કોર્પોરેશનની આવક વધારવા માટે હોર્ડિંગ્સ, બેનર માટે જગ્યા ભાડે આપવા સૂચન
ગાંધીનગરના વિકાસ અને નગરજનોની સુધિવાઓ વધારવા માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા મહાનગરપાલિકામાં ટેક્સ ફ્રી બોન્ડ બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે. સ્થાયી સમિતિએ આ અંગે જરૂરી કાર્યવાહી સાથે બોન્ડનું માળખુ તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનરને સૂચન કર્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાનું પ્રથમ અંદાજપત્ર તાજેતરમાં રજૂ કરાયું હતું. મ્યુનિસપિલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ રૂ.૩.૪૨ કરોડના સુધારા સૂચવ્યા છે. સ્થાયી સમિતિએ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના અંદાજપત્ર સંબંધિ આવક વધારવા અંગેના કેટલાક સૂચનો પણ કર્યા છે.
આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રવીણ પટેલે કહ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલમાં નજીવી આવક છે તેની સામે રાજ્ય સરકાર દ્વારા મહત્વની ગ્રાન્ટસ અને યોજનાઓમાં ગાંધીનગર મનપાનો સમાવેશ કરાયો નથી. આગામી વર્ષોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારે મહત્વના વિભાગો અને સેવાઓ સુપરત કરવી પડશે. જેના કારણે પાણી, રસ્તા, ગટર વ્યવસ્થા, શિક્ષણ સહિતની સુવિધાઓ પૂરી પાડવા માટે નાણા ભંડોળની આવશ્યકતા ઊભી થશે.
આ માટે ભવિષ્યના કેપિટલ ભંડોળની જરૂરિયાત માટે ટેક્સ-ફ્રી બોન્ડ બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે. આ માટે મ્યુનિસપિલ કમિશનરને સૂચન કરવામાં આવ્યું છે. જોકે, કેટલી રકમના અને કેટલી સમયમર્યાદા માટેના ટેક્સ-ફ્રી બોન્ડ બહાર પાડવા તે અંગેનું માળખું નક્કી કરવાની કાર્યવાહી હવે પછી કરાશે. ટેક્સ-ફ્રી બોન્ડ બહાર પાડવા માટે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનની ફોમ્યુંલાને અનુસરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત મનપાની આવક વધારવા માટે અન્ય સૂચનો પણ કરવામાં આવ્યા છે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, મનપાના વિસ્તારની પ્રાઇમ લોકેશનવાળા સ્થળો, માર્ગો તથા સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પરની જગ્યાઓ જાહેરાત માટે ભાડે આપી આવક વધારી શકાય છે. હોર્ડિંગ્સ, બેનર્સ, સાઇન બોડર્સ માટે આ જગ્યાઓ ભાડે આપીને આવક ઊભી કરી શકાય તેમ છે. સ્થાયી સમિતિએ આ અંગે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સૂચન કર્યું છે.
ઓક્ટ્રોયની ગ્રાન્ટ પેટે રાજ્ય સરકારે ગાંધીનગર મનપાને રૂ.૧૧ કરોડ ફાળવ્યા છે. રાજ્ય સરકારની વેટની આવકમાં વધારો અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૧ કરોડથી વધારીને રૂ.૧૫ કોરડ આપવા માટે સરકારને રજૂઆત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં મનપામાં સમાવિષ્ટ શહેરી વિસ્તાર અને ગામોના રસ્તાની સફાઇ માટે આઉટ સોર્સિંગથી કામ કરાવવા સૂચન કરાયું છે.
નગરમાં જાહેર શૌચાલય બનાવવા માટેનું આયોજન કરવા માટે જમીન મેળવવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવા મ્યુનિસિપલ કમિશનરને સ્થાયી સમિતિએ સૂચન કર્યું છે. આમ સ્થાયી સમિતિએ છ જેટલા મહત્વના સૂચનો મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણને કર્યા છે.