જે પુલ પરથી આપણે સડસડાટ પસાર થઈ જઈએ છીએ, તેનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો, કેવી રીતે તૈયાર થાય છે બ્રિજ... આવા તમામ સવાલોના જવાબ મળશે સેપ્ટ યુનિવર્સિટીના ટ્રેનિંગ પ્રોગ્રામમાં.
સેપ્ટ ખાતે આજથી ત્રણ દિવસીય બ્રિજ ડિઝાઈનિંગ વર્કશોપ
પુલની જરૂરિયાત શા માટે છે?, પુલનો ઈતિહાસ શું છે?, કેવી રીતે પુલ બનવાની શરૂઆત થઇ?, પુલની ડિઝાઈન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે - આવી તમામ માહિતી માટે સેપ્ટ ખાતે આજથી ત્રણ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત થઇ છે. આ ટ્રેનિંગ દરમિયાન તમને પુલને લગતી તમામ માહિતી આપવામાં આવશે. આ વર્કશોપ ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ પ્રોફેસર અને પ્રોફેશનલ લોકો માટે પણ રાખવામાં આવ્યો છે. જેમાં ભારતમાંથી કુલ ૧૦૦ જેટલા લોકોએ ભાગ લીધો છે.
સોમવારથી પહેલી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ટ્રેનિંગ દરમિયાન પંકજ પટેલ, અપૂર્વ પરીખ, દેવાંગ પટેલ, શિવાનંદ સ્વામી, જિતેન્દ્ર પટેલ અને મિહિર વોરા લેકચર આપશે.
આ વિશે માહિતી આપતા સ્ટ્રકચરલ એન્ડ ડિઝાઈન ડિપાર્ટમેન્ટના હેડ વિનોદ શાહે જણાવ્યું કે, અમે આ સેમિનારમાં બ્રિજના ઈતિહાસથી લઇને પહેલાં કેવી રીતે બ્રિજનું કામ થતું હતું અને અત્યારે કેવી રીતે કરવામાં આવે છે તે તમામ બાબતો જણાવીશું. દુનિયામાં દરેક જગ્યાએ બ્રિજ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો હિસ્સો છે.
ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે, એક શહેરને બીજા શહેર સાથે જોડવા, ટ્રાન્સપોટેંશન સરળ બનાવવા માટે પુલની જરૂરિયાત ઊભી થઇ હતી. પુલ નિર્માણમાં તેની સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી જેટલું જ મહત્વ ડિઝાઈનિંગનું છે. તેમણે બ્રિજનો ઈતિહાસ રજુ કરતા જણાવ્યું કે, પહેલાં ઝાડનો ઉપયોગ કરીને નદી પાર કરવા માટે નેચરલ બ્રિજ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ નદી પર બનાવવામાં આવતા વૂડન બ્રિજનું સ્ટ્રકચર પણ ખૂબ જ અગત્યનું છે જેમાં ચેરાપુંજીમાં બનેલો બ્રિજ બેસ્ટ છે.
સેપ્ટ યુનિવર્સિટીનાં સ્ટ્રકચરલ ડિઝાઈન ડિપાર્ટમેન્ટનાં ફેકલ્ટી ધારા શાહે જણાવ્યું કે, આ ટ્રેનિંગ સેશનનો મુખ્ય હેતુ એ છે કે વિદેશના ડિઝાઈનરોએ બનાવેલા બ્રિજ ખૂબ જ પ્રખ્યાત છે. આપણે ત્યાં પણ જે સારા બ્રિજ બનાવવામાં આવ્યા છે તે બહારના ડિઝાઈનર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામથી સ્ટુડન્ટને પણ ફાયદા મળી શકે અને એક્સપર્ટથી સારા ટિપ્સ પણ મળી શકે, એ જ ઉદ્દેશ્ય છે.
વધારે લોડ લઈ શકે આવા બ્રિજ જોઈએ...!
આ પ્રોજેક્ટ દ્વારા ભારતમાંથી કોઇ વિદ્યાર્થી કોઇ ક્રિયેટિવ બ્રિજ ડિઝાઈન કરે અને દુનિયામાં તેનું નામ થાય તે હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આના માટે અમે બ્રિજનું મોડલ બનાવવાની એક કોમ્પિટિશન પણ રાખી છે. આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓ માટે અમુક માપદંડો પણ રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે તેમણે એવી રીતે બ્રિજની ડિઝાઈન બનાવવી પડશે જે વધારે લોડ લઇ શકે. આ સ્પર્ધામાં પણ પાંચ ટીમમાં કામ કરવામાં આવી રહ્યું છે. પહેલી સપ્ટેમ્બરે તેમાંથી કોઇ એક વિજેતા સિલેકટ કરવામાં આવશે.