દબંગ લૂક મેળવવા માટે શહેરના યંગસ્ટર્સ વર્કઆઉટની સાથે પ્રોટીન કે વિટામિનના સપ્લિમેન્ટનો સહારો લે છે
સિક્સ પેક્સ, એઈટ પેકસનો શોખ પૂરો કરવા ૮૫ ટકા યંગસ્ટર્સને તેમના કોચ સપ્લિમેન્ટ લેવાની સલાહ આપે છે : સરવે
તાજેતરમાં જ મીડિયામાં રિતિક રોશનનું ‘ટમી’ ઘરે રહ્યા રહ્યા વધી ગયું અને કઇ રીતે એણે બે મહિનામાં મલ્ટપિલ પેકસવાળું બોડી તૈયાર કરી દીધું એની તસવીરો જોવા મળી. રિતિક, સલમાન અને શાહરુખના સિક્સ કે એઇટપેકસનો ક્રેઝ આપણા શહેરના જુવાનિયાઓને પણ લાગ્યો છે. આ દબંગ લૂક મેળવવા માટે તેઓ માત્ર વર્કઆઉટને પૂરતું નથી માનતા અને પ્રોટીન કે વિટામિન સપ્લિમેન્ટ્સનો સહારો લે છે. જાણીતા ઔધ્યોગિક માળખા એસોચેમે તાજેતરમાં જ અમદાવાદ સહિતના અન્ય અર્બન સેન્ટર્સનો સરવે કર્યો તે મુજબ ૭૮ ટકા યંગસ્ટર્સ કોઇને કોઇ ડાએટરી સપ્લિમેન્ટનો સહારો લે છે.
આ સરવેમાં અમદાવાદ અને જયપુર, લખનૌ, એનસીઆર, મુંબઇ વગેરે શહેરોનાં થઇને કુલ ૨પ૦૦ એડોલેસન્સ સાથે વાત કરતાં જાણવા મળેલા તારણો રજૂ કર્યા. આ મુજબ ૮પ ટકા યંગસ્ટર્સને તેમના કોચ કે સ્પોર્ટ્સ ટીચર રમત ગમતમાં વધુ સારું પરફોર્મ કરી શકે, ક્ષમતા વધે તે હેતુથી ડાએટરી સપ્લિમેન્ટ લેવાની સલાહ આપતા હોય છે. શહેરનાં કેટલાક હેલ્થ એક્સપટ્ર્સના મતે હેલ્થ સપ્લિમેન્ટ લેવામાં તો કોઇ વાંધો નથી પણ એ ક્યા કારણોસર લેવાય છે અને કઇ માત્રામાં લેવાય છે તેની તકેદારી સૌથી અગત્યની છે. તેની કાળજી ન લેવાય તો ચોક્કસ સમસ્યા થઇ શકે છે.
