આગ્રા ઘરાનાના શાસ્ત્રીય સંગીતના સાધકોના કુટુંબનું ફરજંદ તે જમીલ અહમદ. દાદા તેમજ પિતાની કલા નોખી રીતે જમીલમાં ઉતરી તેનું ઋણ અદા કરવા પિતા ઉસ્તાદ ગુલામ અહમદ ખાનને અંજલિ રૂપે એમણે ચિત્રપ્રદર્શન રજુ કર્યું.
‘પ્રકૃતિ કે રૂપ રંગ’ શીર્ષક હેઠળ કલાકારે પેપર ઉપર વોટર કલર, એક્રેલિક અને મિશ્ર માધ્યમથી કામ કર્યું છે. મુખ્યત્વે કોલાજ ઉપર કલાકારનો વિશેષ પ્રેમ દેખાય છે. પેપર ઉપર પેપરના ટુકડા વિવિધ આકારો સજેઁ છે.
સઢવાળી નૌકા, વૃક્ષ કે પછી પેચવર્કનો અહેસાસ. નવા જમાનાની અસર હેઠળ બારકોડનું પણ કોલાજમાં સ્થાન છે. ચોરસ, લંબચોરસ, વર્તુળ અને આડી લીટીઓ ભૂમિતિનો પ્રેમ તો દર્શાવે જ છે પણ સાથે સાથે તેમાં પ્રકૃતિનાં તત્વો પાણી, વૃક્ષ, પાન, છોડવા, પર્વતનો આભાસ પણ ઉત્પન્ન થાય છે.
જમીલભાઈ કહે છે કે ‘નિજાનંદે કામ કરૂં છું. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને જીવનયાત્રાના અનુભવો મુખ્ય છે. સંગીત અને ફિલોસોફીમાં રસ છે.’ તેમને ટ્રેનની યાત્રા દરમિયાન બારીના સિળયામાંથી જે હાલતમાં પણ તૂટક-તૂટક દ્રશ્યો દેખાયાં તેને એમણે કાગળ પર ઉતાર્યા છે.
પાંચમી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પ્રદર્શનને અમદાવાદની ગુફા ખાતે અમિત અંબાલાલ, અનિલ રેલિયા અને અક્ષય મહેતાએ ખુલ્લું મૂકર્યું. શુભેચ્છા આપતાં અનિલભાઈએ કહ્યું કે ‘જમીલભાઈના લોહીમાં સંગીત છે. તેઓ ઉર્દૂમાં માહિર છે.’
અમિતભાઈએ કાવ્યાત્મક રીતે કહ્યું કે ‘જમીલ ભાઈનું સંગીત મૂર્તરૂપે ચિત્રોમાં વિલસે છે. એમના ચિત્રોમાં સંગીતનો એક્સરે છે ઊંડાણ છે. ‘અક્ષય મહેતાએ કલાકારના સ્વભાવમાં રહેલા કલાકાર પણાને વખાણ્યું.