યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ગુરુવારે ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઊજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીકૃષ્ણ જન્મને વધાવવા માટે રાજ્યભરમાંથી હજજરો ભક્તજનો ઉમટી પડશે. મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજને ચાંદીના પારણાંમાં બેસાડીને ઝુલાવવામાં આવશે. આ પ્રસંગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકીના નાદથી ડાકોર ગુંજી ઊઠશે. સાંજે છ વાગે પ્રભુજન્મ પૂર્વે સોનાની આરતીથી ભગવાન રણછોડરાયની પૂજા કરવામાં આવશે. આ આરતીના દર્શનનો લાભ લેવા ભારે સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે.
ડાકોરના મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. આ નિમિત્તે મંદિરના સેવક ભાઈઓ દ્વારા નક્કી થયા મુજબ દર્શનનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તા.૨જીના રોજ સાંજે ૬ કલાકે નીજ મંદિર ખૂલીને ઉત્થાપન આરતી થશે. આ આરતી દરમિયાન સોનાની આરતીનો ઉપયોગ કરાશે. ઘીથી પ્રજવલિત દિપો દ્વારા ભગવાનની આરતી ઉતારાશે. ત્યારબાદ રાજાધિરાજ રણછોડરાય ભગવાનને બુકનીનો થાળ ધરાવવામાં આવશે. જેમાં સૂંઢ, ગંઠોડા નાંખીને તૈયાર કરાયેલ શીરાનો ભોગ ભગવાનને ધરાવાશે. રાત્રે ૧૨ વાગે કૃષ્ણ જન્મોત્સવ થયા બાદ ભગવાનને દૂધ, દહી, ખાંડ, ઘી, મધ અને કેસરથી શ્રીગોપાલ લાલજીને સ્નાન કરાવવામાં આવશે.
સ્નાનવિધી બાદ ગોપાલલાલજીને કેસર ચંદનની અર્ચના કરીને ચાંદીના પારણામાં બિરાજીત કરવામાં આવશે. ચાંદીના પારણામાં બેઠેલા શ્રીગોપાલલાલજીને ઝૂલાવવા માટે હરિભક્તો તત્પર બન્યા છે અને પ્રભુને પારણાંમાં ઝૂલતા જોવાનો દર્શનનો લાભ અનેરો છે. બ્રહ્નપુરાણમાં કહ્યું છે કે, શ્રીગોપાલલાલજીને પારણે ઝૂલતાં અને ઝૂલાવતાં નિહાળવા-દર્શન કરવાની પ્રાપ્તિ જેને પણ થાય છે તેને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તેમ કહેવાયું છે. જેથી શ્રધ્ધાળુભક્તો શ્રીગોપાલલાલજીને પારણે ઝૂલતાં જોવા ઉમટી પડે છે.
પ્રભુને દહી અને માખણથી વધાવાશે
પ્રભુ જન્મ થતાં જ ડાકોરના મંદિરમાં ભક્તો પ્રભુપ્રેમમાં પાગલ બની જાય છે. નંદ ઘેર આનંદ ભયો ના ગગનભેદી નાદથી મંદિર ગાજી ઉઠે છે. ત્યારબાદ સેવક ભાઈઓ દ્વારા પ્રભુની વધામણી નિમિત્તે મંદિરમાં દહી અને માખણની ભારે રસછોળ ઉડે છે. અને આ પ્રસાદ લેવા માટે પણ સૌ હરખ ઘેલા ભક્તો દોડાદોડી કરી મૂકે છે. આ ર્દશ્ય નિહાળવાનો પણ અનેરો લ્હાવો છે.
ડાકોરમાં પોલીસ બંદોબસ્ત
યાત્રાધામ ડાકોરમાં ગુરૂવારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક નાયબ પોલીસ અધિક્ષક, બે પોલીસ ઈન્સ્પેકટર, ૧૦ પોલીસ સબ ઈન્સ્પેકટર, ૧૧૫ પોલીસ કોન્સ્ટેબલો, ૧૩ લેડીઝ પોલીસ અને ર્બોડર વીંગની ૧ પ્લાટુન દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.