કબૂતરબાજી માટે અમદાવાદ એરપોર્ટ સૌથી વધુ સલામત સ્થળ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. જોકે, આ પ્રકારના છીંડાઓ ક્યારેક દેશની સલામતી માટે જોખમરૂપ બની શકે તેમ છે. કારણ કે, આજે ‘ડીબી ગોલ્ડ’માં જે કિસ્સાનો અહેવાલ પ્રકાશિત થઈ રહ્યો છે, તેમાં હમશકલ પાસપોર્ટના આધારે એક વ્યક્તિ રિયાધ-સાઉદી અરેબિયાથી અમદાવાદ એરપોર્ટ આવી હતી.
એરપોર્ટ પર ઇમિગ્રેશનની તમામ પ્રક્રિયાઓ પૂરી કરીને તે વ્યક્તિ બે મહિના કરતા વધુ સમય માટે અહીંયા રોકાઈ. એટલું જ નહીં, હમશકલ પાસપોર્ટ તે વ્યક્તિ સાઉદી અરેબિયા સુધી પણ પહોંચી ગઈ. જોકે, જે બાબતને અમદાવાદ એરપોર્ટ પર ખૂબ સહજતાથી લેવામાં આવી તે બાબતની દોહાના ઇમિગ્રેશન વિભાગે ગંભીરતાથી લઈ, ચકાસણી કરી અને હમશકલ પાસપોર્ટની ઘટના પરથી પડદો ઉઠાવ્યો.
દોહા એરપોર્ટે બાદમાં આ વ્યક્તિને ડિપોર્ટ કરીને અમદાવાદ મોકલી આપી. ઉલ્લેખનીય છે કે અગાઉ જેહાદી ષડયંત્ર, અક્ષરધામ હુમલા સહિતની આતંકવાદી ઘટનાઓના તાર રિયાધ-સાઉદી અરેબિયા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યુ હતું. આમ છતાં, આપણો ઇમિગ્રેશન વિભાગ આ બાબતને ખૂબ જ હળવાશથી લેતો હોય તેવું લાગે છે. કારણકે હમશકલ કે બનાવટી પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરવામાં સફળ રહેનારા લોકોની સંખ્યાનો અંદાજ લગાવવો અઘરો છે.
પણ એટલું ચોક્કસ છે કે, દર મહિને આ પ્રકારના ત્રણેક કેસ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. કબૂતરબાજીના મોટાભાગના કિસ્સામાં ઇમિગ્રેશન વિભાગ પોલીસ ફરિયાદ નોંધાવીને સંતોષ માને છે. તો પોલીસ પોતાની આદત મુજબ તપાસ હાથ ધરે છે.
ભાઈના પાસપોર્ટ પર સુભાત આવ્યો
રાધનપુરના વતની સુભાત ઈશાક કરીમશાહ (ફકીર) અને તેનો નાનો ભાઈ અલી શાહ નોકરી અર્થે સાઉદી અરેબિયાના રિયાધમાં રહેતા હતા. દરમિયાન આ બંને ભાઈઓએ રિયાધથી અમદાવાદ આવવા માટે ૩૧ મે, ૨૦૧૦ના રોજ ટિકિટ બુક કરાવી.
જોકે નાનોભાઈ અલી શાહ રિયાધમાં જ રોકાઈ ગયો. તેથી સુભાત ઈશાક એકલો ૧૩ જુનના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. સુભાતને અંગ્રેજી નહી આવડતું હોવાથી એરપોર્ટ પર એરાઈવલ ફોર્મ ભરવા માટે તેણે ફોર્મની સાથે પોતાનો પાસપોર્ટ પણ આપ્યો. આ પાસપોર્ટ તેના ભાઈ અલી શાહનો હતો, પણ સુભાત ઈશાકે ફરજ પરના અધિકારીને પોતાનું નામ જણાવ્યું.
ઇમિગ્રેશનના કર્મચારીએ સુભાતને નામ મામલે કોઈ ભૂલ થતી હોવાનું જણાવી ધ્યાન દોર્યું. તેથી સુભાતે અન્ય એક મુસાફર પાસે ફોર્મ ભરાવ્યું. જેમાં તેણે પોતાનું નામ અલીશાહ દર્શાવ્યુ. એરપોર્ટ પર તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તે પોતાના વતન જતો રહ્યો હતો
....ને અમદાવાદથી પાછો જતો પણ રહ્યો
બે માસ રોકાઈને રિયાધ પરત જતી વેળા ૨૧ ઓગસ્ટના રોજ સુભાતે અમદાવાદ એરપોર્ટ પર રિયાધ પરત જવા માટેનું ફોર્મ ભર્યું. આ ફોર્મમાં પણ તેણે પોતાના ભાઈના નામથી તમામ વિગતો લખી અને સહીઓ પણ કરી. જોકે તેનું વિમાન દોહા એરપોર્ટ પર રોકાયુ ત્યારે ત્યાંના ઇમિગ્રેશન વિભાગે સુભાત ઈશાકની પૂછપરછ કરી.
બાદમાં ૨૧ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી તેને દોહા ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો અને અમદાવાદ પરત મોકલવામાં આવ્યો. દોહાથી પરત આવ્યો એટલે હવે કાર્યવાહી તો કરવી પડે. એટલે કામગીરીના ભાગરૂપે અમદાવાદ ઇમિગ્રેશન વિભાગના ઈન્સ્પેકટર જે.જે. પટેલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સુભાત ઈશાક શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
આ રીતે હંમેશા બેદરકાર રહ્યો છે ઇમિગ્રેશન વિભાગ...
