આળસ - દાહોદ જિલ્લાના એડધો ડઝન શાખા અધિકારીઓના જુના નામો ચાલે છે : વાર્ષિક અહેવાલો પણ બે વર્ષ જુના
તાલુકાઓની માહિતીઓમાં ઢગલાબંધ ભૂલો : યોજનાની માહિતી પણ પૂરતી નથી દાહોદ જિલ્લા પંચાયતે પણ તમામ સરકારી વિભાગો માફક પોતાની વેબસાઇટ બનાવી છે. હાલમાં જો આ વેબસાઇટ જોઇએ તો ઘણી બધી વિગતો છેલ્લા બે વર્ષથી અપડેટ કરવામાં આવી જ નથી. કેટલાયે અધિકારીઓના નામ ખોટા છે તો યોજનોની પણ પૂરતી માહિતી નથી.
દાહોદ જિલ્લા પંચાયત કચેરી તેમજ તાબાની કચેરીઓની રજે રજ માહિતી ઓન લાઇન મળી રહે તે માટે વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. હાલમાં આ વેબસાઇટ જોઇએ તો ઢંગધડા વગરની લાગે છે. કારણ કે જિલ્લા પંચાયતના જ અડધો ડઝન વહીવટી અધિકારીઓના જુના નામો ચાલે છે. જેમાં ડી.આર.ડી.એ. નિયામક, કાર્યપાલક ઇજનેર, ખેતીવાડી અધિકારી, આરસીએચઓ, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર અને જિલ્લા મલેરિયા અધિકારીનો સમાવેશ થાય છે.
દાહોદ તાલુકા પંચાયતના મુખ્ય પાના પર જુના ટીડીઓનો ફોટો અને યાદીમાં નવા ટીડીઓનું નામ છે. તાલુકા કેળવણી નિરીક્ષકનું નામ પણ જુનુ છે. વાર્ષિક અહેવાલો પણ ઓક્ટોબર ૨૦૦૮ સુધીના જ છે. ઝાલોદ તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ.નો ફોટો નથી અને નામ પણ જુના અધિકારીનું છે. ધાનપુરના પેજમાં પણ શાખા અધિકારીઓમાં માત્ર ટી.ડી.ઓ.નું નામ છે.
બારિયામાં પણ માત્ર ત્રણ અધિકારીઓના જ નામ છે. ફતેપુરાના હોમ પેજ પર હાલના ટીડીઓનો ફોટો છે પણ અધિકારીઓની યાદીમાં માત્ર ટીડીઓનું નામ છે તે પણ બે વર્ષ જુના અધિકારીનું. બીજી તરફ જિલ્લા પંચાયતની વેબસાઇટનું મુખ્ય પાનું ૧૬ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું. ત્યારે બાકીની માહિતી અપડેટ કરવામાં આવી નથી તે સંશોધનનો વિષય છે.
શાખા અધિકારીઓ માહિતી આપતા નથી
વેબસાઇટમાં અધુરી અને જુની માહિતી બાબતે આંકડા અધિકારીએ જણાવ્યું હતું કે જે તે શાખા અધિકારીઓને માહિતી મોકલવા માટેના ફોર્મેટ આપેલા છે. તેમ છતાં કોઇ પણ અધિકારી તેને ગંભીરતાથી લઇ સમયસર માહિતી આપતા નથી. જેથી શાખા અધિકારીઓની આગામી માસિક બેઠકમાં આ મુદ્દો લઇ તેના વિશે સૂચના આપવામાં આવશે.જેએ નાણાવટી, આંકડા અધિકારી
જિલ્લા પંચાયતમાં માત્ર બે જ યોજના ?!
દાહોદ જિલ્લા પંચાયત દ્વારા ચાલતી યોજનાઓનું ફોલ્ડર ખોલતાં જ આશ્ચર્ય થાય છે કારણ કે અબજો રૂપિયાની વિકાસ લક્ષી યોજનાઓ હોવા છતાં વેબસાઇટમાં માત્ર સરદાર આવાસ યોજના અને ટીએસપી આવાસ યોજનાની જ નોંધ કરવામાં આવી છે.