રેસર બાઇક, સૂમસામ રોડ અને ટોપ સ્પીડનો યુવાનોમાં વધતો ક્રેઝ ક્યારેક જીવલેણ બને છે. શિવરંજની ઓવરબ્રિજ પર નવયુવાનના અકાળે મોત પછી અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. શહેરના માર્ગો આ માટે અનુકૂળ છે કે નહીં તેના કરતાં પણ વધુ મહત્વનો મુદ્દો બેકાબૂ સ્પીડને કંટ્રોલમાં કરવા જેટલો અનુભવ બાઇકર્સ પાસે છે કે નહીં તેનો છે.
માર્ગ પર બાઇકર્સ વચ્ચે આગળી નીકળી જવાની રેસ ક્યારેક મોતની રેસ સમાન બની જાય છે. બેકાબૂ બાઇકર્સના કારણે અન્યને ઊભું થતું જોખમ પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ સંજોગોમાં રેસર બાઇકની વધતી બોલબાલા જોતાં આરટીઓમાં પાવર બાઇક ચલાવવાનો અલગ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવો પડે તે જ આ કરુણ ઘટનાનો બોધપાઠ છે.
યંગસ્ટર્સમાં હાઇસ્પીડ બાઇકિંગનો જબરદસ્ત ક્રેઝ છે. હવા સાથે વાતો કરતી વાયઝેડએફઆર-૧ કે પછી હોન્ડા સીબી ૬૦૦ અને ૧૦૦૦ જેવાં બાઇક હંકારવાં તેમને ગમે છે, પરંતુ શું આપણા રોડ હાઇસ્પીડ બાઇકિંગ માટે અનુકૂળ છે? તે એક મોટો પ્રશ્ન છે. પ્રતિકલાકે ૨૯૦ કિ.મી.ની ટોપ સ્પીડ ધરાવતાં આ બાઇક હંકારવા માટે મોડી રાતના સૂમસામ રસ્તા કરતાં અનુભવની જરૂર વધારે હોય છે. એક્સીલેટર આપવામાં નાની સરખી ગફલત જીવનું જોખમ બની શકે છે.
શિવરંજની ઓવરબ્રિજ ખાતે આવા જ હાઇસ્પીડ બાઇક સીબીઆર ૬૦૦ પરથી ફંગોળાયેલા યાસેર અને મોજીબખાનને પણ આવી જ કોઈ ગફલત નડી હશે. એક સારા મોડલ બનવાની લાયકાત ધરાવતા યાસેરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે મોજીબ પર સોમવારે સાંજે ચાર ચાર શસ્ત્રક્રિયા કરવામાં આવી છે, તે હાલમાં પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. મોજીબ જ્યાં સુધી ભાનમાં નહીં આવે ત્યાં સુધી અકસ્માત કેવી રીતે થયો તે રહસ્ય બની રહેશે તેવું પોલીસ માની રહી છે. બ્રિજની રેલિંગ પર પડેલા લીસોટા યાસેરે કાબૂ ગુમાવ્યો હોવાની વાતને સમર્થન આપે છે.
બાઇક્સના નિષ્ણાત કહે છે કે, આ મોંઘાદાટ બાઇક્સની બ્રેકિંગ સિસ્ટમ ખૂબ જ સારી હોય છે. હાઇસ્પીડ ઉપર પણ સિન્ક્રોનાઇઝ્ડ લગાવવાથી બાઇક સ્લીપ થયા વગર રોડ પર જ ચોંટી જાય છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે યાસેરનું બાઇક સોલિડ બ્રેકિંગના કારણે સ્લીપ નથી થયું.
કેવી રીતે હંકારવાં જોઈએ હાઇસ્પીડ બાઇક..!