બલુજી ડાભી ૨૦૦૪માં બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા પહોંચી ગયો હતો. બાદમાં તે નવેમ્બર-૨૦૦૯માં અમેરિકાથી ભારત પરત પણ આવ્યો. તે પરત આવ્યો ત્યારે ઇમિગ્રેશન વિભાગે તેની ધરપકડ કરી.
શૈલેષ પટેલે ૨૦૦૩ના વર્ષમાં પોતાના વિઝાની મુદત પૂરી થતી હોવા છતાં પોતાના પાસપોર્ટ પર એરાઈવલનો બનાવટી સ્ટેમ્પ લગાવીને પાંચ વર્ષ સુધી અમેરિકામાં ગેરકાયદે રોકાણ કર્યું હતું. તેની પાસેથી રૂ.૬૦,૦૦૦ લઈને ઇમિગ્રેશનના સ્ટાફે જ બનાવટી સ્ટેમ્પ લગાવી આપ્યો હતો. આ સમગ્ર મામલા પરથી અમેરિકાના કોન્સ્યુલેટ જનરલે પડદો ઉઠાવ્યો હતો અને બાદમાં ડિસે.૨૦૦૯માં અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગે કાર્યવાહી કરી હતી.
વિનોદ પટેલ અને તેના પત્ની ૧૧ વર્ષ સુધી ગેરકાયદે રીતે અમેરિકામાં રહ્યા હતા. જ્યારે જિજ્ઞાબહેન પટેલ ૫ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. જુલાઈ, ૨૦૧૦માં બહાર આવેલા આ બંને કિસ્સાઓને ઇમિગ્રેશન વિભાગે ઉઘાડા પાડ્યા હતા.
બનાવટી પાસપોર્ટ પર દુબઈ પહોંચેલા મીના દીપકભાઈ પટેલને ૨૬ જુલાઈના રોજ દુબઈથી ડીપોર્ટ કરવામાં આવ્યા હતા.
આમ ઉપરોકત તમામ કિસ્સાઓમાં બનાવટી દસ્તાવેજોની મદદથી આરોપીઓ વિદેશ પહોંચી ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમને ક્લિઅરન્સ આપવામાં આવ્યુ હતું. એટલું જ નહીં, મોટાભાગે વિદેશનો ઇમિગ્રેશન વિભાગ જ્યારે આ અંગે સત્તાવાર રીતે જાણ કરે છે અને આરોપીને ડિપોર્ટ કરે છે ત્યારે આપણા ઇમિગ્રેશન વિભાગને જાણ થાય છે.
શું આ પ્રકારની બેદરકારી આપણા દેશ માટે જોખમરૂપ નથી. અગાઉ હેડલી અને રાણા જેવા આતંકવાદીઓ આ પ્રકારની બેદરકારીના પ્રતાપે જ આપણા દેશને રક્તરંજિત કરી ચૂક્યા છે. બીજી બાજુ, ઇમિગ્રેશન વિભાગની દલીલ છે કે પાસપોર્ટ નંબર એન્ટર કરતાંની સાથે જ પાસપોર્ટ ધારકના નામ, ફોટા સહિતની ઓળખની તમામ વિગતોની ખરાઈ થઈ શકે તે માટેની સીસ્ટમ ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર લગાવવામાં આવશે. આ સિસ્ટમ તો શરૂ થશે ત્યારે, પરંતુ ક્યાં સુધી ઇમિગ્રેશન વિભાગ આ પ્રકારના લૂલા બચાવ કરતો રહેશે?
‘ભૂલથી ભાઈનો પાસપોર્ટ આવી ગયો હતો’
સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વાય.આર. ગામિતે જણાવ્યુ હતું કે, આરોપી સુભાત ઈશાક શાહની ધરપકડ કરી કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેણે જણાવ્યુ હતું કે, ઉતાવળમાં રિયાધથી નીકળ્યો હોવાથી ભૂલથી તેના ભાઈના પાસપોર્ટ અમદાવાદ આવી ગયો હતો.
અમદાવાદ પહોંચ્યા પછી તેને લાલચ જાગી હતી અને ૧.૫ લાખ રૂપિયા બચતા હોવાથી તેણે પોતાના ભાઈના પાસપોર્ટથી જ રિયાધ પરત ફરવાનું નક્કી કર્યું હતું. તેણે પોલીસ સમક્ષ એમ પણ જણાવ્યુ હતું કે ભાઈની જગ્યાએ તે પોતે ભારત આવ્યો હતો અને તેના ભાઈના પાસપોર્ટ પર ભારત આવ્યો હોવાનો સિક્કો વાગ્યો હતો. તદ્ઉપરાંત, જો તેણે અન્ય વ્યક્તિ મારફતે પોતાનો પાસપોર્ટ મંગાવ્યો હોત તો તેમાં ભારત એરાઈવલનો સિક્કો વાગી શકત નહીં અને તેનાથી ફરી રિયાધ જઈ શકાત નહીં.
તેથી તેણે પોતાના ભાઈના પાસપોર્ટ પર જ રિયાધ પરત જવા પ્રયાસ કર્યો હતો. કોર્ટે આરોપીને રિમાન્ડ પર સોંપતા ઠરાવ્યુ હતું કે આરોપી તેના ભાઈના પાસપોર્ટ પર શા માટે ભારત આવ્યો છે તે અંગે તપાસ કરવી જરૂરી છે.