ગાંધીનગરના કલોલ તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં ટેન્કરોના ડ્રાઇવર અને ક્લીનર સાથે મિલીભગત કરીને ટેન્કરોમાંથી કિંમતી કેમિકલની ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના પગલે તા.૩૧મીએ રાત્રે ૧ વાગ્યાના અરસામાં દરોડો પાડીને પોલીસે રૂ.૩૦ લાખની કિંમતના કેમિકલના ચોરાઉ જથ્થા તથા વાહનો, કેમિકલ ભરવાના બેરલ, સાત મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત રૂ.પ૪ લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની તપાસ શરૂ કરી છે. પોલીસની રેડ દરમિયાન નાસી છૂટેલા એક શખ્સને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કરાયા છે.
કલોલ તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે સ્ટેટ સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલ અને કલોલ તાલુકા પોલીસે સંયુકત રીતે રણછોડપુરા ગામની સીમમાં ગત મધરાત્રે દરોડો પાડયો હતો અને કેમિકલ ટેન્કરમાંથી બેરલોમાં કેમિકલ ઠલવી રહેલા ઉત્તરપ્રદેશના અનિલસિંહ મહેન્દ્રપ્રતાપસિંહ રાજપૂત, ન્યુ રાણીપમાં વંદેમારતમ હોમમાં રહેતા જિજ્ઞેશ બળદેવભાઇ પટેલ, દસક્રોઇ તાલુકાના ભાડજ ગામે ક્રિશ્રા રો-હાઉસમાં રહેતા મિતેશ સોમાભાઇ પટેલ, પ્રમેશ અમરતલાલ પટેલ, અલ્પેશ અમરતલાલ પટેલ, નિરજ અમરતલાલ પટેલ, રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી ઉમેશ કુરાભાઇ મીણા આદિવાસી તથા ઉત્તરપ્રદેશના ભુવાન મેહીભાઇની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ૨૦૪, વંદેમાતરમ હોમમાં રહેતો સંદિપ બળદેવભાઇ પટેલ નાસી છૂટયો હતો.
આ બનાવ અંગે સીઆઇ સેલ ગાંધીનગરના અધિકારીઓ ઇશ્વરલાલ અંબાલાલ શર્માની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ એમએચ-૦૪-ઇએલ-૯૨૩૯ નંબરના ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરીને મીનીટ્રકમાં મૂકેલા બેરલોમાં ભરતા હતાં. પોલીસે ઉપરોકત કેમિકલ, એક બાઇક, છોટા હાથી મીનીટ્રક, ટેન્કર, સાત મોબાઇલ ફોન, રૂ.૧પ,૬૬૦ રોકડા અને ૧૨ નંગ ખાલી ટેન્કર મળી રૂ.પ૪,૩૦,૭૦૧ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.