ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.) (મહંમદ પયગંબર સાહેબ) ના જન્મદિન ઇદ-એ- મિલાદ પર્વની હર્ષભેર ઉજવણી દહેગામના મુસ્લિમ ભાઇ બહેનો દ્વારા કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરની જુમ્મા મસ્જિદમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને બપોરે શહેરના વિવિધ વિસ્તારોમાં મિલાદે મોહંમદીનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું.
ઇદ-એ- મિલાદના પર્વ નિમિત્તે દહેગામની જુમ્મા મસ્જિદમાં વહેલી સવારે સુબ્હે બહારા, નાઅત, હમદ સલાતો સલામનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ દસ વાગ્યે તકરીરનો કાર્યક્રમ યોજાતાં જામા મસ્જિદના પેશઇમામ અને અને તાજેતરમાં ખલીફા એ શૈખુલ ઇસ્લામનું બિરુદ મેળવનાર મૌલાના જલાલુદ્દીન બરકાતીએ નુરાની તકરીર ફરમાવી હતી. ત્યારબાદ નાઅતે નબી અને બાલમુબારકની ઝિયારતનો કાર્યક્રમ યોજાતા મુસ્લિમ ભાઇબહેનોએ ઝિયારત કરી ધન્યતા અનુભવી હતી અને બપોરે અઢી વાગ્યે જુમ્મા મસ્જિદ ચોકમાંથી ભવ્ય જુલૂસ કાઢવામાં આવતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જે જુલૂસ શહેરના મલેકવાડા, ઘેલશાહના મહોલ્લા થઇ લવાડિયા ફળી,શિવનગર સોસાયટી,ખ્વાજા સોસાયટી,જોરાવરનગર હોળી ચકલા,આંબલી ફળી,દાણીની ખડકી,ખોખરવાડા જેવા જુદા જુદા મુસ્લિમ વિસ્તારમાં ફરતા પેશ ઇમામ મૌલાના જલાલુદ્દીન બરકાતી,નાયબ પેશ ઇમામ નુર આલમ સાહબ,કસ્બા પ્રમુખ ઉમરાવ મીયાં મલેક તેમજ યુવા અગ્રણી અલતાફ મીયાં મલેકનું સન્માન કરવામાં આવ્યુ હતું. જુલૂસમાં જોડાયેલ લોકોનું ઠેર ઠેર વિવિધ પ્રકારની ચોકલેટ,ઠંડા પાણી, આઇસ્ક્રિમ, શરબત, કોલ્ડ્રીંકસ અને ચા કોફી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજના સમયે જુલૂસ જુમ્મા મસ્જિદ વિસ્તારમાં પરત ફર્યુ હતું.