૩૧મી ડિસેમ્બરના થનગનાટને નશીલો બનાવવા માટે બુટલેગરોએ કમર કસી: પોલીસની ધોંસના કારણે અન્ય રાજ્યમાંથી દારૂની હેર-ફેર મુશ્કેલ, પરંતુ બુટલેગરોએ શોધ્યો નવો રસ્તો: રૂ.૧૫૦૦થી માંડીને રૂ.૧૫૦૦૦વાળી ખાલી બોટલો ભંગારમાંથી ખરીદી, તેમાં સસ્તી કિંમતનો દારૂ ઠાલવી ગજવા ભરવાનો પેંતરો: ક્રિકેટના સટ્ટાની જેમ શહેરના અનેક ઠેકાણે ફૂટી નીકળ્યા છે આવી મિલાવટના કારખાના...
જુની બોટલમાં નવો દારૂ: આ કહેવત તો આપણે અનેક વાર સાંભળી જ છે, પરંતુ ૩૧ ડિસેમ્બરની વિશેષ તૈયારીના ભાગરૂપે શહેરના બુટલેગરોએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે.
મોંઘી બ્રાન્ડના શોખીન મદિરાપ્રેમીઓ પાસેથી તગડી રકમ પડાવવા માટે અનેક બુટલેગરોએ હાલ મોટા પાયે જુની બોટલમાં નવો દારૂ ભરવાની પ્રવૃત્તિ આરંભી છે. દારૂના ગોરખધંધાને ડામવામાં આપણી પોલીસની સફળતા અંગે તો કંઈ કહેવા જેવું છે જ નહીં, પરંતુ મોંઘી બ્રાન્ડનો શોખ ખિસ્સા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ કેટલી હદે ઘાતક નીવડી શકે છે તે દર્શાવવા માટે ‘ડીબી ગોલ્ડ’ દારૂના ગેરકાયદે ધંધામાં ચાલતા ગોરખધંધાને ઉજાગર કરી રહ્યો છે. શક્ય છે કે, આ અહેવાલ બાદ કેટલાક મદિરાપ્રેમીઓની આંખ ખુલે!
મોંઘી બ્રાન્ડના નામે ચાલી રહેલી મિલાવટ પરથી પડદો ઉઠાવવા માટે ‘ડીબી ગોલ્ડ’ની ટીમ એક બુટલેગરને મળી હતી અને વેચાણ હેતુથી મોંઘી બ્રાન્ડનો મોટો જથ્થો સસ્તી કિંમતમાં ખરીદવાની ઈચ્છા હોવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ, બુટલેગર અમારી ટીમને દિલ્હી ચકલા, મેમનગર, ભાવસાર હોસ્ટેલ, માધવપુરા વિસ્તારમાં આવેલી ભંગાર-પસ્તીની દુકાને લઈ ગયો હતો. બુટલેગરે આ દુકાનો પરથી જે બ્રાન્ડ જોઈતી હોય તે બ્રાન્ડની બોટલો ખરીદી લેવા જણાવ્યુ હતું.
આમ, ખાલી બોટલો ખરીદવાની બાબત પ્રકાશમાં આવતા અમે બુટલેગરને વિશ્વાસમાં લઈને તેની સાથે કેટલીક વાતચીત કરી હતી. આ વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, શહેરના ઘણા બુટલેગરો આ રીતે ખાલી બોટલોમાં સસ્તા દારૂથી માંડીને પેપ્સી, પાણી, સોડા વગેરે જેવી મિલાવટ કરીને શોખીનો પાસેથી હજારો રૂપિયા પડાવે છે. ક્યારેક તેમાં હાનિકારક પદાર્થોની પણ મિલાવટ થાય છે. માત્ર અમદાવાદમાં જ નહીં સમગ્ર રાજ્યમાં બુટલેગરો આ પ્રકારની છેતરપિંડી ચલાવે છે અને દરેક વખતે પોલીસના દાવાઓને પોકળ સાબિત કરે છે.
૧ ખાલી બોટલના ૪૦ રૂપિયા!
સસ્તી કિંમતમાં મોંઘી બોટલો તૈયાર કરી આપવા માટે બુટલેગરે પસ્તીની વિવિધ દુકાનો પરથી રૂ.૧,૫૦૦થી ૨,૦૦૦માં વેચાતા દારૂની એક ડઝન ખાલી બોટલો ખરીદી હતી. આ બોટલો પરના સ્ટિકર યથાવત હોય તો બુટલેગરો ખાલી બોટલદીઠ તેમને ૪૦ રૂપિયા ચૂકવે છે. તદ્ઉપરાંત બુચના ૨૦ રૂપિયા અને ખાલી ખોખાના ૨૦ રૂપિયા અલગ!
શાહપુર છે મુખ્ય કેન્દ્ર
પ્રાપ્ત માહિતી અનુસાર, આ રીતે દારૂ તૈયાર કરવાનો આ ધંધો મુખ્યત્વે શાહપુરમાં ચાલે છે. અલબત્ત સમગ્ર શહેરમાં ક્રિકેટના સટ્ટાની જેમ આ કારોબાર વિકસ્યો છે.
૩૧ ડિસેમ્બરની પૂર્વતૈયારી: ૯૦ ટકા દારૂ મિલાવટી હશે
૩૧ ડિસેમ્બરની ઉજવણીને નશીલી બનાવવા માટે દારૂની કુ-પ્રથા જાણેકે અનિવાર્ય બની છે. આ પ્રસંગે પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં આ બદી દિન-પ્રતિદિન વધુ પ્રસરતી જાય છે. ન્યૂ યર સેલિબ્રેશનમાં રૂ.૩૦૦થી માંડીને રૂ.૧૫૦૦૦ સુધીની વિવિધ બ્રાન્ડ ભરપૂર માગ રહેતી હોય છે.
આ તકનો લાભ લેવા મોટાભાગના બુટલેગરોએ તમામ બ્રાન્ડમાં મિલાવટ શરૂ કરી છે. મોટા પાયે ખાલી બોટલોની ખરીદી કર્યા બાદ સામાન્ય રીતે બુટલેગરો કોઈ અવાવરુ જેવા દેખાતા મકાન પર પસંદગી ઉતારે છે. બુટલેગર ઘરની અંદર પોતાનું ‘કામ’ કરતો હોય ત્યારે મકાનને બહારથી તાળુ મારીને બહાર તેનો સાગરિત ચોકી કરતો હોય છે. એક અંદાજ મુજબ ૩૧ ડિસે.ના રોજ મળતા કિંમતી દારૂમાંથી ૯૦ ટકા દારૂ આ પ્રકારનો હશે.
આવી મિલાવટ પણ કાયમી ગ્રાહકો માટે, અન્યોને તો...
એક બુટલેગરે નામનહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ‘સસ્તા દારૂવાળી કિંમતી બોટલો પણ દરેક ગ્રાહકને મળશે નહીં. એટલે કે કાયમી ન હોય તેવા ગ્રાહકો માટે ઠંડા પીણાં, પાણી કે પછી દેશીની મિલાવટ દ્વારા દારૂ બનાવવામાં આવશે. સામાન્ય રીતે આ પ્રકારની મિલાવટમાં ૨૦ ટકા દારૂ, જ્યારે બાકીના ભાગમાં ઠંડા પીણાં-પાણી કે દેશી દારૂ હોય છે. જોકે, મોટાભાગના લોકોને કંઈ ખબર પડતી ન હોવાથી આ ચાલાકી પકડાતી નથી.’