- એસીબીએ ટ્રેપ કરીને રંગેહાથ ઝડપી લીધા, મકાનની અશાંતધારાની પરમિશન માટે R માગ્યા
એક કામ માટે નાગરિક પાસેથી રૂપિયા ૫૦૦ની લાંચ લેનારા કલેક્ટર કચેરીના કલાર્ક તથા નિવૃત્તિ બાદ માનદ્ સેવા આપતાં તલાટી કમ મંત્રીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. નાગરિકે અશાંતધારાની પરમશિન માટે અરજી કરી હતી અને તેના નિકાલ માટે કલાર્કે રૂપિયા માગ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુર વિસ્તારના એક સિટી સર્વે નંબરના મકાનની અશાંત ધારાની પરમશિન મેળવવા માટે આસીફ ભાઇ યાકુબભાઇ વડનગરવાળાએ સિટી કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી .ઘણા સમયથી અરજીનો નિકાલ ના થતાં તેમણે કલેક્ટર કચેરીમાં જઇને તપાસ કરી હતી.
આ સમયે તે કચેરીના કલાર્ક પ્રવીણભાઇ મધુભાઇ ધાનાણી (એ,૫,કૃષ્ણનગર સોસાયટી,ઇન્ડિયા કોલોની ,બાપુનગર)ને મળ્યા હતા. પ્રવીણે તેમને કહ્યું હતું કે, બાજુમાં બેઠેલા દશરથ દેવીદાસ પટેલ (૬,સિદ્ધિ વિનાયક સોસાયટી ,ઘાટલોડિયા)ને ૫૦૦ રૂપિયા આપી દેશો એટલે તમારું કામ થઇ જશે.
જો કે એ સમયે આસીફભાઈ બહાનું બતાવી ત્યાંથી જતા રહ્યા. બાદમાં તેમણે એસીબીને જાણ કરી. જેથી એસેબીએ શુક્રવારે બપોર પછી છટકું ગોઠવ્યું હતું. ત્યારબાદ આસીફભાઈ કચેરીમાં ગયા હતા અને તેમણે લાંચ માગનારાને ૫૦૦ રૂપિયા આપ્યા હતા. દશરથભાઈએ રૂપિયા લીધા કે તુરંત જ એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીને જાણવા મળ્યું હતું કે, પ્રવીણ ધાનાણી સીધા પોતાના હાથે રૂપિયા સ્વીકારતો નહતો. પરંતુ તેમની બાજુના ટેબલ ઉપર બેસતાં દશરથભાઇને લાંચ આપવા કહેતો હતો. દશરથ પટેલ અગાઉ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃત્તિ બાદ તેઓ માનદ્ સેવા આપતા હતા.