Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

માલેગાંવ-મોડાસા બ્લાસ્ટના તાર જોડાયા

 
Source: Suketu Shah, Ahmedabad   |   Last Updated 2:56 AM [IST](17/08/2010)
 
 
 
 
 
મોડાસા બ્લાસ્ટની તપાસમાં માલેગાંવ કેસના આરોપીઓની પૂછપરછ માટે એનઆઈએ દ્વારા ‘મકોકા’ કોર્ટની મંજુરી લેવામાં આવી

એક દિવસમાં બે બ્લાસ્ટ

એક જ દિવસે મહારાષ્ટ્ર-માલેગાંવ અને ગુજરાત-મોડાસામાં થયેલા બ્લાસ્ટ પાછળ હિંદુ કટ્ટરપંથીઓનું એક જ જુથ જવાબદાર હોવાની માન્યતાના આધારે એનઆઈએની ટુકડીએ તપાસ શરૂ કરી

એક કેસમાં ૦ આરોપી માલેગાંવ બ્લાસ્ટમાં ૧૧ આરોપીઓની ધરપકડ, પરંતુ મોડાસા કેસમાં એક પણ આરોપીની ધરપકડ થઈ નથી


માલેગાંવ અને મોડાસા બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમને મોડાસા બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઇ હોવાનું ‘ડીબી ગોલ્ડ’ના ધ્યાનમાં આવ્યું છે.

એનઆઇએની ટીમે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા)ની સ્પેશિયલ કોર્ટ સમક્ષ ૪થી ઓગસ્ટે એક અરજી કરીને માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા તમામ ૧૧ આરોપીઓની પૂછપરછ મોડાસા બ્લાસ્ટ કેસ સંદર્ભે હાથ ધરવાની મંજુરી આપવા વિનંતી કરી. આ વિનંતીને આ કોર્ટના સ્પેશિયલ જજ વાય.બી. શિંદે ગ્રાહ્ય રાખી છે. આ ઘટના બાદ આગામી દિવસોમાં મોડાસા બ્લાસ્ટ કેસની ગુત્થી પણ ઉકેલાય તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૯ સપ્ટેમ્બર ર૦૦૮ના રોજ મોડાસાની સુખબજાર વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં આજદિન સુધી કોઇની પણ ધરપકડ થઇ નથી. આ અગાઉ મોડાસાના મુસ્લિમ વસ્તી ઘનતા ધરાવતા વિસ્તારમાં થયેલી આ ઘટનાની પ્રારંભિક તપાસ ગુજરાત પોલીસે હાથ ધરી હતી.

જોકે, લાંબા સમય સુધી આ કેસમાં કોઇ પણ જાતની કડીઓ ન મળવા કે આરોપીની ધરપકડ ન થતાં, આખરે કેન્દ્ર સરકારના આદેશથી આ તપાસ જુલાઇ ર૦૦૯માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવી હતી. એનઆઇએના ડીઆઇજી આર પી મીનાના વડપણ હેઠળ આ કેસની તપાસ આઇજી (ઇન્વેસ્ટિગેશન) સંજીવકુમારસિંહકરી રહ્યા છે. આ પૂર્વે એસીપી કે કે મૈસૂરવાલા આ કેસની તપાસની તમામ દસ્તાવેજો એનઆઇએને સુપરત કરી ચૂક્યા છે.

૧૧ આરોપીઓની તપાસ શરૂ

માલેગાંવ બ્લાસ્ટ કેસના ૧૧ આરોપીઓ આ મુજબ છે:


સાધ્વી પ્રજ્ઞા ચંદ્રપાલસિંહઠાકુર ઉર્ફે પૂર્ણા ચેતનાનંદગિરી, શ્યામલાલ સાહુ, શિવનારાયણસિંહકાલસંગરાહ, સમીર કુલકર્ણી, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહીરકર, રાકેશ ધવાડે, જગદીશ મહાત્રે, દયાનંદ પાંડે, લેફટનન્ટ કર્નલ પ્રસાદ એસ. પુરોહિત, સુધાકર ચતુર્વેદી

શા માટે આ ૧૧ની તપાસ?

૨૯ સપ્ટેમ્બર, ર૦૦૮ના રોજ માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટે છ વ્યક્તિઓના જીવ લીધા હતા અને ૨૦ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાના મુખ્ય ષડયંત્રકાર તરીકે દયાનંદ પાંડે ઉર્ફે સુધાકર દ્વિવેદીનું નામ બહાર આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના રહેવાસી દ્વિવેદીના ત્રણ લેપટોપમાંથી એનઆઇએને મોડાસાની કેટલીક વિગતો અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત બ્લાસ્ટના સમયગાળા દરમિયાન મોડાસા અને માલેગાંવ વચ્ચે મોબાઈલ પર થયેલી વાતચીતની વિગતો પણ એનઆઈએને મળી છે. જેને જોતાં બંને બ્લાસ્ટના તાર ક્યાંક મળતા હોવાની આશંકા પ્રબળ બને છે.

