રાજ્યની ૧૫૯ નગરપાલિકાના કર્મચારીઓને મોંઘવારીના સમયમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે છઠ્ઠા પગારપંચનો લાભ મેળવવામાં સરળતા કરી આપવાનો નિર્ણય લીધો છે અને હવેથી ૪૮ ટકા મહેકમ ખર્ચ ધરાવતી નગરપાલિકાઓને છઠ્ઠા પગારપંચનો લાભ મળી શકશે.
શહેરી વિકાસમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેટલીય નગરપાલિકા એવી છે જે આર્થિક રીતે સક્ષમ નથી અને તેમની કરવેરાની આવક પણ પૂરતી હોતી નથી તેમજ યોગ્ય નાણાકીય સંચાલન ન થવાના કારણે સ્વભંડોળની આવક જાળવી શકતી નથી. આથી કર્મચારીઓના પગાર સુધ્ધાં ચૂકવાતાં નથી.
કર્મચારી એસો.ની માગણી સ્વીકારી ન.પા.ના આવકના ૪૫ ટકાથી ઓછા મહેકમ ખર્ચની મર્યાદા વધારી ૪૮ ટકા મહેકમ ખર્ચ ધરાવતી પાલિકામાં છઠ્ઠા પગારપંચનો લાભ આપી શકાશે તેવો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આવકાર આપ્યો છે .