મુંબઈના ચાર એન્જિનિયર્સે પાવર મેનેજમેન્ટ કરતું એન્પાવર નામનું સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેર ૩૦થી ૯૦ ટકા જેટલી વીજળીની બચત કરી આપશે. જ્યારે પણ કર્મચારી પોતાના કમ્પ્યૂટર સામે નહીં હોય ત્યારે તે સેવર મોડ પર જતું રહેશે.
કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓને ખબર નહીં હોય કે, કામ સિવાય પોતે ચાલુ રાખેલા કમ્પ્યૂટરથી કેટલી ઊર્જા વ્યર્થ જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે મુંબઇના ચાર યુવા એન્જિનિયર્સે પાવર મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કર્યું છે. ‘એન્પાવર’નામનું સોફ્ટવેર કર્મચારી કમ્પ્યૂટર સામે નહીં હોય ત્યારે આપમેળે સેવર મોડ પર અથવા બંધ થઇ જશે. આમ, આ સોફ્ટવેરથી ૩૦થી ૯૦ ટકા વીજળી બચી શકશે.
આઇઆઇએમ-એનાં સેન્ટર ફોર ઇનોવેશન ઇન્કયુબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ-સીઆઇઆઇઇના સહકારથી શરૂ થયેલા સ્ટાર્ટ અપ ક્રિયેટિવ રાયટ દ્વારા પીસી પાવર મેનેજમેન્ટને લગતી કેટલીક રસપ્રદ પ્રોડકટ્સ બનાવાઇ છે. મુંબઇ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ભણનારા વિદ્યાર્થીઓ નોએલ સિકવેરા, સમિત સિંઘ, અમિત જ્યોર્જ અને પ્રખર વર્માની ટીમ પોતાના અભ્યાસકાળ દરમિયાન આઇઆઇટી-બોમ્બેની સૌથી મોટી સ્પર્ધા યુરેકામાં ભાગ લેવા ‘એન્પાવર’ સોફ્ટવેર તૈયાર કર્યું જેમાં તેઓ પ્રથમ ક્રમાંકે રહ્યા અને બાદમાં સીઆઇઆઇઇ દ્વારા તેમના પ્રોજેક્ટને ઇન્કયુબેટ કરવામાં આવ્યો.
આ અંગે વિગતો આપતાં ક્રિએટિવ રાયટનાં ચફિ સોફ્ટવેર આર્કિટેકટ સમિત સિંઘે જણાવ્યું કે, ‘ગાર્ટનર-આઇડીસી, માઇક્રોસોફ્ટ અને કલાઇમેટ સેવરના રિપોર્ટ અનુસાર ભારતમાં ૨૦૧૦માં ચાલુ રહી જનારાં પીસી (પસર્નલ કમ્પ્યૂટર્સ)રૂ. ૮૯૦૦ કરોડનો વ્યય કરાવશે. એન્પાવર આ પ્રકારે થતાં બગાડને અટકાવતું સોફ્ટવેર છે.’
એન્પાવરના સંશોધન અંગે સિંઘે જણાવ્યું કે, ‘ઘણી કંપનીઓમાં ઈલેક્ટ્રિસિટી કોસ્ટ ઘટાડવા કર્મચારીઓને પીસી બંધ કરવા માટે સતત સૂચનાઓ અપાતી રહે છે પણ ભાગ્યે જ તેમાં પૂરી સફળતા મળે છે. એન્પાવર સોફ્ટવેર કંપનીના સેન્ટ્રલ સર્વરમાં નાખેલું હોય તો જ્યારે વ્યક્તિ પોતાના પીસી સામે ન હોય તો તરત જ તે સેવર મોડમાં જતું રહે અથવા તો બંધ થઇ જાય. આમ ૩૦ ટકાથી ૯૦ ટકા વીજળી બચી શકે.’
‘એન્પાવર’થી એક કંપનીએ વર્ષે ૪૫ હજાર ડોલરની વીજળી બચાવી
એન્પાવર સોફ્ટવેર ખરીદનાર એક કંપનીમાં કુલ ૪૦૦૦ કમ્પ્યૂટર્સ છે અને હવે તેઓ વીજળીના ખર્ચમાં વર્ષે ૪૫,૦૦૦ ડોલર્સ બચાવી રહ્યા છે. સિંઘે કહ્યું કે, ‘પ્રતિ ૨૫૦૦ પીસી માટે જો એન્પાવર વપરાય તો તે કંપની વર્ષે ૪૩,૩૦૦ યુએસ ડોલર્સ બચાવી શકે. આ બચત ૨૮૦ ટન કાર્બન એમિશન ઘટાડવા બરાબર, ૪૦ ઘરમાં અપાતી વીજળી અનુસાર, ૯૨ એકરમાં વૃક્ષો ઉગાડવા સમાન અને ૪,૩૩,૦૦૦ કિલો વોટ ઊર્જા બચાવવાને સમાન છે.
ક્રિએટિવ રાયટ્સ દ્વારા તૈયાર કરાયેલાં અન્ય સોફ્ટવેર્સ
ટાઇમ ટ્રોવ એક પૂર્ણ રીતે ઓટોમેટેડ સોફ્ટવેર છે જે ટાઇમ ટ્રેકિંગ અને પ્રોડિકટવિટી એનાલિસીસ કરે છે. ટીમ અથવા વ્યક્તિગત રીતે ઉત્પાદન ક્ષમતા વધારવામાં આ સોફ્ટવેર મદદરૂપ થાય છે. તે વિગતવાર રિપોર્ટ તૈયાર કરે છે જે બતાવે છે કે કર્મચારીએ તેનો સમય કઇ રીતે ઓફિસમાં ગાળ્યો છે.એનાલિટિકસ એક એવું સોફ્ટવેર છે જે આખી કંપનીની ઊર્જા બચત, ઉપયોગ, નેટવર્ક સ્ટેટ્સ અને પર્યાવરણની ફૂટપ્રિન્ટની વિગતવાર માહિતી મળી શકે છે.