આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યામાં સંડોવાયેલા કોન્સ્ટેબલ બહાદુરસિંહની ધરપકડ બાદ કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. હત્યાકેસમાં રાજકીય નેતાનો હાથ હોવાની શક્યતાને ક્રાઇમ બ્રાન્ચે નકારી નથી પરંતુ રાજકીય અગ્રણીને બચાવવાના પ્રયાસોના ભાગરૂપે જેઠવાની હત્યા કરનારા બંને શાર્પ શૂટર શૈલેષ પંડ્યા અને પાચણ શિવાને પણ મોતને ઘાટ ઉતારી દેવાય તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાર્પ શૂટરને શોધવા ક્રાઇમ બ્રાન્ચે ૬ ટીમ બનાવી છે. દીનુ સોલંકીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે આ પ્રકરણમાં શાર્પ શૂટરોની ધરપકડ બાકી છે જ્યારે હત્યા સંદર્ભે પડદા પાછળ ભૂમિકા ભજવનારા અનેકની પૂછપરછ થઈ શકે છે. બહાદુરસિંહને મોડી રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી ૧૩ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યો છે.
સાંસદ દિનુ બોઘા સોલંકીના ખાસ મનાતા કોન્સ્ટેબલ બહાદુરસિંહને અમિત જેઠવાની હત્યામાં ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું હતું કે બહાદુરસિંહે કોડીનાર તાલુકાના આલીદર ગામે પી. બી. વાલની ભાગીદારીમાં ૧૨ વીઘાની ખાણ ખરીદી હતી પરંતુ જેઠવાએ સરકારી કચેરીઓમાં અરજી કરતાં ખાણ ચાલુ થઈ શકી ન હતી. જેથી બહાદુરસિંહે R ૧૦ લાખનું નુકસાન વેઠી ૬ વીઘા જમીન વેચી દીધી હતી. આથી બહાદુરસિંહે ત્રણેક મહિના પહેલાં અમિતની હત્યા કરાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના જુના મિત્ર પાચણ શિવાનો સંપર્ક સાધ્યો હતો.
પાચણે પાટણ જિલ્લાના બાસપા ગામના શાર્પ શૂટર શૈલેષ પંડ્યાને સોપારી માટે તૈયાર કર્યો હતો અને યુનુસના ખોટા નામે બહાદુરસિંહ સાથે બગોદરા ત્રણ રસ્તા પાસે પરિચય કરાવ્યો હતો. R ૧૫ લાખ પૈકી ૬ લાખ એડ્વાન્સ પેટે આપ્યા બાદ ત્રણેય જણાએ દીવમાં હત્યાનું કાવતરું રચ્યું હતું. અઢી મહિના પહેલાં ઉના ગામના પોલીસ ઇન્ફોર્મર સંજય ચૌહાણે પાચણ અને શૈલેષને અમિત જેઠવા બતાવ્યો હતો.
તેઓ અમિત જેઠવાને ખાંભામાં જ પતાવી દેવા માગતા હતા. ૧લી જુલાઈ, ૨૦૧૦ની આજુબાજુ પાચણ શિવા, શૈલેષ અને સંજયે તેમનો ખાંભાથી પીછો કર્યો હતો પરંતુ હત્યા કરવાની તક મળી નહોતી. ૧૮મી જુલાઈએ સંજય, પાચણ અને શૈલેષ બહાદુરસિંહની ફ્રન્ટી કારમાં અમદાવાદ આવ્યા હતા. અહીંયાં બહાદુરસિંહે તેમને બજાજ ડીસકવર બાઇકની વ્યવસ્થા કરી આપી હતી. આ જ બાઇક પર આવીને પાચણ અને શૈલેષ પંડ્યાએ જેઠવાને માર્યો હતો.
