સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઇની તપાસ પણ સો ટકા સાચી દિશામાં જ જઈ રહી છે તેવું માનવાને કોઈ કારણ નથી. છેલ્લા કેટલાક સમયથી તપાસમાં આવેલી ઢીલાશ, કેટલાક પોલીસ અધિકારીઓએ સીબીઆઇ પર કરેલા આક્ષેપો તેમજ ‘ડીબી ગોલ્ડ’ દ્વારા આજે થઈ રહેલા ખુલાસા પરથી એવું ચોક્કસ પ્રતિપાદિત થશે કે અહીં પણ કાગડા કાળા જ છે!
અગાઉ સીઆઈડીએ પણ સાક્ષી બનાવવા પ્રયત્ન કર્યો હતો
સીઆઈડી ક્રાઈમે વી.એ. રાઠોડને સાક્ષી બનાવતાં જ આ કેસના આરોપીઓએ કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, રાઠોડને પણ આરોપી બનાવવા જોઈએ, જેથી સેશન્સ કોર્ટે આ કેસ ગુજરાત હાઈકોર્ટને રિફર કર્યો હતો.
સુનાવણીનાઅંતે ૧ એપ્રિલ, ૨૦૦૮ના રોજ હાઈકોર્ટના જસ્ટિસ ડી.એન. પટેલે રાઠોડને આરોપી તરીકે જોડવા નિર્દેશ આપી સેશન્સ કોર્ટમાં હાજર થવા રાઠોડને જણાવ્યું હતું. બાદમાં રાઠોડ કોર્ટમાં હાજર થતાં તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે રાઠોડે ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
૨૩મી જુલાઈના રોજ સીબીઆઇની ખાસ અદાલત સમક્ષ આ કેસની ચાર્જશીટ રજુ કરતી વેળા સીબીઆઇના મુખ્ય તપાસનીશ અધિકારી અમિતાભ ઠાકુરે આ કાંડમાં સંડોવાયેલા ત્રણ પોલીસ કર્મચારી સંતરામ શર્મા, અજય પરમાર અને એટીએસના તત્કાલીન પીઆઇ વી.એ. રાઠોડને ક્લીનચીટ આપી હતી અને તેમને આ કેસના મહત્વના સાક્ષી ગણાવ્યા હતા. જો કે હવે આ મામલે કાનૂની ગૂંચ ઊભી થાય અને રાઠોડને બિનતહોમત છોડી મૂકવા સામે અન્ય આરોપીઓ અરજી કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેયને ક્લીનચીટ આપતી વેળા સીબીઆઇ એ ભૂલી જાય છે કે તા. ૨૨ મે ૨૦૧૦ના રોજ સીબીઆઇના જ પીઆઇ નવીન સોની સમક્ષ નિવેદન આપતી વેળા વિજયકુમાર રાઠોડે એવું જણાવ્યું હતું કે, ‘...તે સમયે ચૌબે એટીએસની જીપ ચિતાની પાસે લાવ્યા હતા. વણઝારાએ અમને કાળા ધાબળામાં લપેટાયેલી ડેડ બોડીને લાવવા કહ્યું. આ મૃત શરીરે પંજાબી ડ્રેસ પહેર્યો હતો, જેને ચૌબે, ચૌહાણ, જાડેજા અને હું લઈ આવ્યા હતા. મેં તે મહિલાનો ચહેરો જોયો હતો.
હવે તમે જ્યારે મને આ તસવીર બતાવી રહ્યા છો ત્યારે હું કહી શકું કે, આ એ જ મહિલા હતી જેનું મૃત શરીર મેં તે દિવસે જોયું હતું.’ આ જ પીઆઇ રાઠોડે ૧-૭-૨૦૦૭ના રોજ સીઆઇડી સમક્ષના નિવેનદમાં ઉક્ત મુજબનો કોઈ જ ખુલાસો કર્યો ન હતો. આ વિરોધાભાસ છતાં સીબીઆઇએ રાઠોડને આપેલી ક્લીનચીટ આશંકા જન્માવે છે. આ ઉપરાંત રાઠોડને આ કેસના આરોપી બનાવવાના હાઇકોર્ટના નિર્દેશ સામે રાઠોડે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીનો હજુ નિકાલ આવ્યો નથી ત્યારે આ ‘સબ જ્યુડિશિયલ’ મામલાને ઉપરવટ જઇને સીબીઆઇનું આ પગલું કેટલું ઉચિત છે?
