વડોદરા રેલવે સ્ટેશન પરથી પીક અવર્સમાં પસાર થતી ટ્રેનોમાં રોકેલી જગ્યા વેચવાના (સીટ કોર્નરિંગ) ધિકતાંધંધાને કારણે સંખ્યાબંધ મુસાફરો જગ્યા મેળવવા વલખાં મારતાં હોય છે. ખાસ કરીને સીટ પર અડિઁગો જમાવી બેઠેલા પાસ હોલ્ડરો એમએસટી ડબ્બામાં તો ઠીક જનરલ ડબ્બામાં પણ દાદાગીરી કરતાં હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. રેલવે પોલીસે છેલ્લા દોઢ મહિનામાં સીટકોર્નરિંગ કરતાં પ૦થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા હતાં.
સયાજી એક્સપ્રેસ, ગુજરાત, સૌરાષ્ટ્ર, ભીલાડ, ફિરોજપુર જનતા, મેમુ, ઇન્ટરસિટી, ગુજરાત ક્વીન સહિતની ટ્રેનોમાં મુસાફરી કરવી સામાન્ય મુસાફર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહે છે. ટ્રેનોમાં શીટ કોર્નરિંગ કરતાં લોકો મુસાફરો માટે માથાનો દુખાવો બની જાય છે. સવારની ભીલાડ એક્સપ્રેસમાં પાસ હોલ્ડરો એમએસટીના ડબ્બામાં તો ઠીક જનરલ કોચમાં પણ સીટ પર કબજો જમાવી બેસી જાય છે.
આ ઉપરાંત ગુજરાત એક્સપ્રેસના રિઝર્વેશન કોચમાં પણ પાસ હોલ્ડરો ગોઠવાઇ જાય છે. આવી જ હાલત મેમુ, ફિરોજપુર, ક્વીન અને ઇન્ટરસિટીમાં પણ જોવા મળે છે. સીટ કોર્નરિંગના વધતા બનાવોના પગલે રેલવે પીઆઇ બી.એમ. ટાંકે ચાર પોલીસ જવાનોની ખાસ સ્કવોડની રચના કરી હતી.
ખાસ સ્કવોર્ડ ગત ૧લી જુલાઇથી ટ્રેનોમાં પેટ્રોલિંગ કરી સીટ કોર્નરિંગ કરતાં શખ્સોને ઝડપી પાડી તેઓની સામે કાનૂની કાર્યવાહી કરી રહી છે. ગત દોઢ મહિનામાં જ પોલીસે પ૦થી વધુ શખ્સોની સીટ કોર્નરિંગના કેસમાં ધરપકડ કરી હતી.
ટ્રેનમાં વધતી ગુનાખોરી સામે લાલ આંખ
ખાસ સ્કવોડના કારણે ટ્રેનમાં જુગાર રમતા શખ્સો તેમજ મુસાફરો પાસેથી પૈસા પડાવતા વ્યંડળોને ઝડપવામાં સફળતા મળી હતી. મુસાફરોને દેખાય તે રીતે અશ્લિલ ક્લિપિંગ નિહાળનાર શખ્સને પણ પકડી પાડ્યો હતો. કેટલીક વાર પાસ હોલ્ડરો ટ્રેન ચાલુ થયા બાદ જનરલ કોચમાં મુસાફરોને ઊઠાડી સીટ પડાવી લેતાં હોવાની ફરિયાદો મળતાં તેને અટકાવવા માટે પ્રયાસ કરાયો છે.
ટ્રેનોમાં સીટ કોર્નરિંગ રોકવા માટે ગત ૧ જુલાઇથી અભિયાન હાથ ધર્યું છે. દોઢ મહિનામાં જ પ૦થી વધુની ધરપકડ કરાઇ છે. જનરલ કોચમાં મુસાફરોને કનડગત કરતાં પાસ હોલ્ડરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. - બી.એમ.ટાંક, પીઆઇ, રેલવે પોલીસ સ્કવોર્ડની ટીમમાં થોડા દિવસે ફેરફાર
ટ્રેનમાં શીટ કોર્નરિંગ સહિતના ગુનાઓ ડીટેકટ કરવા માટે રેલવે પોલીસની ખાસ સ્કવોડ બનાવાઇ છે. રાત્રે ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા માટે જીઆરપી અને આરપીએફના જવાનો પેટ્રોલિંગ કરે છે પરંતુ દિવસમાં ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જોકે, નિયમિત અપડાઉન કરતાં શખ્સો સ્કવોડને ઓળખી ન જાય તે માટે થોડા-થોડા દિવસે ટીમમાં ફેરફાર કરાય છે.