ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ૬ અને ૭મી સપ્ટેમ્બરે બે દિવસ માટે મળશે, પરંતુ અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટની નાદુરસ્ત તબિયતને કારણે શાસક પક્ષ ભાજપ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી આ સત્રના પ્રથમ દિવસે કરાવી આ પદે ભાજપના જ દલિત ધારાસભ્યને આરૂઢ કરવાના મૂડમાં છે.
આ અંગે પ્રાથમિક વિચારણા પણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીની તારીખ જાહેર કરાય તથા વિધાનસભાના સચિવ જાહેરનામું બહાર પાડે તેવી શક્યતા છે.
સૂત્રોની માહિતી અનુસાર અધ્યક્ષની તબિયત નાદુરસ્તને કારણે બેદિવસીય સત્ર દરમિયાન અધ્યક્ષપદે કોણ બેસશે તે પ્રશ્ન શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષની પાંચ સભ્યોની પેનલમાંથી કોઈ એક સભ્ય અધ્યક્ષસ્થાન ગ્રહણ કરે છે.
આ વખતે આ પેનલમાં દોલતભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ મશરૂ, નીમાબહેન આચાર્ય અને વિપક્ષમાંથી સિદ્ધાર્થભાઈ પટેલ અને શંકરભાઈ વાઘેલા છે, પરંતુ શાસક પક્ષ ઉપાધ્યક્ષના પદ માટે ચૂંટણી કરાવી આ સત્ર દરમિયાન જ આ પદ ભરી દેવાના મૂડમાં જણાય છે.
નોંધનીય છે કે વિધાનસભાની પ્રણાલી મુજબ વિપક્ષના ધારાસભ્યને ઉપાધ્યક્ષનું પદ અપાતું હોય છે, પરંતુ ભૂતકાળનાં વર્ષોમાં સ્વ. ચીમનભાઈ પટેલની સરકાર વખતે વિપક્ષ સાથે સંબંધ બગડતાં અપક્ષ ધારાસભ્યને આ પદ સોંપાયું હતું. એવી જ રીતે કેશુભાઈ પટેલની સરકાર વખતે પણ આ પદ અપક્ષ ધારાસભ્યને અપાયું હતું. વર્તમાન સરકાર શાસનમાં આવી છે ત્યારથી ઉપાધ્યક્ષનું પદ ખાલી છે.