ગોધરામાં સી.કે.રાઉલજીએ પિતા-પુત્રને હરાવવાનો રેકોર્ડ કર્યો

2007ની ચૂંટણીમાં પ્રભાતસિંહ, 2012માં પ્રવિણસિંહ ચૌહાણને હરાવ્યા
અત્યંત મહત્વની ગણાતી ગોધરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ ગત ૨૦૦૭ વિધાનસભામાં જેતે સમયે ભાજપાના પ્રભાતસિંહ ચૌહાણને હરાવ્યા હતા. જયારે ૨૦૧૨ની ચૂંટણી પ્રવિણસિંહ ચૌહાણને હરાવી સતત બીજી વખત જીત નોંધાવી હતી. આમ છેલ્લી બે ટર્મમાં ભાજપાના ઉમેદવારો એવા પિતા - પુત્રને હરાવ્યા છે.
પંચમહાલ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી સૌથી પ્રતિષ્ઠારૂપ ગણાતી ગોધરા વિધાનસભા બેઠક ઉપર સૌથી મીટ મંડાઇ હતી. સવારથી જ ચાલુ થયેલા મત ગણતરીના રાઉન્ડ જેમ જેમ આગળ જતા હતા. તેમ તેમ ઉમેદવારોનાં જીવ અદ્ધર થતા હતા. સૌથી મહત્વનો અને અગત્યનો ગણાતા છેલ્લા રાઉન્ડ સુધી હારજીતનો ફેંસલો કરવો મુશ્કેલ હતો. અંતે કોંગ્રેસના સી.કે.રાઉલજી ૨૮૬૯ મતની સરસાઇ મેળવી ભાજપાના પ્રવિણસિંહ ચૌહાણ સામે વિજય હાંસલ કર્યો હતો. જોકે ગત ૨૦૦૭ની વિધાનસભામાં ભાજપાના પ્રભાતસિંહ ચૌહાણ ગોધરા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી.
પરંતુ તેઓ ગોધરાના સ્થાનિક ગણાતા સી.કે.રાઉલજીએ ૧૪૪૯૪ મતથી પ્રભાતસિંહ સામે જીત મેળવી હતી. આમ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસી ગોધરાની બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે. આમ ગત વિધાનસભામાં પ્રભાતસિંહ ચૌહાણને કારમી હાર આપી હતી. અને ૨૦૧૨માં પુત્ર પ્રવિણસિંહ ચૌહાણને હરાવતા ભાજપા અગ્રણીઓ ફિકકા પડી ગયા હતા. અત્રે નોંધનિય છેકે, પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલના ચાલુ સાંસદ છે.






