-સફળ વ્યક્તિઓ કંઈક નવીન નથી કરતા, પરંતુ તેઓ તેમના કાર્યને નવીનતાથી કરે છે -કાર્યને પ્રચંડ પુરુષાર્થથી શ્રેષ્ઠતમ બનાવવાનું સૂચન કર્યું
ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી(ચારૂસેટ) સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા આયોજિત ત્રીજા રાષ્ટ્રીય કક્ષાના ફાર્મા કાર્નિવલ એવલાન્સ ૨૦૧૨નો શુક્રવારે પ્રારંભ થયો હતો. ફાર્મા કાર્નિવલમાં ભારતભરની ફાર્મસી કોલેજના ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
ફાર્મા કાર્નિવલના ઉદઘાટન સમારોહમાં ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચર્સ એસોસિયેશન ગુજરાતના ચેરમેન યશવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘સફળ વ્યક્તિઓ કંઈક નવીન નથી કરતા, પરંતુ તેઓ તેમના કાર્યને નવીનતાથી કરે છે. ફાર્મા કાર્નિવલને ફાર્મસી ક્ષેત્રની નવીનત માહિતી અને જ્ઞાન આપ-લે કરવા માટેનું સુયોગ્ય પ્લેટફોર્મ ગણાવ્યું હતું. ફાર્મા કન્સલ્ટન્ટ વી.એમ.પટેલે વિદ્યાર્થીઓને યોગ્ય તકની રાહ જોઈ બેસી રહેવાના બદલે મળેલી તક કે કાર્યને પ્રચંડ પુરુષાર્થથી શ્રેષ્ઠતમ બનાવવાનું સૂચન કર્યું હતું. અધ્યક્ષપદેથી ડૉ. એમ.સી.પટેલે યુએસએમાં આવતા ફાર્મ.ડી પ્રોગ્રામને ભવિષ્યમાં જ ચારૂસેટ ખાતે મૂર્તિમંત કરવાની જાહેરાત કરી હતી. પ્રારંભમાં ફેકલ્ટી ડીન ડૉ. આર.એચ.પરીખે સ્વાગત પ્રવચન કરીને મહેમાનોનો પરિચય આપ્યો હતો. ચારૂસેટના રજિસ્ટ્રાર દેવાંગ જોષીએ ચારૂસેટની સફળ યાત્રાની વિગતો રજૂ કરી હતી.