પાટનગરમાં પારો ૬.૨ ડિગ્રી પર : શિયાળાની મોસમમાં પ્રથમવાર મહત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી જેટલું નીચુ નોંધાયું : ફૂંકાતા કાતિલ પવનના કારણે લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કર્યા
ધારણા પ્રમાણે જ પાટનગરમાં નવેસરથી ઠંડીનો દોર શરૂ થયો છે. તાપમાનનો પારો ગગડીને ૬.૨ ડિગ્રી પર પહોંચી ગયો છે. જ્યારે મહત્તમ તાપમાન ચાલુ શિયાળાની મોસમમાં પ્રથમવાર ૨૧.૫ ડિગ્રી જેટલુ નીચુ નોંધાયું હતું. પરિણામે વસાહતીઓએ દિવસભર હાડ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. હજુ કોલ્ડવેવ ચાલુ રહેવાની એંધાણી મળે છે.
છેલ્લા ૧૭ વર્ષથી પાટનગરમાં તાપમાન માપવામાં આવે છે. તેમાં ૨૦૦૮ની સાલમાં રેકોર્ડ બ્રેક ૪.૮ ડિગ્રી ૭મી ફેબ્રુઆરીએ નોંધાઇ હતી. બુધવારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૬.૨ ડિગ્રી અને ગુરુત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી નોંધાયું હતું. ખરા બપોરે પણ તેના કારણે ઠંડી અનુભવાતી હતી. ભૂતકાળમાં ભર શિયાળામાં પણ બપોરે ૨૨ ડિગ્રીની આસપાસ પારો રહેતો હતો.
અમદાવાદથી ગાંધીનગર આવતા અને ગાંધીનગરથી અમદાવાદ જતા સરકારી અને ખાનગી નોકરીયાતો ઠંડીના આ દોરમાં સૌથી વધુ હેરાન થયા હતા. તેના કારણે બન્ને શહેરો વચ્ચે દોડતી એસ.ટી. બસ અને શટલિયા જીપમાં મુસાફરોની સંખ્યા ઘટી ગઈ હતી. દ્વીચક્રી વાહનો પર મુસાફરી કરતા લોકો તો રીતસર ઠુંઠવાઇ ગયા હતાં.
કાતીલ ઠંડીના દોરમાં પાટનગર ઠુંઠવાઈ રહ્યું છે. એક પછી એક દિવસો ઠંડાગાર અનુભવાયા છે. વસાહતીઓ ઠંડીને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. નોકરીયાતો, વ્યાપારીઓ અને વિદ્યાર્થીઓના ટાઈમ શીડ્યુલ ઠંડીના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયા છે. જનજીવન ઠપ્પ થઈ ગયાનું પ્રમાણ શહેરના મુખ્ય માર્ગો પરથી જ મળી આવે છે. વહેલી સવારે અને સાંજ ઢળ્યા પછી રાજમાર્ગો પર પણ ચહલ પહલ ઘટી જાય છે ત્યારે વૃક્ષાછાદિત સેક્ટરોમાં તો રડ્યા ખડ્યા માણસો જ જોવા મળે છે.
કચેરીઓમાં પણ ઠંડી જ ચર્ચાનો વિષય રહી
સરકારી કચેરીઓમાં છેલ્લા થોડા દિવસો દરમિયાન શેરબજાર અને ભારતની ક્રિકેટ ટીમ ચર્ચાનો વિષય બનતી હોય છે પરંતુ મંગળવારે અને બુધવારે કર્મચારીઓ આ મુદ્દાઓને ભૂલી ગયા હતા. ચો તરફ કાતિલ ઠંડીની ચર્ચાઓ જ સાંભળવા મળતી રહી હતી.