જેઠવાની હત્યા કરનારા શૈલેષને આચાર્યપદેથી સસ્પેન્ડ કરાયો હતો
અમિત જેઠવાની હત્યા કરનારો શાર્પશૂટર શૈલેષ પંડ્યા પાટણના સમી તાલુકાની બાસ્પા પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ આચાર્ય છે. શૈલેષ લૂંટ અને ફાયરિંગના ગુનામાં પાટણ પોલીસના ચોપડે વોન્ટેડ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુકેશ પટેલ ઉર્ફે પંડ્યાગુરુના નામે કુખ્યાત છે. જુગાર રમવાના શોખીન અને બાસ્પાનો વતની શૈલેષ પંડ્યાએ શાળાનાં બાળકોની શિષ્યવૃત્તિની ઉચાપત કરી હતી. વધુમાં શાળાની જ શિક્ષિકાને ભગાડી ગયો હતો.
બાદમાં બાસ્પા અને શિક્ષિકાના મોસાળ પાટણ તાલુકાના રૂવાવી ગામમાં અંધાધૂંધ ગોળીબાર કરી નાસી ગયો હતો, ત્યારથી તે પોલીસના ચોપડે વોન્ટેડ છે. પંડ્યા દોઢ વર્ષ અગાઉ પાલનપુરથી કાર ભાડે કરી હારિજના કુરેજા પાસે નહેર ઉપર તેના ડ્રાઇવરને બાંધીને ફેંકી ગાડી લઈ નાસી ગયો હતો, જે ગાડી રાપર પોલીસે કબજે લીધી હતી. તે જુગાર રમવાનો ભારે શોખીન છે.
સૌરાષ્ટ્ર, કચ્છ-બનાસકાંઠા આશ્રયસ્થાન
શૈલેષ પંડ્યા બનાસકાંઠાના થરા પંથકના એક ફાર્મહાઉસમાં તેની ખાસ્સી અવરજવર રહે છે. આ સિવાય ગાંધીધામમાં નવી બનતી વસાહતોમાં પણ તે રોકાતો હોય છે. કલોલમાં એક મારવાડી અને કડીના એક બુટલેગરના ત્યાં પણ તે આશરો લેતો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
શૈલેષ પંડ્યા પોલીસ સાથે ઘરાબો ધરાવતો હોઈ તેના સહકારથી જ રાજસ્થાન-સાંચોરથી કચ્છ-સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ પહોંચાડવાનું કામ પણ કરતો હતો. છેલ્લે બાસ્પા અને રૂવાવમાં ફાયરિંગ કર્યા બાદ વોન્ટેડ જાહેર થયો હતો.
બહાદુરના નામે જમીન છે જ નહીં
હત્યાના કારણ માટે બહાદુરસિંહે આપેલો ખુલાસો પોકળ સાબિત થઈ રહ્યો છે. બહાદુરે પોલીસને જણાવ્યા મુજબ, કોડીનારના આલીદર નજીકના પીછવી ગામે તે જમીન ધરાવે છે અને એ જમીનમાંથી ખનિજ ઉપાડવાનું કામ ચાલુ હતું. એ કામગીરી અંગે અમિત જેઠવાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાનું નક્કી કરતાં તેણે અમિતને પતાવી દેવાનો નિર્ધાર કર્યો હતો અને એ સંદર્ભે અમિતનું ઢીમ ઢાળી દેવા માટે શૈલેષ પંડ્યાને સોપારી આપી હતી.
જો કે તપાસ કરતાં જાણવા મળે છે કે બહાદુરના નામે આલીદર કે પીછવીમાં કોઈ જમીન જ નથી. બહાદુરનો ભાઈ માનસિંહપીછવીના સર્વે નં.૭૮ પૈકી ૧ અને ૭૮ પૈકી ૨માં પી.જી. વાળા નામના એક શખ્સ સાથે ભાગીદારીમાં ૧૨ વીઘા જમીન ધરાવતો હતો પણ એ જમીન દોઢ વર્ષ પહેલાં અન્ય કોઈને વેચી દેવામાં આવી છે. વળી મહત્વની વાત એ પણ છે કે એ જમીનમાં કદી ખોદકામ કરવામાં આવ્યું જ નથી.