી માટે સમાજના આદેશને પગલે મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ રાજીનામાં ધરીને છેક સુધી સમાજ સાથે રહેવાની ખાતરી ઉચ્ચારી હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું કે, અન્યાય સામે લડવા માટેની ભાવિ રણનીતિ ઘડવા માટે ગાંધીનગરમાં જ શુક્રવારે એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં આરપારનું એલાન કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.