મસ્ટ બન્યો સપ્લિમેન્ટનો સપોર્ટ
પરફોર્મન્સ સુધારવા માટે ફિટનેસ ટ્રેઈનર કેલ્શિયમ-વિટામિન ટેબલેટ્સની સલાહ ટીનએજર્સને આપે છે. જેનું પ્રમાણ છે -- ૮૨%
સ્પોર્ટ્સમાં સારું પ્રદર્શન કરવા માટે કોઈપણ પ્રકારની દવા કે સપ્લિમેન્ટ્સ લેવા કેટલા લોકો તૈયાર છે? - - ૭૫%
ફેટ બર્નર્સ, એનર્જી ડ્રિન્કસ વગેરેની મદદથી વજન ઘટાડનારા લોકોની સંખ્યા છે -- ૫૫%
વિટામિન અને મિનરલ ટેબલેટનું સેવન કરનારા યંગસ્ટર્સ છે -- ૮૫%
લૂક બહેતર બનાવવા પ્રોટિન જેવા સપિ્લટમેન્ટ્સને જરૂરી માને છે -- ૪૭%
સ્ટીરોઈડનો ઉપયોગ કરતા ૧૨મા ધોરણ સુધીના છોકરાઓનું પ્રમાણ -- ૪૫%
સ્પોર્ટ્સ ડ્રિંક લે છે -- ૮૬%
‘એક્સ્પર્ટ સલાહ મુજબ સપ્લિમેન્ટ લેવું જોઇએ’
અમારે ત્યાં જીમમાં આવનારા ઘણાં યંગસ્ટર્સ પ્રોટીન-વિટામિનના સપ્લિમેન્ટ્સ લેતા હોય છે. ધારો કે તમે વર્કઆઉટ કરતા હો તમારું વજન પ૦ કિલો હોય તો તમારે રોજનું ૭પ ગ્રામ પ્રોટીન સપ્લિમેન્ટ લેવું જોઇએ. જો વર્કઆઉટ ન કરતાં હો તો પણ વજન મુજબ પ્રતિ કિલો એક ગ્રામ પ્રોટીન જરૂરી છે. વેજિટેરિયન્સમાં પ્રોટીન ઓછું હોવાથી સપ્લિમેન્ટ લેવા પડે છે. કોઇપણ ડાએટરી સપ્લિમેન્ટ એક્સપર્ટની સલાહ મુજબ જ લેવું જોઇએ.’
દિલીપ પરસાણા, ડિરેક્ટર પરસાણા જિમ
‘આજકાલ યંગસ્ટર્સમાં મસલ્સ બિલ્ડ અપ કરવાનો ટ્રેન્ડ અને ક્રેઝ બન્ને ફિલ્મો જોઇને વધ્યાં છે. જિમમાં જનારાઓ ડાએટરી સપ્લિમેન્ટ લેતા હોય છે. તમે વર્કઆઉટ છોડી દો તો શરીર ઢીલું થઇ જાય અને પછી સપ્લિમેન્ટની અસર પણ જતી રહે, જે શરીર માટે યોગ્ય નથી. ફિટનેસ માટે વર્કઆઉટ કરતા હો તો સપ્લિમેન્ટ ન લેવા જોઇએ પણ ફિલ્મસ્ટાર જેવું શરીર બનાવવા યંગસ્ટર્સે વર્કઆઉટ સાથે સપ્લિમેન્ટની મદદ લેવી પડે.’
ડૉ.કલ્પના શુક્લા, ડાએટિશિયન
રમત ગમતમાં દેખાવ સુધારવા માટે સપ્લિમેન્ટ લેવાય ત્યાં સુધી કોઇ વાંધો નથી. અમે અમારા ઘણા વિદ્યાર્થીઓને આ માટે સલાહ આપીએ છીએ કારણકે ક્યારેક તેમનો શારીરિક બાંધો કે ક્ષમતા સ્પોર્ટ્સ માટે સક્ષમ નથી હોતા. સારી બ્રાન્ડના સપ્લિમેન્ટ જરૂરી છે. પ્રોટીન, વિટામિન વગેરે લેવાથી રમતમાં દેખાવ સુધરી શકે છે પણ સ્ટિરોઇડઝનો સહારો ન લેવો જોઇએ.’
- બી.બી.પાટીલ, ટેનિસ કોચ-સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
મારો દીકરો અમન અંડર ટ્વેલ્વમાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન છે. તેણે બે વર્ષ સુધી ડાએટરી સપ્લિમેન્ટ લીધું કારણ કે તે રમતમાં ખૂબ ચોક્કસ હોવા છતાં સ્ટ્રેન્થમાં કચાશ રહેતી હતી. સપ્લિમેન્ટ માફક ન આવતા હોવાથી હવે તે નેચરલ પ્રોટીન્સ લે છે. જો કે શરૂઆતમાં તેને સપ્લિમેન્ટ મદદરૂપ રહ્યા.’ ભાવેશ પટેલ, ટેનિસ પ્લેયર અમનના વાલી