મોડાસા બ્લાસ્ટ કેસ : વિહંગાવલોકન

૨૯ સપ્ટેમ્બર ર૦૦૮ની ઢળતી સાંજે મોડાસાના સુકા બજાર વિસ્તારમાં ઓછી તીવ્રતાવાળા બોમ્બનો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧પ વર્ષના એક કિશોર સહિત બેના મૃત્યુ નિપજ્યા હતા અને ૧૬ વ્યક્તિ ઘાયલ થયા હતા. રમઝાન માસના પ્રારંભે જ મુસ્લિમ ગીચતા ધરાવતા વિસ્તારમાં થયેલા આ બ્લાસ્ટમાં મોટરસાયકલ પર બોમ્બ બાંધવામાં આવ્યા હતા.

બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ મોડાસા પોલીસસ્ટેશનની બહાર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આ બાઇકની નંબર પ્લેટ તથા ચેસિઝ નંબર પણ મળ્યા નહોતા. આ કેસની પોલીસ તપાસમાં લાંબા સમય સુધી કોઇ કડીઓ ન મળતાં આખરે કેન્દ્ર સરકારના આદેશથી આ મામલો એનએઆઇ ટીમને જુલાઇ ર૦૦૯માં સોંપી દેવામાં આવ્યો હતો. ૧૮ જુલાઇના રોજ એનઆઇએના આઇજી સંજીવકુમાર સિંહે મોડાસાની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની વિડીયોગ્રાફી નિહાળી હતી.

માલેગાંવ, મોડાસાથી મક્કા મસ્જિદ?

૧૮મી જુલાઇ, ૨૦૧૦ના રોજ મોડાસાની મુલાકાત બાદ આ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી એનઆઇએની ટીમના વરિષ્ઠ સદસ્યો - આઇજી સંજીવકુમારસિંહઅને ડીઆઇજી આર. પી. મીનાએ ૧૯મી જુલાઇએ હેદ્રાબાદની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત પાછળનો તેમનો હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે ચળવળકારીઓ દેવેન્દ્ર ગુપ્તા અને લોકેશ શર્માની તપાસ કરવાનો હતો.

આ બંને હૈદ્રાબાદની મક્કા મસ્જિદમાં થયેલા હુમલાના પ્રકરણમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તપાસ એજન્સીઓ એવું માની રહી છે કે માલેગાંવ, મોડાસા અજમેરની પ્રસિદ્ધ હઝરત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ તેમ જ મક્કા મસ્જિદ પાસે થયેલા હુમલા ઘટનામાં હિન્દુ કટ્ટરપંથી સંગઠનનો હાથ હોઇ શકે છે.

દેવેન્દ્ર ગુપ્તા અને લોકેશ શર્માની ધરપકડ સીબીઆઈએ અજમેર બ્લાસ્ટ કેસમાં કરી હતી. આ બંનેને અજમેરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પૂછપરછ માટે હૈદ્રાબાદ લાવવામાં આવ્યા હતા. આમ, મુસ્લિમ વિસ્તારોમાં બ્લાસ્ટના પ્રકરણો પરસ્પર સંકળાયેલા હોવાની માન્યતાના આધારે એનઆઈએ તપાસ હાથ ધરી રહી છે.

મોડાસા અને માલેગાંવ : આ રહી સામ્યતા

મોડાસા તેમ જ માલેગાંવમાં થયેલા બ્લાસ્ટની ઘટના એક જ દિવસે એટલે કે ૨૯ સપ્ટેમ્બર, ર૦૦૮ના દિવસે જ બની હતી.

આ બંને કિસ્સામાં મોટરસાયકલનો ઉપયોગ થયો હતો અને બંને બ્લાસ્ટને અંજામ આપવા માટે ટાઇમર ડિવાઇસની મદદ લેવાઈ હતી.

બંને ઘટનાઓ મુસ્લિમ ગીચતાવાળા વિસ્તારોમાં રમઝાન માસ શરૂ થવાના દિવસો અગાઉ થયા હતા. આ ઉપરાંત બંને સ્થળે થયેલા બોમ્બ બ્લાસ્ટ ઓછી તીવ્રતાવાળા હતા.

આ તમામ સામ્યતાઓને ધ્યાને રાખી હિન્દુ ઉગ્રતાવાદી સંગઠનોની આ કેસોમાં સામેલગીરીને અનુલક્ષીને એનઆઇએએ માલેગાંવ બ્લાસ્ટ કેસની તમામ આરોપીઓની તપાસ મોડાસા બ્લાસ્ટ કેસમાં કરવાનું મુનાસબિ માન્યું હોય તેવું બને.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.