- સંતાકૂકડી રમાડી પોતાનું ટારગેટ પૂર્ણ કરી તસ્કરોએ પોલીસની ઠંડી ઉડાડી
હાલોલના દાવડા ગામે શુક્રવારે મધ્યરાત્રિએ ૧૦ થી ૧પ માણસો ટેમ્પોમાં કાસ્ટ આયર્નની રૂ.૧.૪૨ લાખની ચોરી કરી રવાના થઇ ગયા હતા. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ લંબાવી છે.
હાલોલ પંથકમાં ચોરી લૂંટ અને ધાડના બનાવો આંતરે દિવસે બનતા રહે છે. તેમ છતાં પણ પોલીસની ઊંઘ ઉડતી નથી. દરમિયાન વધુ એક ચોરી થતાં રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે હાલોલ પોલીસમાંથી મળતી માહિતી મુજબ હાલોલ નગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોને નર્મદા આધારિત શુદ્ધ પાણી આપવા માટેની યોજનાના ભાગરૂપે સમ્પ બનાવવાની કામગીરીનો કોન્ટ્રાકટ ધીરૂભાઇ દેવકુભાઇ ધાંધલને આપ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા સમ્પનું કામ લગભગ પૂર્ણ થયેલું છે. હવે આગળની કામગીરીમાં નગરમાં કાસ્ટ આયર્નની પાઇપો બિછાવવાનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી કોન્ટ્રાક્ટર જરૂરી માલસામાન લાવ્યા હતા.જેમાં કાસ્ટ આયર્નના વાલ્વ, બોન્ડ,ટી, જોઇન્ટ, શોકેટ સ્ટેલપીસ અને પાઇપોનો સ્ટોક સમ્પ સાઇડ પર કર્યો હતો.
માલની સાચવણી માટે વોચમેન વેચાત ગોરધનભાઇ રાજપૂતને રાખ્યો છે. શુક્રવારે રાત્રિના વોચમેન સમ્પરૂમમાં સૂતો હતો. ત્યારે એક વાગ્યાના અરસામાં આયસર ટેમ્પોમાં ૧૦ થી ૧પ માણસો આવ્યા હતા. તેઓ પાસે લાકડીઓ અને હથિયાર હતા. તેમણે દરવાજો ખોલાવી વોચમેનને જગાડયા બાદ દોરડાથી બાંધી મોઢા ઉપર ડૂચો મારી ગળું દબાવી રાખ્યું હતું. ધાકધમકી આપી ખુલ્લામાં રાખેલ માલસામાન ટેમ્પોમાં ભરવા માંડયો હતો. રૂ.૨,૪૨,૬૨૭નો માલ સામાન લઇ ગયાની ફરિયાદ ઇજારદાર ધીરૂભાઇએ આપી હતી.
નગરજનોને રાત્રિ માથે કરવાનો વારો
હાલોલથી કાલોલ સ્થિત દાવડાની સીમમાં ઇજારદાર દ્વારા સ્ટોક કરી મૂકી રાખેલ કાસ્ટ આયર્નના અલગ અલગ કિંમતી સામાનની ચોરી થતાં નગરમા ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે. છેલ્લા વીસેક દિવસથી પંથકમાં તસ્કરોનો આતંક, ભય અને ઉપદ્રવ વધતાં પોલીસ સાથે નગરજનોને પણ રાત્રિ માથે કરવાનો વારો આવ્યો છે. તેમ છતાં પણ ચોરી લૂંટના બનાવોમાં ઘટાડો થતો નથી. તસ્કરો મારક હથિયારો સાથે આવી ભય અને આતંકનું વાતાવરણ સજીg કામ પૂરું કરી રવાના થાય છે.
લાખોના માલ સામાન સાચવવા એક જ વોચમેન!
નર્મદા આધારિત પાણી પુરવઠાનો સમ્પ બનાવવાની કામગીરી હાલ પૂરતી તેમના મજૂરો લગ્નમાં રાજસ્થાન ગયા હોવાથી બંધ હતી. લાખો રૂપિયાના કાસ્ટ આયર્નનો માલ સામાન ખુલ્લામાં પડયો હોવા છતાં માત્ર એક જ વોચમેન રાખવામાં આવ્યો છે. જોકે ખુલ્લી અને વિશાળ જગ્યા ઉપર લાખો રૂપિયાનો માલ સામાન હોય તો વોચમેન સશકત અને એકથી વધારે રાખવા જોઇએ.