નવા વાચા માટે આગામી દિવસોમાં હકની જમીન મેળવવી મુખ્ય પડકાર
વુડાએ ૧૯૮૪થી અનામત કરેલ ૩૪.૩ હેકટર જમીન હજી મળતી નથી!
કથિત રાજકીય સોદાબાજીમાં આક્ષેપ-પ્રતિઆક્ષપ કરતા શહેરી બાવાઓ યુનિ. માટે ચૂપ કેમ?
પેલેસ કંપાઉન્ડની જગ્યામાં સરકારી રિઝર્વેશન હોવા છતાં જમીન મોટા બિલ્ડરોને પધરાવી દેવાના મુદ્દે હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં અન્ય રિઝર્વેશન સાથે યુનિ. માટે પણ ૨૭ વર્ષથી રિઝર્વ રાખવામાં આવેલી જમીન ચોક્કસ તત્વોને ફાયદો કરાવવાના ઈરાદે યુનિ.ને આપવામાં દગોફટકો ખેલાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે માત્ર રાજકીય સોદાબાજી માટે એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતાં શહેરીબાવાઓ યુનિ. માટે ચૂપ કેમ છે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
એક સમયે અભ્યાસ કરતા માત્ર ૩ હજાર વિદ્યાર્થીઓની સંખ્યા આજે ૧૩ જુદી જુદી ફેકલ્ટીઓ અને ૩ ઈિન્સ્ટટ્યૂટમાં મળી ૪૦ હજારે પહોંચી છે. યુનિ.ની આવી જરૂરિયાતને ૨૭ વર્ષ પૂર્વે ધ્યાનમાં લઈ વુડાએ લક્ષ્મી વિલાસ પેલેસ કંપાઉન્ડમાં ૨૦ હેકટર અને નાગરવાડા વિસ્તારમાં ૧૪.૩ હેકટર મળી કુલ ૩૪.૩ હેકટર જમીન અનામત રાખી હતી.
૧૯૮૪ના ડેવલોપમેન્ટ પ્લાનમાં વુડાએ કરેલા આ રિઝર્વેશનને ૧૯૯૬માં કરાયેલ પ્રથમ પુનરાવર્તિત યોજનામાં જાળવી રાખવામાં આવ્યું હતું. આ જ રીતે હાલ તૈયાર કરવામાં આવેલ વિઝન ૨૦૩૨ના દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજનામાં પણ આ રિઝર્વેશન યથાવત રાખી વુડાએ રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે. છેલ્લાં ૨૭ વર્ષથી યુનિ. સામે લટકાવી રાખવામાં આવેલા પેલેસ કંપાઉન્ડની જગ્યાના ગાજરનો આજદિન સુધી નિકાલ આવ્યો નથી. આ જગ્યા માટે વુડાએ યુનિ.ને R ૬.૮૪ કરોડની કિંમત જમા કરાવવાનું કહેતા યુનિ.એ ૨૦૦૧માં રાજ્ય સરકારને પત્ર લખી R ૭ કરોડની આર્થિક સહાય કરવા માંગ કરી હતી.
યુનિ.ની ફાઈલ ૧૦ વર્ષથી કોણે દબાવી?
મ.સ.યુનિ. દ્વારા ૨૦૦૧માં રાજ્ય સરકારને પત્ર લખી પેલેસ કંપાઉન્ડની જગ્યા માટે R ૭ કરોડની આર્થિક સહાય આપવા માંગણી કરવામાં આવી હતી. પરંતું ૧૦ વર્ષ પહેલા લખવામાં આવેલા આ પત્રની ફાઈલ ઉપર જાણે કોઈ મંત્રી કે બિલ્ડર લોબીના મોટા માથાનું વજન હોય યુનિ.ને પત્રનો જવાબ આપવાની તસ્દી પણ લેવામાં આવી નથી.
યુનિ.માં કમિટીની રચના કરાઈ હતી
પેલેસ કંપાઉન્ડની જગ્યા મેળવવા માટે સરકારી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે લગભગ ૭ થી ૮ વર્ષ પહેલા સન્ડિકેટ સભ્યોની એક કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટિએ જમીનની સંપાદન પ્રક્રિયા માટે જીલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠકો પણ યોજી હતી. પરંતું આ કમિટિના પ્રયાસો પણ યુનિ.ને જમીન અપાવવામાં સફળ થયા નહતા.