૬૦૦ કે ૧૦૦૦ સીસીના પાવર બાઇકો હંકારતા પહેલાં ૨૫૦ સીસીનાં બાઇકો પર અનુભવ મેળવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે સામાન્ય બાઇક પરથી હાઇસ્પીડ બાઇક પર શિફ્ટ થતી વખતે તેના ટોર્કની જાણકારી મોટા ભાગના ચાલકોને હોતી નથી, જેના કારણે અકસ્માત સર્જાય છે.
સ્પીડ બાઇકિંગની સુરક્ષા જરૂરી
સ્પીડ બાઇકિંગ કરતા પહેલાં સારી ગુણવત્તાની હેલ્મેટ, હેન્ડ ગ્લોવ્ઝ, ની કેપ, એન્કલ શૂઝ, રાઇડિંગ જેકેટ પહેરવું અત્યંત જરૂરી છે. આ સાધનો વગર બાઇક હંકારવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે.
શહેરમાં કઈ કઈ પાવર બાઇક પ્રચલિત
YZFR-1
યામાહાનું આ બાઇક ૯૯૮ સીસીનું સિક્સ સ્પીડ બાઇક છે. ભારતીય બજારમાં R ૧૧. ૫ લાખનું આ બાઇક પ્રતિકલાક ૨૬૦ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. જાહેર રસ્તાઓ પર ટોપ સ્પીડમાં હંકારવું જોખમકારક સાબિત થઈ શકે છે.
હાયાબુસા ૧૩૪૦ સીસી
રૂ. ૧૩.૧૦ લાખનું આ બાઇક માત્ર ૨.૬ સેકન્ડમાં ૧૦૦ કિ.મી.ની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૩૦૦ કિ.મી.થી વધુ છે.
હોન્ડા સીબી ૧૦૦૦ આર
૯૯૮ સીસીનું આ બાઇક ૬ સ્પીડનું છે અને કલાકે ૨૮૮ કિ.મી. કરતાં વધુની ઝડપથી દોડી શકે છે. ભારતીય બજારમાં R ૧૧ લાખથી માંડીને ૧૨ લાખ સુધીમાં મળે છે.
હોન્ડા સીબી ૬૦૦ આર
૫૯૯ સીસીના બાઇકમાં ૬ ગિયર છે. R ૭ લાખથી ૮ લાખની કિંમતના આ બાઇકની ઝડપ પ્રતિકલાક ૧૮૦ કિ.મી.થી ૨૦૦ની છે.
ડુકાતી ૭૫૦ અને ૮૦૦
ડુકાતી ૭૫૦ અને ૮૦૦ : ગુજરાતમાં ડુકાતીના ૭૫૦ સીસી અને ૭૯૬ સીસીનાં મોડલોનો ક્રેઝ છે. R ૮ લાખથી ૨૪ લાખની કિંમતના આ બાઇકનો હાલમાં ક્રેઝ વધ્યો છે. ડુકાતી તેના આગવા દેખાવને કારણે એપિયરન્સના કારણે યુવકોમાં ફેવરિટ છે.
અમદાવાદમાં પાવર બાઇકની પણ ક્લબ
પાવર બાઇક ધરાવતા શહેરના કેટલાક યુવકોએ ક્લબ બનાવી છે. સમયાંતરે આ યુવકો પોતાના પાવર પેકડ બાઇક લઈને લાંબી ટૂર પર જાય છે. જો કે આ ક્લબની ખાસિયત એ છે કે અન્ય છેલબટાઉ યુવકોની જેમ તેઓ શહેરના રસ્તાને ધમરોળતા નથી.
નાનો પથ્થર પણ જોખમી
આપણા રસ્તા ભલે સપાટ હોય પણ તે હાઇસ્પીડ બાઇકિંગ માટે અનુકૂળ નથી. સૂમસામ રસ્તા ઉપર પડેલો નાનો સરખો પથ્થર પણ બાઇકને ગડથોલિયાં ખવડાવી શકે છે, માટે શહેરના રસ્તા પર પૂર ઝડપે બાઇક ચલાવવાની સલાહ નિષ્ણાતો આપતા નથી.