CBI સમક્ષ નિવેદન: મેં કંઈ નથી જોયુ
રાઠોડે ૧ જુલાઈ, ૨૦૦૭ના રોજ સીઆઈડી સમક્ષના નિવેદનમાં કૌસરબી મામલે જણાવ્યું હતું કે, ઈલોલ ખાતે તા. ૨૯ નવેમ્બર, ૩૦ નવેમ્બર, ૨૦૦૫ના ગુપ્ત કામગીરી વખતે વણઝારા ઉપરાંત અમીન, પાંડિયન, ચૌબે, નાથુભા તથા ચૌહાણ ઉપસ્થિત હતા.
કૌસરબીની લાશ કોણે ઉતારી હતી તે અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘પીએસઆઈ ચૌબે ડ્રાઈવર તરીકે બેઠા હતા અને તેમની સામેની સીટમાંથી અમીન ઉતર્યા હતા. જીપમાં શું હતું તેની મને ખબર હતી.‘ જીપમાં કૌસરબીના અસ્થિ અને રાખના કોથળા ભરેલા હતા કે કેમ? તે અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘હું જીપમાં આગળના ભાગે બેઠેલો હતો અને અંધારું હોવાથી મેં કંઈ જોયેલું નહીં.’
CBI ને કહ્યું: ‘લાશના નિકાલ વખતે હું હાજર હતો’
રાઠોડે ૨૨ મે, ૨૦૧૦ના રોજ સીબીઆઈ સમક્ષ આપેલા નિવેદન મુજબ ‘૨૯ નવેમ્બર, ૨૦૦૫ના રોજ ડી.જી. વણઝારા અને રાજકુમાર પાંડિયનની સફેદ રંગની કારની પાછળ તેઓ તથા એન.વી. ચૌહાણ ટેમ્પો લઈને ઈલોલ સુધી ગયા હતા.
આ સમયે તેમની સાથે અન્ય કારમાં બાલકૃષ્ણ ચૌબે તથા એન.કે. અમીન હતા. વણઝારાની સૂચનાથી ઈલોલ ખાતે ટેમ્પોમાંથી લાકડાં ઉતાયાઁ હતાં. ત્યાર બાદ વણઝારાની સૂચનાથી કાળા ધાબળામાં લપેટેલી લાશને ચૌબે, ચૌહાણ, જાડેજા અને હું લઈ આવ્યા હતા. તે સમયે મેં મહિલાનો ચહેરો જોયો હતો. હવે તમે મને ફોટોગ્રાફ બતાવો છે. તે જોઈને હું કહું છું કે આ ફોટોગ્રાફ તે મહિલાનો જ છે.
મૃતક મહિલા અંગે મેં નાથુભાને પૂછ્યું ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે આ મહિલા સોહરાબુદ્દીનની પત્ની કૌસરબી હતી.’ કૌસરબીની અંતિમક્રિયા અંગે વધુ માહિતી આપતાં રાઠોડે જણાવ્યું હતું કે, ‘નાથુભા જાડેજા અને ચૌબેએ મૃતદેહ પર ઘાસનો ઢગલો કર્યો હતો અને ડીઝલ છાંટ્યું હતું. ત્યાર બાદ વણઝારાએ માચીસ વડે મૃતદેહને આગ લગાવી હતી.
ચૌબે અને ચૌહાણે રાખ તથા હાડકાંના અવશેષો પર પાણી રેડ્યું હતું. અવશેષોને ઠાર્યા બાદ વણઝારાની સૂચનાથી ચૌબે અને ચૌહાણ તેને એક કોથળામાં નાખીને ભરૂચ પાસેની કેનાલમાં નાખી આવ્યા હતા.
કેમ ગૂંચ ઊભી થશે?
કાનૂની નિષ્ણાતોના મતે હાઈકોર્ટે વી.એ. રાઠોડને આરોપી બનાવ્યા બાદ તેઓ સાબરમતી જેલમાં છે. હાઈકોર્ટના હુકમ અંગે સુપ્રીમ કોર્ટે હજુ કોઈ નિર્દેશ આપ્યા નથી તેવા સમયે સીબીઆઈ રાઠોડને ક્યા આધારે મહત્વના સાક્ષી તરીકે દર્શાવી તેમને બિનતહોમત છોડવા જણાવે છે?
બીજી બાજુ વણઝારા મંડળી રાઠોડની સાક્ષી બનવાની અરજીનો વિરોધ કરે તેવી શક્યતા છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ મેટર પડતર છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ સોંપતી વખતે કૌસરબીની હત્યા કોણે, કેવી રીતે કરી? તેની તપાસ કરવા નિર્દેશ આપ્યા હતા, ત્યારે એક પોલીસ અધિકારીએ ત્રણ વર્ષ સુધી તપાસ એજન્સીઓને અંધારામાં રાખી હોવાથી આગામી સમયમાં કાનૂની ગૂંચ ઊભી થઈ શકે છે.