સ્વરાધિકા ધારી પંચમદા ૬૯ કલાક, ૬૯ મિનિટ અને ૬૯ સેકન્ડ સળંગ ૬૯ પ્રકારના રાગ છેડીને સ્વરની આરાધના કરશે. બીજી સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે બપોરે ૧૨. ૩૯થી શરૂ થઇને પાંચમી સપ્ટેમ્બરે સવારે ૧૦. ૫૦. ૯ વાગ્યે પૂર્ણ થશે
સ્વરની આરાધના કરવી અને તે પણ અખંડ દીવાની જેમ એ એક પ્રકારની ભગવાનની દેન જ કહેવાય. સ્વરાધિકા ધારી પંચમદા જન્માષ્ટમીના દિવસથી સળંગ ૬૯ કલાક, ૬૯ મિનિટ અને ૬૯ સેકન્ડ સ્વરની આરાધના કરવાનાં છે. આ લોન્ગેસ્ટ ઇન્ડિયન ક્લાસિકલ સિગિંગ મ‹રેથોનની શરૂઆત બીજી સપ્ટેમ્બરે બપોરે ૧૨. ૩૯ થી શરૂ થશે અને પાંચમી સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાક ૫૦ મિનિટ અને ૯ સેકન્ડે પૂરી થશે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટે થઇ રહેલી આ સ્વરની આરાધના ધારી પંચમદા પોતે એકલા સોલોમાં કરી રહ્યાં છે. જોકે તેમની સાથે મ્યુઝિક આપનાર બેન્ડ બદલાતા રહેશે.
આ અંગે ધારીના ગુરુ ભૂપેન્દ્ર પંડિત કહે છે કે, ‘આ આરાધના પંડિત વિષ્ણુ દગિંમ્બર પુલસ્કરને અર્પણ કરવા માટે ધારી કરી છે. તે ૬૯ રાગ ગાશે જેની એક એક મિનિટના હિસાબે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત અમે એક રિવર્સ ઘડિયાળ પણ મૂકી છે જે ટાઇમિંગ બતાવતું રહેશે. ધારી રોજના ચાર કલાક રિયાઝ કરે છે.
સંગીતનો યજ્ઞ કરવા માટેની આ આરાધના કરનાર ધારીએ અગાઉ ૧૩ કલાક, ૨૯ કલાક અને ૪૯ કલાક સ્વર આરાધના કરી છે.’ નિયમ અનુસાર ધારીને દર ચાર કલાકે ૧૫ મિનિટનો બ્રેક મળશે.
સ્વરની આટલી મોટી આરાધના કરવા અંગે ધારી જણાવે છે કે, ‘મને સ્વરનું અનુષ્ઠાન કરવું ગમે છે. જેમ લોકો અલગ અલગ ભગવાનના યજ્ઞ કરાવતા હોય છે તેમ હું હંમેશાં સ્વર-યજ્ઞ કરું છું. સળંગ આટલા કલાક સ્વર-યજ્ઞ કરવા માટે હું રોજ એક કલાક યોગ અને પ્રાણાયમ કરું છું જેનાથી તમે દરેક બાબત પર સંયમ કેળવી શકો છો. આ ઉપરાંત રોજના ચાર કલાક રિયાઝ પણ કરું છું.’
ધારીબહેન તેમની દરેક આરાધના નવ આંકડાના કલાકમાં જ કરે છે. તેઓ કહે છે કે, ‘મારો જન્મ ફાગણ વદ નોમના રોજ થયો છે અને કુંડળીમાં કર્ક લગ્ન છે. અમે નવેમ્બરમાં ૯૯ કલાક, ૯૯ મિનિટ અને ૯૯ સેકન્ડ દ્વારા અમારો જ રેકોર્ડ બ્રેક કરી ગિનિસ બુકમાં નામ નોંધાવવાના છીએ.’