રિઝર્વેશન હાલમાં પણ ચાલુ છે
પેલેસ કંપાઉન્ડમાં મ.સ.યુનિ. માટે રાખવામાં આવેલ રીઝર્વેશન ૧૯૮૪થી આજદિન સુધી યથાવત છે. હાલમાં વિઝન ૨૦૩૨ હેઠળ તૈયાર કરવામાં આવેલા વુડાના નવા પ્લાનમાં પણ કોઈ પણ ફેરફાર વગર રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો છે. જે પ્લાન સરકાર મંજૂર કરશે તે મુજબ તેનો અમલ કરાશે.
એન.વી. પટેલ, ચેરમેન, વુડા
પેલેસની જગ્યા યુનિ.ના એક્સપાન્સન માટે મહત્વપૂર્ણ
રાજવી પરિવારે યુનિ.ને ૨૭૪ એકરના વિશાળ કેમ્પસની ભેટ આપેલ છે. આ ૨૦ હેકટર જગ્યા માટે જો નાણાંની વ્યવસ્થા થતી હોય તો યુનિ.ના વિકાસ માટે આ જમીન ચોક્કસ લેવી જોઈયે. જો નાણાંની વ્યવસ્થા ન થતી હોય તો સરકાર અને રાજવી પરિવાર સાથે સુમેળ ભર્યા વાતાવરણમાં બેસી જગ્યા મેળવવા પ્રયાસ થવા જોઈયે. આ જગ્યા યુનિ.ના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.
નીલેશ શુક્લ, સેનેટ સભ્ય
યુનિ.ના એક્સપાન્સન માટે હાલ કોઈ જગ્યા નથી તે જોતાં પેલેસ કંપાઉન્ડની જગ્યા યુનિ.ને મળે તે ખૂબ જરૂરી છે. પરંતું સરકાર શિક્ષણ સંસ્થા માટે પૈસા માંગે તે ખોટું છે. મહારાજાએ યુનિ.ને એક પણ રૂપિયો લીધા વગર જમીન આપી હોય તો સરકારે પણ જગ્યા વગર પૈસે આપવી જોઈયે. જોકે આ જગ્યા યુનિ.એ કોઈ પણ રીતે જવા ના દેવી જોઈયે.
અનિલ નવલે, પૂર્વ ડીન, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક
હાલ દેશ-વિદેશની અન્ય કોલેજોમાં નવા કોર્સ ઝડપથી વધી રહ્યા છે. તે જોતાં મ.સ.યુનિ.માં પણ નવા અભ્યાસ ક્રમો ઝડપથી અમલી બને તે જરૂરી છે. પરંતુ હાલ મહારાજા સાહેબે આપેલી જગ્યા નવા અભ્યાસક્રમો માટે પૂરતી નથી. આવી સ્થિતિમાં શહેરના બૌદ્વિક અને ઔદ્યોગિક વિકાસ માટે પેલેસ કંપાઉન્ડની રીઝર્વ રખાયેલી જગ્યા યુનિ.ને મળે તે ખૂબ જરૂરી છે.
પ્રજ્ઞેશ શાહ,પૂર્વ સિન્ડિકેટ સભ્ય
બોટોનિકલ ગાર્ડનની જગ્યામાં ઝૂપડાં ઊભાં થયાં! વુડા દ્વારા ૧૯૮૪માં જાહેર કરાયેલા રીઝર્વેશનમાં નાગરવાડા(હાલનો કારેલીબાગ) વિસ્તારમાં ૧૪.૩ હેકટર જમીન યુનિ.ને બોટોનીકલ ગાર્ડન બનાવવી ત્યાં બોટની વિભાગના રીસર્ચ કરવા માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતું છેલ્લા ૨૭ વર્ષથી સંપાદનના આટાપાટામાં આટવાયેલી જમીનમાં હાલ ઝૂપડા ઊભા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.