પેટલાદ-સોજિત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી અંતર્ગત શુક્રવારે સવારે ૯:૩૦ કલાકથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન બપોરે ૧૨ કલાકે એકાએક લાલ લાઇટસભરનું સરકારી વાહન લઈને સોજિત્રાનાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક અંબાલાલ રોહિત ચૂંટણી સ્થળે આવતાં તેજસ પટેલે સદર મામલે વિરોધ નોંધાવ્યો હતો.
આ ઉપરાંત ચૂંટણી અધિકારીને આચારસંહિતાનો ભંગ થાય છે, તેવી ફરિયાદ કરતાં તંત્રને આ બાબતનો નિર્ણય કરવા માટે પરસેવો છુટી ગયો હતો. સોજિત્રા ધારાસભ્ય અંબાલાલ રોહિતે સંઘ સંકુલમાં પ્રવેશ કરીને વર્તમાન ચેરમેન સી.ડી.પટેલની ચેમ્બરમાં બેસતાં ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન બંને પેનલનાં ઉપસ્થિત ટેકેદારો પણ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. સ્થાનિક અગ્રણીઓએ ચૂંટણી સમયે બહારનાં કોઈપણ વ્યક્તિએ મતદાન મથકની અંદર પ્રવેશી શકાય નહીં અને આચારસંહિતાનો ભંગ થાય છે તેવી લેખિત રજૂઆતની વાત કરતાં ભારે ચકમક થઈ હતી.