ગાંધીનગરના મગોડી ગામ પાસે દહેગામ જતા રોડ પરના એક ખાડામાંથી અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવતા ચિલોડા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે મોબાઇલ ફોનના આધારે કરેલી તપાસ દરમિયાન મૃતક વૃદ્ધ મહેસાણાના કડી શહેરના રહેવાસી અને વેપારી હોવાનું ખૂલ્યું હતું. તેના મોં પર થયેલી ઇજા તથા તેની વેગનઆર મોટર ગુમ હોવાના પગલે આ બનાવ ખૂનનો છે કે, નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજાએ આ બનાવ સંદર્ભે જણાવ્યું કે, મંગળવારે ૯.૧પ વાગ્યાના અરસામાં મળી આવેલો ઉપરોકત મૃતદેહ કડી શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ મણીપુરા વિસ્તારમાં રહેતા અને દેત્રોજ તાલુકાના કટુસણ ગામે ખેતપાકોના બીજ અને કરિયાણાની દુકાન ધરાવતા રસીકભાઇ કેશવલાલ ભટ્ટ નામના પપ વર્ષના પ્રૌઢનો હોવાનું ખૂલ્યું છે. તેના દાંત તૂટી ગયેલા છે અને મોબાઇલ ફોન બંધ હાલતમાં હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, તા.૩૦મી રાત્રે મૃતક વેપારીએ તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને એમ જણાવ્યું હતું કે, તેઓ દુકાનમાં હિસાબ કરી રહ્યા છે.
હિસાબ પત્યા પછી ઘેર આવવા નીકળશે. પરંતુ તેમણે કરેલી આ વાતચીત છેલ્લી બની રહી હતી અને તેઓ લાપત્તા બની ગયા હતા. તેઓ રાબેતા મુજબ જ વેગનઆર કાર લઇને દુકાને ગયા હતા પરંતુ બનાવ સ્થળ પરથી તેની કાર પણ મળી આવી ન હતી. જેના પગલે પોલીસ દ્વારા જીવણટભરી તપાસ શરૂ કરાઇ છે. કોઇ લુટારુ ટોળકીએ વેપારીને આંતરીને તેના કબજામાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવ્યાની પણ પોલીસને આશંકા છે.