રાજ્ય સરકારે ગાંધીનગરનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તેવા આયોજનો હાથ ધર્યા છે. પરંતુ ચાર તાલુકા હોવા છતાં જિલ્લાની જેલ જ નથી. સેકટર-૧૧માં આવેલા જિલ્લા ન્યાયાલયની સામે જ હાઇટેક જેલ બનાવવા માટે તત્કાલીન જિલ્લા પોલીસ વડાએ દરખાસ્ત પણ કરી હતી. પરંતુ આ દરખાસ્તને ૬ વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં આ દરખાસ્તનો ઉકેલ આવ્યો નથી.
રાજ્યની વિવિધ જેલો જુદા જુદા ગુનાના કેદીઓથી ઉભરાઇ રહી છે. જેલોમાં ખૂંખાર કેદીઓને બેડી-સાંકળ પહેરાવીને રખાય છે. તેઓને કોર્ટમાં મુદતે લાવવા લઇ જવામાં ખૂબ તકલીફ પડે છે. તેથી કેટલીક જેલોમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કેસો ચલાવવાની સુવિધા ઉભી કરાઇ છે. આ જેલોમાં નાના-મોટા ગુનાના અને ગંભીર ગુનાના આરોપીઓ પણ મોટી સંખ્યામાં છે.રાજ્યના તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહે બે વર્ષ પહેલા જેલો અને કેદીઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. પરંતુ હજી સુધી જિલ્લાની જેલ બનાવવાનો કોઇ નિર્ણય લેવાયો નથી.
તત્કાલીન પોલીસ વડા રાજેન્દ્ર બ્રહ્મભટે સેકટર-૧૧માં આવેલા જિલ્લા કોર્ટની સામે જ જિલ્લાની જેલ બનાવવા માટે ૬ વર્ષ પહેલા દરખાસ્ત કરી હતી પરંતુ આ દરખાસ્તને ગૃહ વિભાગમાં અભેરાઇએ ચઢી ગઇ છે.ગાંધીનગર કોર્ટમાં આરોપીને અન્ય જિલ્લાઓમાં આવેલી જેલોમાંથી લાવવા-લઇ જવા માટે મોટો પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે. જો જિલ્લા કોર્ટની સામે જ જિલ્લા જેલ હોય તો પોલીસ બંદોબસ્ત પણ ઓછો વપરાય અને વાહન લાવવા-લઇ જવાની સુવિધા પણ બંધ થઇ જાય તેનાથી સરકારને પણ મોટો ફાયદો થાય.જિલ્લાની પોલીસને કોઇપણ આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલ મૂકવા જવું પડે છે તે પણ બંધ થઇ જાય.