પાટનગરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સ્વાતંત્ર્યસંગ્રામના અને ગાંધી ગીતોનો અનોખો અને શ્રોતાઓ માટે યાદગાર એવો ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીજીને અતિ પ્રિય કવિ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ મૂળ પ્રભાતિયાનાં ઢાળમાં રજૂ કરીને લોકગાયક અભેસિંહ રાઠોડ અને મીનાબેન પટેલે સ્વરાંજલિ કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો, મન મોર બની થનગાટ કરે.. જેવા એક એક ગીતે શ્રોતાઓને ડોલાવ્યા હતાં.
બીજા દોરનો આરંભ અભેસિંહ રાઠોડે ઓતરાદા વાયરા, ઊઠો ઊઠોથી જુસ્સાભેર કરીને આઝાદીની લડત વખતે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રમેના ગીતોના સંગ્રહ સિંધુડાની અમર રચના તારા નામમાં, ઓ સ્વતંત્રતા મીનાબેન પટેલે રજૂ કરીને સહુને ભાવવિભોર બનાવી દીધા હતાં. ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને ફાંસી અપાઇ તેની વેદનામાં ઝવેરચંદ મેઘાણીએ રચેલું ગીત વીરા મારા, પંચ રે સિંધુને સમશાન, રોપાણા ત્રણ રૂખડાં હો...જીની રજૂઆતથી ઇતિહાસ તાદશ થયો હતો. ઝવેરચંદ મેઘાણીનું શિવાજીનું હાલરડુંની અભેસિંહભાઇ-મીનાબેનની રજૂઆત પર લોકો ઝૂમી ઊઠયા હતાં.
રવીન્દ્રનાથ ટાગોરને ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિશેષ અંજલિ સ્વરૂપ મન મોર બની થનગાટ કરેની રજૂઆતથી પણ સહુ કોઇ ડોલી ઉઠયા હતાં. ત્યારે વિદ્યાર્થીઓ પણ સમૂહ ગાનમાં જોડાયા હતાં. ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઇ રહેલા મહાત્મા ગાંધીને સંબોધતું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, કાવ્ય ઝવેરચંદ મેઘાણીએ લખ્યું અને ઉપડતી સ્ટીમરે તે ગાંધીજીને પહોંચાડયું હતું. તે વાંચીને મહાત્મા મુખેથી ઉદ્દગાર સરી પડયો, મારી હાલની સ્થિતિનું આમા સચોટ વર્ણન છે. આ વખતે મેઘાણી રાષ્ટ્રીય શાયરનું બિરુદ રાષ્ટ્રપિતા ગાંધીજી પાસેથી પામ્યા હતાં.
ઝવેરચંદ મેઘાણીએ સાબરમતી જેલમાં રચેલા અમર કાવ્ય રકત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, સહુએ સમૂહમાં ગાયું હતું. જ્યારે અભેસિંહ રાઠોડે કસુંબીનો રંગની રમઝટ બોલાવીને કાર્યક્રમનું સમાપન કર્યું ત્યારે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ ર્બોડના ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદીએ સ્ટેજ પર આવી આ ગીતમાં બન્ને ગાયકોને સુરીલો સાથ આપ્યો હતો.
જ્યારે મેજિસ્ટ્રેટની આંખો પણ ભીની થઇ ગઇ હતી
૧૯૩૦માં ઝવેરચંદ મેઘાણી રાજદ્રોહના આરોપસર પકડાયા ત્યારે ધંધૂકાની ભરી અદાલતમાં, મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને પોતાનું હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ-છેલ્લી પ્રાર્થના ગીત ધીર ગંભીર અવાજે ગાયુ ત્યારે ઉપસ્થિત મેદની તથા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની થઇ ગઇ હતી. આ ગીતની હ્દયસ્પર્શી રજૂઆતથી અહીં પણ અનેકની આંખોમાં આંસુ સરી પડ્યા હતાં.