અગાઉ આતંકવાદીઓએ વડોદરાનો બેઇઝ તરીકે ઉપયોગ કર્યો હોઇ તકેદારી
લોજ, વિશ્રામગૃહો, આરામગૃહો, ધર્મશાળા સહિતનાં સ્થળો પર વોચ
અમદાવાદ અને મુંબઇમાં આત્મઘાતી આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માહિતીના પગલે રાજ્યના પોલીસતંત્રને એલર્ટ કરી દેવાયું છે. વડોદરાનો અગાઉ આતંકવાદીઓ દ્વારા બેઝ તરીકે ઉપયોગ થયો હોવાથી શહેરના પોલીસતંત્રે પણ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું છે.
શહેરમાં રાઉન્ડ ધ કલોક વાહન ચેકિંગ ઉપરાંત ૨પ૦થી વધુ હોટલ અને ઢાબાંઓ પર તપાસ હાથ ધરાઇ છે. આ ઉપરાંત મહત્વનાં સ્થળો પર ડોગવોચ રાખી શકમંદોની વીડિયોગ્રાફી કરાઇ રહી છે. અમદાવાદમાં લશ્કર-એ-તોયબાના ચાર અને મુંબઇમાં જૈસ-એ-મહંમદના ત્રણ ત્રાસવાદીઓ ઘૂસ્યા હોવાની ગુપ્તચર વિભાગની માહિતીના પગલે પોલીસતંત્ર સતર્ક બની ગયું છે. અગાઉ આતંકવાદી હુમલામાં વડોદરાને બેઝ બનાવાયો હોવાથી શહેર પોલીસે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું છે. શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની સૂચના અને ડીસીપી ક્રાઇમ અશોક યાદવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમો ખાસ તૈનાત કરાઇ છે.
શહેરનાં તમામ પોલીસમથક વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક વાહનચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોટલો, ઢાબાં, વિશ્રામગૃહો, આરામગૃહો, ધર્મશાળા સહિતનાં સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. શહેરભરમાંથી ૨પ૦થી વધુ હોટલ અને ઢાબાઓ પર ચેકિંગ કરાયું છે. આ ઉપરાંત મલ્ટીપલ ચેકિંગ સહિત સીસીટીવીનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. પોલીસ કમિશનરે શહેરભરમાં લગાવાયેલા સીસીટીવીને વધુ સુદ્રઢ બનાવવા માટેની તાકીદ કરી છે.
મોટી હોટલોમાં સીસીટીવીનું રેકોર્ડિંગ કરવા આદેશ
આતંકવાદીઓએ મુંબઇમાં હોટલ તાજને નિશાન બનાવી હોવાથી મોટી હોટલોમાં પણ ખાસ ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમને મકરપુરા, જેપી અને સયાજીગંજની મોટી હોટલો પર બાજનજર રાખવાનો આદેશ અપાયો છે. વધુમાં હોટલ સત્તાધીશોને સીસીટીવી કેમેરામાં રેકોર્ડિગ કરવા જણાવાયું છે.
ઝૂંપડપટ્ટીઓની વીડિયોગ્રાફી સાથે તપાસ
આતંકવાદીઓનું સ્લીપર સેલ ઝૂંપડપટ્ટીઓમાં છુપાઇ સક્રિય રહેતું હોઇ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. સ્વયં ડીસીપી ક્રાઇમે શહેરની કેટલીક ઝૂંપડપટ્ટીઓમાં ખાખાંખોળા કર્યા છે. ઝૂંપડપટ્ટીઓ તેમજ શકમંદ શખ્સોની વીડિયોગ્રાફી પણ કરાઇ છે.
હોટલમાં મુસાફર રોકાણ કરવા જાય ત્યારે તેની પાસે ઓળખના પુરાવા માગવા ઉપરાંત હવે આવનાર રિક્ષા, કાર અથવા કોઇ વાહન લઇને આવ્યો હોય તો તેની નોંધ રાખવા જણાવ્યું છે. અન્ય કોઇ રાજ્યની ટ્રાન્સપોર્ટ દ્વારા આવ્યો હોય તો તેની પણ વિગત લેવી પડશે.