ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરની નિયુક્તિ માટે શાસક પક્ષે દાવો કર્યો હોવાની હિલચાલને પગલે સ્થાનિક રાજકારણમાં વિખવાદ સર્જાવાની શક્યતા છે. આ પદ માટે રાજ્યમાં વિરોધપક્ષના ધારાસભ્યને તક મળતી હોય તેવી પ્રણાલી રહી છે, પરંતુ આ પદ છીનવાઈ જવાના ભયે કોંગ્રેસ તરફથી બંધારણીય લડાઈનાં શસ્ત્રો ખડકાઈ રહ્યાં છે.
સચિવાલયનાં વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે વિધાનસભાના સ્પીકરપદે હાલ શાસક પક્ષના સિનિયર સભ્ય અશોક ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. આ ટર્મમાં ડેપ્યુટી સ્પીકરની વરણી હજી સુધી કરવામાં આવી નથી. થોડા સમય પહેલાં રાજ્યપાલે રાજ્ય સરકારને ડેપ્યુટી સ્પીકરની વરણી માટે આગ્રહ કર્યો હતો, પરંતુ સરકાર નિર્ણય લઈ શકી નહોતી.
ડેપ્યુટી સ્પીકર માટે શાસક પક્ષ તરફથી આત્મારામ પરમાર અને પ્રાગજી પટેલનાં નામ ચાલી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં આ પદ વિપક્ષને મળે તેવી પ્રણાલિકા છે પણ બહુમત ધરાવતી પાર્ટી શાસક પક્ષના સભ્યને આ પદ માટે નીમી શકે છે.
ભાજપે અપક્ષ ધારાસભ્ય ઉપેન્દ્ર ત્રિવેદીને ડેપ્યુટી સ્પીકરનું પદ આપ્યું ત્યારે વિપક્ષ કોંગ્રેસે ઊહાપોહ કર્યો હતો. બીજી તરફ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને પૂછતાં તેમણે કહ્યું હતું કે, ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી કરવી હોય તો તેનો કાર્યક્રમ સ્પીકર બહાર પાડી શકે છે. હાલ સ્પીકરની તબિયત નરમ હોવાથી તે શક્ય નથી. વર્ષોથી એવી પ્રણાલિકા રહી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળે છે. ભાજપે આ પ્રથાને તોડવી જોઈએ નહીં.