આજે ઠાકોર સમાજની આલમપુરમાં નિર્ણાયક બેઠક
સાંસદ જગદીશ ઠાકોર અને મોઢવાડીયા આ મુદ્દે દિલ્હીમાં બેઠક કરશે
પક્ષમાં અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે સામૂહિક રાજીનામાં આપનારા ઠાકોર જૂથના સભ્યોને મનાવી લેવામાં જિલ્લા કોંગ્રેસના મોવડીઓ બીજા દિવસે પણ નિષ્ફળ નિવડયા છે. શુક્રવારે આલમપુરમાં ઠાકોર સમાજની મળનારી બેઠક નિર્ણાયક બને તેવી શકયતા છે. જોકે, સાંસદ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રસના પ્રમુખ અર્જુન મોઢવાડીયા વચ્ચે દિલ્હીમાં બંધ બારણે થનારી ચર્ચામાં આ પ્રકરણમાં કેવો વળાંક આવે છે તેની પર મીટ મંડાઇ છે.
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના મોવડીઓની ઠાકોર જૂથ પ્રત્યેની ઉપેક્ષિત નીતિથી ઠાકોર સમાજમાં ફેલાયેલો રોષ ઠંડો પાડવા માટે બે દિવસથી વાટાઘાટો અને સમાધાનકારી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આમ છતાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદેથી રાજીનામા ધરી દેનારા સભ્યો અડગ રહ્યાં છે. ઠાકોર સમાજને થઇ રહેલા સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રે થતા અન્યાય સામે લડત ચલાવવા માટે શુક્રવારે આલમપુરમાં બેઠક યોજાઇ રહી છે.
આ બેઠકમાં સામૂહિક રાજીનામા આપ્યા પછીની આગળની રણનીતિ ઘડવામાં આવે તેવી શકયતા સૂત્રો વ્યકત કરી રહ્યાં છે. જોકે, આ બેઠક સમાજની સમૂહલગ્ન સમિતિની હોવાનું રાજીનામા આપનારા સભ્યોએ કહ્યું હતું. પરંતુ અન્યાય સામે લડત આપવાનો બેઠકનો મુખ્ય એજન્ડા છે ત્યારે સમાજના મોવડીઓ અને અગ્રણીઓ આ મુદ્દે પણ માર્ગદર્શન આપે કે, આગળની રણનીતિ ઘડે તેવી શકયતા વચ્ચે આલમપુરની બેઠક નિર્ણાયક બનીર હે તેમ છે. ઠાકોર સમાજ અને જિલ્લા કોંગ્રેસના મોવડીઓ પણ આ મિટીંગ પર મીટ માંડીને બેઠા છે.
નારાજ સભ્યોને મનાવી લેવાના જિલ્લા કોંગ્રેસના બે દિવસના પ્રયત્નો નિરર્થક રહ્યાં હોવાનું સમાજના સભ્યો દાવો કરી રહ્યાં છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો.સી.જે.ચાવડાએ સમાધાનકારી વાટાઘાટો ચાલુ જ હોવાનું જણાવ્યું હતું. વધુમાં તમામ સભ્યોના રાજીનામા નામંજૂર કરાયા હોવાની સાથે પાછા ખેંચી લેવાનો આદેશ પણ જિલ્લા કક્ષાએથી કરાયો છે. જ્યારે આવા કોઇ હુકમો થયા ન હોવાનો દાવો સભ્યો કરી રહ્યાં છે.
ઠાકોર સમાજના અગ્રણી અને દહેગામના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને પૂછતા તેમણે કહ્યું હતું કે, તેમણે અર્જુન મોઢવાડીયાને આ સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા છે. શુક્રવારે એક તરફ સમાજની નિર્ણાયક બેઠક મળી રહી છે. પરંતુ અગ્રણી જગદીશ ઠાકોર ગેરહાજર હશે. શુક્રવારે દિલ્હીમાં એક સમિતિની બેઠક માટે જગદીશ ઠાકોર દિલ્હી જશે. આ જ દિવસે અર્જુન મોઢવાડીયા પણ દિલ્હી જવાના છે. ઠાકોર વધુમાં કહ્યું હતું કે, મોઢવાડીયા સાથે દિલ્હીમાં જ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.
શુક્રવારની આલમપુરની બેઠક અને સમાજના અગ્રણી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે દિલ્હીમાં મળનારી બેઠક બાદ ઠાકોર જૂથની આગામી નીતિ સ્પષ્ટ થશે. અરવિંદસિંહ સોલંકીએ કહ્યું હતું કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો.સી.જે.ચાવડાએ આગામી સમયમાં ઠાકોર સમાજને ન્યાય અપાવવાની ખાતરી આપી છે. પરંતુ સમાજના અગ્રણીનો આદેશને જ અનુસરવાનો નિર્ણય તમામ સભ્યોએ કર્યો છે.
ભંગાણનું કારણ બનેલી કારોબારી સમિતિના અધ્યક્ષ આજે હોદ્દો સંભાળશે
ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષપદના મુદ્દે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડયું છે અને સમાધાન માટેના પ્રયાસો ચાલી રહ્યો છે ત્યારે આ સમિતિના નવનિયુકત અધ્યક્ષ શુક્રવારે હોદ્દો સંભાળશે.કારોબારી સમિતિના અધ્યક્ષપદે ઠાકોર જૂથના સભ્યને છેલ્લી ઘડીએ પડતા મૂકી ક્ષત્રિયની નિમણૂક કરી દેતા ઠાકોર સમાજ લાલઘૂમ થયો છે. સમિતિના અધ્યક્ષ તરીકે મંગળવારે વીરેન્દ્રસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ હતી.
પક્ષના મોવડીઓની ઉપેક્ષાથી અકળાયેલા ઠાકોર જૂથના ૧૮ સભ્યે બીજા જ દિવસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાંથી સામૂહિક રાજીનામાં ધરી દીધા છે. જિલ્લા અને પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસના મોવડીઓ નારાજ સભ્યોને મનાવવા દોડધામ કરી રહ્યાં છે. શુક્રવારે એક તરફ ઠાકોર સમાજે મહત્ત્વની બેઠક બોલાવી છે ત્યારે વીરેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે જ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળશે. સામસામે આવી ગયેલા બન્ને જૂથ અને કોંગ્રેસ પક્ષ માટે શુક્રવારનો દિવસ નિર્ણાયક બની રહેશે.